આંતરરાષ્ટ્રીય નૂર ભાડાં 30 ટકા ઘટ્યાં, નિકાસકારોને રાહત

ઓટો, ફાર્મા સહિતના ઉદ્યોગોને વધુ ફાયદો 
મુંબઈ, તા. 22 નવે. 
એપ્રિલથી અૉક્ટોબર, 2022 દરમ્યાન પાછલા વર્ષની સરખામણીએ આંતરરાષ્ટ્રીય નૂર ભાડાં લગભગ 30 ટકા ઘટ્યા હોવાથી ઉદ્યોગોને લોજીસ્ટિક્સ ખર્ચમાં રાહત મળવાની સંભાવના છે. ગયા વર્ષે નૂર ભાડાંમાં 200 ટકાનો અસાધારણ વધારો થતાં વેપાર-ધંધાને ગંભીર ફટકો પડ્યો હતો અને એન્જિનિયરીંગ, ઓટો કોમ્પોનેન્ટ્સ, ફાર્મા અને તબીબી ઉપકરણો સહિતનાં તમામ ક્ષેત્રોની કંપનીઓના નફાને અસર થઈ હતી. 
વૈશ્વિક સ્તરે શાપિંગ કન્ટેઇનર્સની ભારે અછતને કારણે અૉક્ટોબર, 2021માં તો ઉદ્યોગ-ધંધા જાણે કે સ્થગિત જ થઈ ગયા હતા. જોકે, અૉક્ટોબર, 2022માં આ ટ્રેન્ડ બદલાયો હતો. કન્ટેઇનરના ભાવમાં ઘટાડાનો અર્થ માગ નબળી પડવી અને પુરવઠો વધુ હોવાનો છે. એકંદર માગ ઘટવાથી, વૈશ્વિક અવરોધો હોવાથી તેમજ નિકાસોમાં ઘટાડાને કારણે નૂરભાડાં ઘટે છે. 
અૉક્ટોબરમાં ભારતની નિકાસ 16.6 ટકા ઘટીને 29.8 અબજ ડોલર નોંધાઈ હતી, જોકે, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જાનિયરીંગ ગુડ્સ, કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે નિકાસો વધી હોવાનું સત્તાવાર આંકડા જણાવે છે. છેલ્લા છ મહિનામાં ભારતનાં મુંદ્રા અને ન્હાવા શેવા જેવાં સૌથી મોટાં બંદરોએ કન્ટેઇનરના ભાવમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં કન્ટેઇનરના સરેરાશ ભાવ અૉક્ટોબરમાં વાર્ષિક ધોરણે 16 ટકાથી વધુ ઘટીને 3.363 ડોલર નોંધાયા હતા, જ્યારે જાન્યુઆરીથી અૉક્ટોબર, 2022માં આ ઘટાડો 22 ટકાથી વધુનો છે, એમ ઓનલાઈન કન્ટેઇનર લોજાસ્ટિક્સ પ્લેટફોર્મ કન્ટેઇનર એક્સચેન્જનો ડેટા જણાવે છે. 
કન્ટેઇનર એક્સચેન્જના સહસ્થાપક અને સીઈઓ ક્રિસ્ટિયાન રોએલોફ્સે જણાવ્યું કે ભારતે અન્ય ઘણા દેશો કરતાં વધુ લવચીકતાપૂર્વક વૈશ્વિક ભંગાણોનો સામનો કર્યો છે. જોકે, આ ભંગાણોના પ્રભાવને પગલે છેલ્લાં બે વર્ષમાં ભારતીય શાપિંગ ઉદ્યોગમાં બજાર અને કન્ટેઇનર વચ્ચે નોંધપાત્ર અસંતુલન સર્જાયું છે. કંપનીઓએ ઓછી માગ અને વધુ માલભરાવાને કારણે ઓર્ડરો ધીમા પાડ્યા છે. એકવાર માલભરાવો ઘટશે પછી માગ વધશે. કન્ટેઇનરના ઘટતા ભાવ દર્શાવે છે કે માગ નબળી પડી છે અને કન્ટેઇનરો ફાજલ છે. આ તફાવત જેટલો વધશે 
તેટલા કન્ટેઇનરના ભાડા અને ભાવ ઘટશે. 
કેરએજ રાટિંગ્સના ડિરેક્ટર મૌલેશ દેસાઈએ કહ્યું કે સ્ટીલ, ઓટોમોબાઈલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોને ડ્રાય બલ્ક અને કન્ટેઇનર નૂર ભાડાંમાં ઘટાડાનો સૌથી વધુ લાભ થશે. આ ક્ષેત્રોની કંપનીઓના નૂર ખર્ચા 18-20 ટકા જેટલા ઘટશે. નૂર ખર્ચ ઘટવાનો લાભ ટેક્સ્ટાઈલ્સ અને એન્જાનિયારિંગ ક્ષેત્રોને પણ થશે. જોકે, મહામારી પૂર્વેના સ્તરની સરખામણીએ કન્ટેઇનરના સરેરાશ ભાવ હજુયે બેથી ત્રણ ગણા ઊંચા છે. જૂન, 2020માં 1,675 ડોલરની સરખામણીએ જૂન, 2022માં કન્ટેઇનરની કિંમત લગભગ ત્રણ ગણી ઊંચી હતી. 
મેગ્નમ કાર્ગોના મનીષ શાહના જણાવ્યા મુજબ એર અને શિપ કાર્ગોના ભાડાં વાર્ષિક ધોરણે આશરે 30 ટકા ઘટ્યા છે. ન્હાવા શેવા, કોચી અને ચેન્નાઈ સહિતનાં ઘરઆંગણાનાં મુખ્ય બંદરોએ કન્ટેઇનર ટ્રાફિક ઘટી રહ્યો છે. ભારતીય બંદરોએ અૉગસ્ટમાં 9.77 લાખ ટીઈયુ (20 ફૂટ લાંબા કન્ટેઇનર્સ)ની સામે સપ્ટેમ્બરમાં 8.92 લાખ ટીઈયુ ટ્રાફિક નોંધાયો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer