આવતી ખરીફમાં બાસમતી ચોખાની ઓછું પાણી માગતી જાતનું વિતરણ કરાશે

યુરોપના દેશોને નિકાસની તકો વધશે
મુંબઈ, તા. 22 નવે. 
ઈન્ડિયન એગ્રિકલ્ચરલ 
એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ (આઈએઆરઆઈ) આવતા વર્ષની ખરીફ સિઝનમાં ખેડૂતોને બાસમતી ચોખાના બિયારણની નવી વરાયટીનું વિતરણ કરવા વિચારી રહી છે. આ વરાયટી દુકાળ સામે ટક્કર ઝીલી શકે તેવી હશે. ઈન્સ્ટીટ્યુટના મુખ્ય વૈજ્ઞાનિક ગોપાલ કૃષ્ણનના જણાવ્યા મુજબ પુસા બાસમતી (પીબી) 1882 નામની આ નવી વરાયટી પરંપરાગત રીતે યુરોપિયન યુનિયનના દેશોને નિકાસ કરવામાં આવતી હોવાથી આ બાસમતી ચોખાનું નિકાસ ભાવિ ઘણું ઉજળું છે. કૃષ્ણન જણાવે છે કે બે વર્ષના પ્રાયોગિક તબક્કા દરમ્યાન આ નવી વરાયટીએ પ્રતિ હેક્ટર 4.2 ટનની સામે 4.6 ટન સરેરાશ ઊપજ આપી હતી. હવે તેની પેટન્ટ માટે અરજી કરવામાં આવી છે. 
ચોખાના વાવેતરમાં પાણીનો વપરાશ ઘટાડવા માટે દુકાળમાં પણ ટકી શકે તેવી બાસમતી ચોખાની વરાયટી ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ (આઈએઆરઆઈ) દ્વારા વિકસાવવામાં આવી છે, જેને કૃષિ મંત્રાલયે સૌપ્રથમવાર મોટા પાયે વિતરણની મંજૂરી આપી છે. 
નવી વરાયટીનું વાવેતર હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશના પશ્ચિમના વિસ્તારો, ઉત્તરાખંડ તેમજ જમ્મુ અને કાશ્મીરમાં કરવાની ભલામણ કરાઈ છે. આ બિયારણનાં વાવેતર બાદ જો ફૂલો બેસવાના તબક્કા દરમ્યાન જો વરસાદની ખાધ પડે તો પણ પાકને નુકસાન થતું નથી. 
ટ્રાન્સપ્લાન્ટિગ પદ્ધતિ દ્વારા ઉગાડેલા ચોખા માટે પ્રતિ એક કિલોએ 3000 લીટર પાણીની જરૂર પડે છે, જ્યારે નવી વરાયટીનું વાવેતર સીધી વાવણીની પદ્ધતિએ કરતાં પાણીની નોંધપાત્ર બચત કરી શકાય છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer