પીએમ-કિસાનના લાભાર્થીઓનો આંક 10 કરોડને પાર

પીટીઆઈ
નવી દિલ્હી, તા. 22 નવે. 
કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેર કર્યું છે કે પીએમ-કિસાન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 10 કરોડ કરતાં વધુ નોંધાઈ છે. વર્ષ 2019ની શરૂઆતના પહેલા હપ્તાની ચુકવણી સમયે 3.16 કરોડ ખેડૂતો હતા, જે સંખ્યા હવે ત્રણ ગણા કરતાં પણ વધુ વધી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ખેડૂતોને ચુકવાતા દરેક હપ્તા સાથે લાભાર્થીઓની સંખ્યા ઘટી રહી હોવાનો આક્ષેપ કર્યા બાદ સરકારે આ આંકડા જાહેર કર્યા છે. 
ફેબ્રુઆરી, 2019માં યોજના જાહેર થઈ હતી, પરંતુ તે ડિસેમ્બર, 2018ની અસરથી અમલી બની હતી. કેન્દ્ર સરકાર વર્ષમાં ત્રણ સમાન હપ્તામાં ખેતીની જમીનની માલિકી ધરાવતા નાના ખેડૂત પરિવારોને રૂા. 6000ની આવક સહાય આપે છે.  કૃષિ મંત્રાલયે જણાવ્યા મુજબ યોજના હેઠળ ત્રણ વર્ષમાં રૂા. બે લાખ કરોડથી વધુ રકમ જરૂરિયાતમંદ ખેડૂતોને બારોબાર બેન્ક ખાતાંમાં અપાયાં છે. આમાંથી રૂા. 1.6 લાખ કરોડ મહામારીના ગાળા દરમ્યાન કરાયેલી નાણાં સહાય છે.  
લાભના સીધા હસ્તાંતરણ બાબતે વિશ્વ વિક્રમની સાથે સાથે સંપૂર્ણ પારદર્શિતા આપતી આ યોજનાને પગલે સરકાર પાસે ખેડૂતોનો અમૂલ્ય ડેટા બેઝ તૈયાર થયો છે, જેના ઉપયોગથી સરકારને મૃત્યુ પામેલા ખેડૂતો, પોતાની જમીન વેચી દીધી હોય તેવા ખેડૂતો વગેરે વિશે માહિતી મેળવવી સરળ બનશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer