ઘઉંનો વૈશ્વિક પાક વધુ થવાની સંભાવના

મુંબઈ, તા. 22 નવે.
અમેરિકન કૃષિ વિભાગ (યુએસડીએ) એ પોતાની વર્ષ 2022-23 નવેમ્બર મહિનાની રિપોર્ટમાં ઘઉંનું વૈશ્વિક ઉત્પાદન વધવાની વાત જણાવી છે. અૉસ્ટ્રેલિયા, કઝાકિસ્તાન અને બ્રિટનમાં ઘઉંનું ઉત્પાદન વધશે, જેનાથી આર્જેન્ટિનામાં ઉત્પાદનમાં ઘટાડાને આંશિક રીતે સરભર કરી શકાશે. માનવ ખોરાક, પશુ આહાર અને ઔદ્યોગિક વપરાશ ત્રણેયમાં ઊંચા ભાવને કારણે ઘટાડો થશે. યુએસડીએ એ વર્ષ 2022-23 સીઝન માટે ઘઉંની સરેરાશ કિંમત 9.20 ડોલર પ્રતિ બુશેલ યથાવત રાખી છે. 
યુએસડીએના મતે વર્ષ 2022-23માં ઘઉંનું વૈશ્વિક ઉત્પાદન 78.26 કરોડ ટન રહેવાનો અંદાજ છે. ગયા મહિને તેનો અંદાજ 78.16 કરોડ ટન હતો. જ્યારે વર્ષ 2021-22માં ઘઉંનો પાક 77.94 કરોડ ટન રહ્યો હતો. ભારતમાં ઘઉંનું ઉત્પાદન વર્ષ 2022-23માં 10.30 કરોડ ટન રહેવાનો અંદાજ છે જે વર્ષ 2021-22માં 10.95 કરોડ ટન અને વર્ષ 2020-21માં 10.78 કરોડ ટન હતું. ભારતમાંથી ઘઉંની નિકાસ વર્ષ 2022-23માં 30 લાખ ટન થઈ શકે છે, જે વર્ષ 2021-22માં વધીને 105.67 લાખ ટન થઈ ગઈ છે. વર્ષ 2020-21માં ભારતની ઘઉંની નિકાસ 35.97 લાખ ટન રહી હતી. 
યુએસડીએએ રશિયામાં વર્ષ 2022-23માં 9.10 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે. કઝાકિસ્તાનમાં ઘઉંનું ઉત્પાદન 1.40 કરોડ ટન સુધી પહોંચવાનો અંદાજ છે. ઘઉંનું ઉત્પાદન અમેરિકામં 4.49 કરોડ ટન, ચીનમાં 13.80 કરોડ ટન, યુરોપિયન યુનિયનમાં 13.43 કરોડ ટન થવાનો અંદાજ છે. જ્યારે વર્ષ 2021-22માં રશિયામાં 7.51 કરોડ ટન, કઝાકિસ્તાનમાં 1.18 કરોડ ટન ઉત્પાદન થવાનો અંદાજ હતો. ઘઉંનું ઉત્પાદન યુએસમાં 4.48 કરોડ ટન, ચીનમાં 13.69 કરોડ ટન, યુરોપિયન યુનિયનમાં 13.82 કરોડ ટન થવાનો અંદાજ હતો. 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022-23માં આર્જેન્ટિનામાંથી 1 કરોડ ટન, ઓસ્ટ્રેલિયામાંથી 2.70 કરોડ ટન, બ્રાઝિલમાંથી 35 કરોડ ટન, કેનેડામાંથી 2.60 કરોડ ટન, યુરોપિયન યુનિયનમાંથી 3.5 કરોડ ટન, રશિયામાંથી 4.2 કરોડ ટન અને યુક્રેનમાંથી 1.10 કરોડ ટન ઘઉંની નિકાસ થવાની સંભાવના છે. 
વર્ષ 2022-23માં ઘઉંની કુલ વૈશ્વિક વપરાશ 79.10 કરોડ ટન થવાની સંભાવના છે જે વર્ષ 2021-22માં 79.37 કરોડ ટન હતી. વર્ષ 2022-23માં ઘઉંનો વૈશ્વિક ક્લાઝિંગ સ્ટોક 26.78 કરોડ ટન રહેવાની શક્યતા છે, જે વર્ષ 2021-22માં 27.63 કરોડ ટન થવાની સંભાવના છે. ભારતમાં ઘઉંનો ક્લાઝિંગ સ્ટોક વર્ષ 2022-23માં 1.20 કરોડ ટન હોવાનો અંદાજ છે, જે વર્ષ 2021-22માં પણ 1.95 કરોડ ટન છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer