ધોરી માર્ગોના બાંધકામ આડેના અવરોધો દૂર કરાશે

નવી દિલ્હી, તા. 22 નવે. 
દેશમાં રોડ નિર્માણનું કાર્ય ધીમું પડવાથી કેન્દ્ર સરકારે તેની ખામીઓ દૂર કરીને તેને ઝડપી બનાવવા સમગ્ર કાર્યની સઘન સમીક્ષા હાથ ધરવાનું નક્કી કર્યું છે.
આ બાબતથી પરિચિત એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે પરિવહન મંત્રાલયે, નેશનલ હાઇવેઝ અૉથોરિટી અૉફ ઇન્ડિયા (એનએચએઆઈ)ની દરેક વિભાગીય અૉફિસોનો સંપર્ક કરીને હાઇવેના પ્રોજેક્ટોમાં આવતી અડચણોને દૂર કરવાનું જણાવ્યું હતું.
કેરળ, તેલંગણા, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને હરિયાણામાં સરકારી પ્રોજેક્ટોમાં ઘણો બધો વિલંબ થઈ રહ્યો છે જ્યારે ઉત્તર પ્રદેશ અને બિહારમાં હાઇવે પ્રોજેક્ટો સારી ગતિથી આગળ વધી રહ્યા છે. હવે દરેક પ્રોજેક્ટ યોગ્ય રીતે આગળ વધે તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે.
સત્તાવાર આંકડાઓ મુજબ ચાલુ નાણાકીય વર્ષના અૉક્ટોબરના અંત સુધીમાં 4060 કિ.મી. નેશનલ હાઇવેનું નિર્માણ થયું હતું. 2021-22માં આ સમય સુધીમાં 4550 કિ.મી. નેશનલ હાઇવેનું નિર્માણ થયું હતું. આમ ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે 10.7 ટકા ઓછા હાઇવેનું નિર્માણ થયું હતું. 2022-23માં સાતમાંથી પાંચ મહિનામાં, હાઇવેનું નિર્માણ કાર્ય ગત વર્ષ કરતાં ઓછું હતું.
હાઇવે નિર્માણ માટે જમીન સંપાદન એક પેચીદો પ્રશ્ન છે એટલે કેન્દ્ર સરકારે તેના ઝડપી ઉકેલ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ઉપરાંત ઘણીવાર સરકારી મંજૂરીમાં વિલંબ થવાને કારણે હાઇવે પ્રોજેક્ટ ધીમી ગતિએ ચાલતા હોય છે તે બાબત પણ સરકારે ધ્યાનમાં લીધી છે.
કેટલાક રોડ પ્રોજેક્ટ માટે નાણાંની વ્યવસ્થા પૂર્ણ થઈ નહીં હોવાને કારણે પણ પ્રોજેક્ટ વિલંબિત થાય છે. પ્રોજેક્ટનો કૉન્ટ્રાક્ટ કોઈને આપી દીધો હોય છતાં નાણાંની વ્યવસ્થાના અભાવે કેટલાક પ્રોજેક્ટ શરૂ કરવાની તારીખ જાહેર થઈ નથી.
ચાલુ વર્ષે કેટલાંક સ્થળોએ અણધાર્યા અને વધુપડતા વરસાદને કારણે પણ રોડ નિર્માણના લક્ષ્યાંકો પૂરા થયા નથી. મે મહિનામાં રોડ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ 2022-23માં 18,000 કિ.મી. નેશનલ હાઇવેના નિર્માણનો લક્ષ્યાંક રાખ્યો છે. જોકે, અત્યારે આ ક્ષેત્રમાં જે ગતિએ કાર્ય થઈ રહ્યું છે તે જોતા લક્ષ્યાંકો પૂરા થાય તેવી શક્યતા ઘણી ઓછી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer