સ્ટીલની નિકાસ પરની જકાત પાછી ખેંચાઈ

સ્ટીલ ઉદ્યોગને કોઈ મોટો લાભ નહીં થાય
નવી દિલ્હી, તા. 22 નવે.
સરકારે લોખંડ અને સ્ટીલની ચીજવસ્તુઓ પરની નિકાસ જકાત પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે. જોકે તેનાથી દેશની લિસ્ટેડ સ્ટીલ કંનીઓને કોઈ નોંધપાત્ર ફાયદો નહીં થાય કારણ કે હાલમાં સ્ટીલની વૈશ્વિક માગ લગભગ પડી ભાંગી છે. તેના કારણે નિકાસની તક મર્યાદિત થઈ ગઈ છે.
સ્ટીલ ઉદ્યોગને એ પણ ચિંતા છે કે સ્ટીલના ભાવમાં કોઈ મોટો વધારો થશે તો સરકાર ફરીથી નિકાસ જકાત નાખવાનું વિચારશે. આમ છતાં નિકાસપરની જકાત પાછી ખેંચી લેવામાં સ્ટીલ ઉદ્યોગમાં થોડું ઉત્સાહનું વાતાવરણ છે. જેએસડબલ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટીલ ઍન્ડ પાવર જેવી કંપનીઓના સ્ટીલના ભાવમાં 10થી 15 ટકા સુધીનો વધારો થઈ શકે છે એમ એક નિષ્ણાતે જણાવ્યું હતું.
સ્ટીલના માલસામાનનો ભરાવો ઓછો હોવાને કારણે થોડા સમય સુધી ભાવને ટેકો રહેશે. નિકાસ જકાત પાછી ખેંચાઈ  તેની તાતા સ્ટીલ અને સેઇલન શૅરોના ભાવ પર કોઈ વિશેષ અસર જોવા મળી નથી.
મે મહિનામાં ભારતમાં અને વિશ્વમાં સ્ટીલના ભાવ વિક્રમ ઊંચાઈ પર પહોંચી ગયા હતા અને સ્થાનિક કંપનીઓને સ્ટીલની નિકાસમાં આકર્ષક વળતર મળતું હતું ત્યારે સરકારે સ્ટીલના માલસામાનની નિકાસ પર જકાત નાખી હતી. જોકે ત્યાર બાદ પરિસ્થિતિમાં ઘણું બધું પરિવર્તન આવ્યું હતું.
વર્લ્ડ સ્ટીલ ઍસોસિયેશન (ડબલ્યુએસએ)એ 2022 અને 2023માં ભારત સહિત સમગ્ર વિશ્વમાં સ્ટીલની માગ ઓછી રહેશે તેવો અંદાજ આપ્યો છે. ફક્ત મધ્ય પૂર્વ અને આફ્રિકામાં સ્ટીલની માગ એકંદરે સારી રહેશે.
2022માં સ્ટીલની વૈશ્વિક માગ 2.2 ટકા ઘટવાનો અંદાજ છે. સૌથી ઓછી માગ યુરોપ અને બ્રિટનમાં રહેશે. તાતા સ્ટીલનો યુરોપ અને બ્રિટનમાં ઘણો મોટો કારોબાર છે.
મે મહિનામાં ભારતીય સ્ટીલ (હોટ રોલ્ડ કોઇલ)ના ભાવ પ્રતિ ટન રૂા. 70,000 ઉપર હતા અને યુરોપિયન સ્ટીલના ભાવ પ્રતિ ટન 1000 ડૉલર (લગભગ રૂા. 66,000) હતા.
આમ વિદેશમાં સ્ટીલના વધુ ભાવ મળવાને કારણે દેશના સ્ટીલ ઉત્પાદકોને નિકાસમાં સારી કમાણી થતી હતી તેથી સ્ટીલની નિકાસ વધી હતી.
તેનાથી વિરુદ્ધમાં અત્યારે ભારતમાં સ્ટીલના ભાવ પ્રતિ ટન રૂા. 55,000 ચાલે છે જ્યારે યુરોપમાં સ્ટીલના ભાવ લગભગ 40 ટકાથી વધુ ઘટયા છે. હાલમાં યુરોપના સ્ટીલના ભાવ પ્રતિ ટન 600 ડૉલર અથવા તો લગભગ રૂા. 49,000 ચાલે છે.
આ ઉપરાંત ચીનમાં સ્ટીલના ભાવ લગભગ 30 ટકા ઘટયા છે, આમ હાલમાં વિશ્વના કોઈ પણ દેશમાં સ્ટીલની નિકાસ કરવી પોસાણક્ષમ નથી. શુક્રવારે પ્રમુખ સ્ટીલ કંપનીઓ તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટીલ ઍન્ડ પાવર અને સેઇલના ભાવ લગભગ ટકેલા હતા.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer