એક જ સપ્તાહમાં ચાંદી વાયદો 3.1 ટકા ઘટ્યો

ભારતમાં નીકળેલી જ્વેલરી અને ચાંદીનાં વાસણોની જોરદાર માગ 
ઇબ્રાહિમ પટેલ 
મુંબઈ, તા. 22 નવે. 
છેલ્લા ચાર સપ્તાહમાં સટોડિયા અને રોકાણકારોએ સોનાચાંદીમાં લૂટાલૂટ મચી હોય તેમ લેવાલી કરી હતી. આખા જગતમાં બેરોજગારીનો દર દાયકાઓ નીચે જતો રહ્યો છે, યુકેનો ગ્રાહક ભાવાંક વર્ષાનુવર્ષ 11.1 ટકા વટાવી ગયો હતો, આ સ્થિતિમાં ના તો ચાંદીની એવી કોઈ મોટી અછત નિર્માણ થઈ છે, કે ન તો અમેરિકન રિઝર્વ બેંકની નીતિમાં કોઈ મોટું પરિવર્તન આવી ગયું છે. બસ ઘટના એ બની છે કે તાજેતરમાં મંદીવાળા ચાંદીમાં જે રીતે માથે મારી વેચવાની સરળતા ધરાવતા હતા, તેવી સ્થિતિ હવે તેજીવાળા માટે નિર્માણ થઈ છે. બજાર જ્યારે જ્યારે સંવેદનશીલ બને ત્યારે ત્યારે, મંદીવાળા વિકરાળ બની બજારમાં તાકાતનો પરચો બતાવવા ઉતરી આવતા હોય છે. આવા સમયે તેઓ ક્યારેક હથિયાર હેઠા મૂકીને તેજીવાળાને કોઈ પણ ભોગે માલ લેવા આકર્ષિત કરતાં હોય છે. 
ગત એક જ સપ્તાહમાં ચાંદી ડિસેમ્બર વાયદો 3.1 ટકા ઘટી શુક્રવારે 20.97 ડોલર પ્રતિ પાઉન્ડ (31.1347 ગ્રામ) બંધ થઈ, સોમવારે ભાવ 20.72 ડોલર થયો હતો. તે અગાઉના છેલ્લા ચાર સપ્તાહમાં તે કુલ 19.9 ટકા અથવા 3.6 ડોલર ઉછળી હતી. ગત સોમવારે ભાવ 22.11 ડોલર થયા તે, બે જૂન પછીનો નવો ઊંચો ભાવ હતો. વર્તમાન વર્ષમાં ચાંદી હજુ પણ 10.1 ટકાનો ઘટાડો દાખવે છે. બજાર જ્યારે બોટમ બનાવવા જઈ રહી હોય ત્યારે આપણે એ નક્કી નથી કરી શકતા કે આખરી બોટમ શું હશે. આવા સમયે ખરીદી માટે આપણો અભિગમ એવો હોવો જોઈએ કે બજાર જાય તેટલી નીચે જવા દેવી જોઈએ. જો તમારે લેવાલી કરવી જ હોય તો, 1000 ઔંસના ન્યુયોર્ક માર્ચ વાયદાને 19.50, 18.50, 17.50, 16.50 અને 15.50 ડોલરના ભાવથી લક્ષ્યાંકો નિર્ધારિત કરવા જોઈએ. 
મેટલ ફોકસે ચાંદીના સરેરાશ ભાવ વર્ષાનુવર્ષ 16 ટકા નીચા નિર્ધારિત કર્યા છે. અલબત્ત, 7 નવેમ્બર સુધીમાં ભાવ 14 ટકાનો ઘટાડો દાખવતાં હતા. મેટલ ફોકસ તો ત્યાં સુધી માને છે કે યુએસ ફેડ સતત વ્યાજદર વધારતું રહેશે, અને બુલિયન મેટલમાં નફો મેળવવો અઘરો થઈ પડશે. આ બંનેની સંયુક્ત આસરે મજબૂત થતો ડોલર વધુ મક્કમ થશે, સાથે જ સોના ચાંદીના ભાવ પણ નીચે જવાનું દબાણ વધારશે. 
સિલ્વર ઇન્સ્ટિટ્યુટનો તાજો અહેવાલ કહે છે કે આ વર્ષે ચાંદીની પુરવઠા ખાધ 16 ટકા વધીને 1.21 અબજ ઔંસ થશે, જે એક દસકાની સૌથી વધુ હશે. આનું કારણ છે, ઔદ્યોગિક સાથે જ્વેલરી અને ચાંદીનાં વાસણોની માગ વૃધ્ધિ તેમજ ફિઝિકલ ઇન્વેસ્ટમેન્ટ. વર્ષ 2021માં ચાંદીની ઔદ્યોગિક માંગ 5110 લાખ ઔંસ હતી તે 2022માં પાંચ ટકા વધીને 5390 લાખ ઔંસ નિર્ધારિત છે. આ વર્ષે ફિઝિકલ માંગ અગાઉના તમામ વિક્રમ તોડીને 18 ટકા વૃધ્ધિ સાથે 3290 લાખ ઔંસ થશે. ભારતમાં નીકળેલી આંધળી ચાંદી માંગે જ્વેલરી અને ચાંદીના વાસણોની આ વર્ષની કૂલ જાગતિક માંગમાં અનુક્રમે 29 ટકા વધી 2350 લાખ ઔંસ અને 72 ટકાના વધારા સાથે 730 લાખ ઔંસ થશે.   
યુએસ ફેડ જે રીતે રોકડ પ્રવાહિતાને અસર કરી રહી છે, તે જોતાં જો વ્યૂહાત્મક રીતે ન્યુયોર્ક માર્ચ વાયદાના 1000 ઔંસના સોદાને તમારી કારન્સીમાં પરિવર્તિત કરી ધ્યાન કેન્દ્રિત કરો તો તે વાજબી ગણાશે. 2022માં ખાણમાંથી ચાંદીનું ઉત્પાદન વર્ષાનુવર્ષ એક ટકો વધીને 8300 લાખ ઔંસ થશે. તાજેતરમાં મેક્સિકો ખાતે અનેક નવી ખાણોને ઉત્પાદનમાં લઈ જવાના પ્રયાસો, કદાચ આ વર્ષે વાસ્તવિક ઉત્પાદનમાં પરિવર્તિત થશે. ઉત્પાદન વૃધ્ધિમા ચીલી પણ તેની નવી અને વર્તમાન ખાણોમાંથી મોટો હિસ્સો ઉમેરશે. પેરૂ, ચીન અને રશિયામાં ઉત્પાદન ઘટાડાને મેક્સિકો અને ચીલી સરભર કરી નાંખશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer