કોરોનાને કારણે ભારતનું $ પાંચ લાખ કરોડનું અર્થતંત્ર બનવાનું સ્વપ્ન બે વર્ષ લંબાઈ ગયું

નવી દિલ્હી, તા. 22 નવે.
કોરોના મહામારીને કારણે ભારતનો પાંચ લાખ કરોડ ડૉલરનું અર્થતંત્ર બનવાનો લક્ષ્યાંક બે વર્ષ લંબાઈ ગયો છે, એમ કેન્દ્ર સરકારે સંસદની નાણાકીય બાબતો વિશેની સ્થાયી સમિતિને જણાવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રનો 6.5થી સાત ટકાના દરે વિકાસ થશે અને છેલ્લા (જાન્યુઆરીથી માર્ચ) ત્રિમાસિકમાં છૂટક ફુગાવો બેથી છ ટકા સુધીની નિર્ધારિત મર્યાદામાં આવી જશે એમ સરકારી અધિકારીઓએ કમિટીને જણાવ્યું હતું.
જયંત સિંહાના નેતૃત્વવાળી સમિતિએ મુખ્ય આર્થિક સલાહકાર અનંત નાગેશ્વરન, નીતિ આયોગના સીઈઓ પરમેશ્વરન ઐયર અને ઈકોનોમિક અફેર્સ સેક્રેટરી અજય શેઠ સાથે સમગ્ર આર્થિક ગતિવિધિઓ અને ભારતને પાંચ લાખ કરોડ ડૉલરનું અર્થતંત્ર બનાવવા શું કરવું જોઈએ તે વિશે ચર્ચા કરી હતી.
પડકારરૂપ વૈશ્વિક પર્યાવરણની ભારતીય અર્થતંત્ર પર આગામી બે-ત્રણ વર્ષમાં થનારી અસર વિશે પણ સમિતિએ અધિકારીઓ સાથે ચર્ચાવિચારણા કરી હતી.
2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે 2025 સુધીમાં ભારત પાંચ લાખ કરોડ ડૉલરનું અર્થતંત્ર બને તેવું સરકારનું લક્ષ્ય છે. જોકે કોરોના મહામારીને કારણે 2021માં ભારતીય અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું અને હવે લક્ષ્યાંક હાંસલ થાય તેમ લાગતું નથી.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના આંકડા મુજબ 2019-20ના વર્ષમાં ભારતની રાષ્ટ્રીય આવક 2.83 લાખ કરોડ ડૉલર હતી તે 2020-21ના વર્ષમાં ઘટીને 2.67 લાખ કરોડ ડૉલર થઈ હતી. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની રાષ્ટ્રીય આવક 3.48 લાખ કરોડ ડૉલર થશે એવો આઈએમએફનો અંદાજ છે. આગળ જતાં 2026-27માં ભારતનો જીડીપી પાંચ લાખ કરોડ ડૉલરના આંકને વટાવી જશે તેવો આઈએમએફનો અંદાજ છે. ગત નાણાકીય વર્ષમાં ભારત જર્મનીથી આગળ નીકળી ગયા બાદ હાલમાં જાપાનની લગોલગ ચાલી રહ્યું છે.
નાણાં મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટતી જતી વૈશ્વિક માગ, ઊંચો ફુગાવો, ઈંધણના વધતા ભાવ અને અનાજનો ભાવવધારો વગેરે પડકારો ટૂંકા ગાળા માટેના છે. તેમના મતે હજી થોડા વધુ સમય માટે રૂપિયાનું મૂલ્ય દબાણ નીચે રહેશે. વધુમાં પેનલે સરકારને સવાલ પૂછયો હતો કે દેશના અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે અને તેને પાંચ લાખ કરોડનું અર્થતંત્ર બનાવવા માટે શું કરવું જોઈએ.
સરકારી અધિકારીઓએ અર્થતંત્રને ચેતનવંતું બનાવવા માટે લીધેલાં પગલાંની યાદી આપતાં જણાવ્યું હતું કે તેમણે દેશમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે એસેટ મોનેટાઈઝેશન અને પ્રોડકશન લિંકડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) યોજનાઓ કરી છે. સરકારે મૂડીખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer