ચાંદીમાં ઝડપી ઉછાળો, સોનું સુધર્યું

ચાંદીમાં ઝડપી ઉછાળો, સોનું સુધર્યું
આજે અમેરિકી ફેડરલ રિઝર્વની પાછલી બેઠકની મિનિટ્સની જાહેરાત પર બજારની નજર
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 22 નવે. 
ફેડરલ રિઝર્વની નાણાનીતિ આવનારા મહિનાઓમાં કેવી રહેશે એની ભારોભાર અનિશ્ચિતતા વચ્ચે બુલિયન બજારમાં સોનાના ભાવ સાંકડી રેન્જમાં કેદ થઇ ગયા છે. ચાર સેશન સુધી ઘટાડો આવ્યા પછી મંગળવારે સોનું સામાન્ય સુધરીને 1747 ડોલર હતુ. ડોલરના મૂલ્યમાં સ્હેજ નરમાઇ દેખાતા સોનાના ભાવ પર અસર પડી હતી. અમેરિકી ડોલરને આધારે આવનારા દિવસોમાં સોનાની તેજી-મંદી નક્કી થશે. ડોલર નબળો પડે તો સોનામાં ફરી 1800 ડોલર તરફની ગતિ જોવા મળશે. જોકે ફેડના વ્યાજદર વધારા અંગેના નિવેદનોની અસરે સોનું ફરીથી 1700 કે તેનાથી નીચે પણ જઇ શકે એમ વિષ્લેષકો કહે છે. ચીનમાં કોરોનાના કેસ વધતા જાય છે અને તેની અસર માગ પર પડશે એવા ભયથી અત્યારે સોનાની ફિઝીકલ માગ સાવ ઠપ થઇ ગઇ છે. 
આવતીકાલે અમેરિકી ફેડરલ રિઝર્વની પાછલી બેઠકની મિનિટસની જાહેરાત થવાની છે. એના પર બજારની નજર છે. વૈશ્વિક સ્તરે ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો આવતા 21.13 ડોલર થઇ ગઇ હતી. એની અસરથી રાજકોટમાં એક કિલોએ રૂ. 800ના ઉછાળામાં રૂ. 61 હજાર અને મુંબઇમાં રૂ. 1109 વધીને રૂ. 61551 રહી હતી. મુંબઇમાં સોનું રૂ. 107 વધતા રૂ. 52513 અને રાજકોટમાં રૂ. 50 વધતા રૂ. 53050 હતુ.
ડિસેમ્બરની બેઠકમાં ફેડ 50 બેસીસ પોઇન્ટનો વ્યાજદર વધારો કરશે એ ધારણા પાક્કી છે છતાં વ્યાજદર વધારાની સાઇકલ ક્યાં સુધી ચાલુ રાખવામાં આવે છે એની સૌ રાહ જોઇ રહ્યા છે. જો ફેડ ફુગાવાને કાબૂમાં રાખવા માટે કડક નાણાનીતિના રસ્તે ચાલવાનું રાખશે તો સોનામાં હજુ ઘટાડો આવશે. આવનારા દિવસોમાં જાહેર થનારા ફુગાવાના અને નોન ફાર્મ પેરોલ ડેટા ડિસેમ્બરની ફેડ બેઠક પહેલા મહત્વના સાબિત થવાના છે. ફુગાવો ઉંચો આવશે તો ડોલરમાં ફરીથી તેજી આવશે. 
ડિસેમ્બરની બેઠકમાં ફેડ 50 બેસીસ પોઇન્ટનો વ્યાજદર વધારો કરશે એ ધારણા પાક્કી છે છતાં વ્યાજદર વધારાની સાઇકલ ક્યાં સુધી ચાલુ રાખવામાં આવે છે એની સૌ રાહ જોઇ રહ્યા છે

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer