સરકારને મળી ફક્ત સાડા ત્રણ ટન મગફળી

સરકારને મળી ફક્ત સાડા ત્રણ ટન મગફળી
યાર્ડમાં ઊંચા ભાવ મળવાને લીધે ફક્ત ત્રણ ખેડૂતોએ વેચી
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ,તા.22 નવે. 
લઘુત્તમ ટેકાના ભાવથી મગફળીની ખરીદી સરકારે શરૂ તો કરાવી છે પણ ખેડૂતોનો ઉત્સાહ દેખાતો જ નથી. લાભપાંચમથી શરૂ થયેલી ખરીદીનો લાભ માત્ર ત્રણ જ ખેડૂતોએ ઉઠાવ્યો છે.  ખુલ્લા બજારમાં મગફળીના ઊંચા ભાવને લીધે ગુજકોમાસોલ દ્વારા ખોલાયેલા 160 જેટલાં કેન્દ્રો પર કોઇ ખેડૂત આવતા નથી! 
સરકારે લઘુત્તમ ટેકાનો ભાવ મણે રૂા.1170 નક્કી કરેલો છે એની સામે માર્કેટ યાર્ડની ખુલ્લી હરાજીમાં રૂા. 1000-1850 સુધીના ભાવ ચાલે છે. સરકારી ભાવ કરતાં ખુલ્લા બજારમાં ઊંચા દામ મળે છે અને ખેડૂતો ધીરજપૂર્વક વેંચી રહ્યા છે એટલે મગફળીમાં મંદીની પણ કોઇ શક્યતા નથી. 
નાફેડે ગુજરાતમાં ગુજકોમાસોલ મારફતે મગફળીની ખરીદી આરંભી છે. 9.79 લાખ ટનની મર્યાદામાં ખરીદીની છૂટ મળી છે. જોકે 29 ઓક્ટોબરથી શરૂ થયેલી ખરીદીનો આંકડો અત્યારે ફક્ત 3.5 ટન સુધી જ પહોંચ્યો છે. માત્ર ત્રણ ખેડૂતોએ મગફળી વેંચી છે. 39,539 ખેડૂતોએ મગફળી વેંચવા માટે નોંધણી કરાવી છે અને સંસ્થાએ 3581 ખેડૂતોને સંદેશા દ્વારા મગફળી વેંચવા સૂચના આપેલી છે. જોકે માત્ર ત્રણ ખેડૂતોએ રસ લીધો છે. સરકારી ખરીદી 26 જાન્યુઆરી સુધી ચાલુ રહેવાની છે. 
છેલ્લાં છ વર્ષથી સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવે છે. જોકે બે વર્ષથી ભાવ ઊંચા રહેતા હોવાથી નબળો આવકાર મળે છે. આ વખતે સરકારના લક્ષ્યાંકથી સાવ નજીવી મગફળી મળે તેવું છે. ભાવમાં મોટો કડાકો બોલી જાય અને ટેકાથી નીચે જાય તો જ ખેડૂત કેન્દ્રો તરફ જશે. 
ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન વાવેતર પછી 28-30 લાખ ટન થશે એવો અંદાજ મૂકાતો હતો. જોકે પાકમાં ઉતારા નબળા મળવાને લીધે હવે અંદાજ 22-24 લાખ ટન સુધી નીચે આવી ગયો છે. જોકે અંદાજોમાં મોટો ફરક આવશે એવું તટસ્થ વર્ગ પણ કહી રહ્યો છે. મગફળીની આવક સૌરાષ્ટ્રમાં રોજ સવા લાખ ગૂણી આસપાસ થાય છે. સીંગતેલ બનાવતી મિલો અને દાણા ઉત્પાદકોની માગ ખૂબ સારી છે. દેશમાંથી સીંગદાણાની નિકાસ એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળામાં 1,95,108 ટન થઇ છે, જે પાછલા વર્ષથી ઓછી છે. ચાલુ વર્ષે સીંગતેલની માગ ચીનમાં સારી છે. ધીરે ધીરે કામકાજો પણ થાય છે. લોકલ ઘરાકી સાઇડ તેલો સસ્તાં હોવાને લીધે સીંગતેલમાં ઓછી છે પણ નિકાસને લીધે સીંગતેલના ભાવ ઊંચા ટકી શક્યા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer