ગિફ્ટ સિટી ગિફ્ટ ગ્લૉબલ સિટી તરીકે ઓળખાવા માટે સજ્જ

ગિફ્ટ સિટી ગિફ્ટ ગ્લૉબલ સિટી તરીકે ઓળખાવા માટે સજ્જ
નોટિફાઇડ એરિયામાં વધારો કરવાની સરકારે મંજૂરી આપી
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 22 નવે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સેન્ટર (આઇએફએસસી)ને સમાવતું ગાંધીનગર ખાતેનું ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિફ્ટ) સિટીએ ત્રણ ગણી વૃદ્ધિ સાધી છે. વડા પ્રધાને 29 જુલાઇ 2022ના રોજ ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે આઇએફએસસીએ હેડક્વાર્ટર ભવનનો શિલાન્યાસ, ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સ્ચેન્જ તથા એનએસઇ આઇએફએસી-એસજીએક્સ કનેક્ટનું લોન્ચિંગ કરીને ગુજરાતને ગોલ્ડન ગિફ્ટ આપતાં કહ્યંy હતું કે ગિફ્ટ સિટી વેલ્થ અને વિઝડમ બંનેનું પ્રતીક છે. 
આ બાબતે વધુ વિગતો આપતાં સૂત્રોએ જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે નોટીફાઇડ એરિયા પહેલાં 1000 એકરનો હતો તે વધારીને 3300 એકરનો કરવા માટે ગિફ્ટ સિટીની વૃદ્ધિ આડેના જે અંતરાયો હતા તેનો હલ લાવી દીધો છે. ગિફ્ટ કંપની લિમીટેડ દ્વારા ગિફ્ટ સિટી એરિયાની મર્યાદા વધારવાની દરખાસ્તના સંદર્ભમાં મર્યાદા વધારવામાં આવી હતી. આ માટે ગિફ્ટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ગિફ્ટયુડીએ)ને આ વિસ્તાર માટે આગામી 12 મહિનામાં વિકાસ યોજનાનો મુસદ્દો સુપરત કરવાની જરૂરિયાત રહેશે.  
ગિફ્ટ સિટીમાં આશરે 2.4 લાખ કરોડનાં તાજા રોકાણ આવવાની શક્યતા સેવાય છે, જે ગુજરાતની સ્થિતિને વૈશ્વિક નાણાંકીય સેવાઓના નકશા પર મૂકી દેશે એમ સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્ય સરકાર ગિફ્ટ સિટીની હાલમાં ગિફ્ટ સ્માર્ટ સિટી તરીકેની ઓળખાણથી ગિફ્ટ ગ્લોબલ સિટી તરીકે વિકસાવવા માટેની યોજના કરી રહી છે.  
ગિફ્ટ સિટીના આંતરિક સૂત્રોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે વધારાની 2300 એકરની જમીન રાજ્ય સરકારની માલિકીની જમીન અને ખાનગી જમીનનું મિશ્રણ હશે, જેને રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જ જાહેર નોટીફાય કરવામાં આવશે જ્યારે ગિફ્ટયુડીએ વધારાના જમીનના વિકાસ પર દેખરેખ રાખશે.  
અમદાવાદ, ગાંધીનર અને ગિફ્ટ સિટીને ટ્રાઇ સિટી તરીકે વિકસાવી શકાય છે. રાજ્ય સરકાર મોટા ભાગની જમીન પૂરી પાડશે તે ગિફ્ટયુડીએને તબદિલ કરાશે. ઉપરાંત ખાનગી જમીનને પણ ટાઉન પ્લાનિંગ સ્કીમ અનુસાર ઓળખી કઢાશે એ એક અધિકારીએ જણાવ્યું હતું. 
વધારાની જમીન પર શાળાઓ, હોસ્પિટલ્સ, મનોરંજન અને વાણિજ્ય ઝોન વિકસાવાશે. એટલું જ નહી, રિવરફ્રંટના પટ્ટાને પણ આ કેમ્પસ સુધી લંબાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આઇએફએસસીએ, ગિફ્ટ સિટીમાં બે આંતરરાષ્ટ્રીય એક્સચેંજીસનો સમાવેશ કરાયો છે, જેમાં દૈનિક 11 અબજ ડોલરનું ટ્રાડિંગ થાય છે, તદુપરાંત 13 ફિનટેક સાહસો અને ભારતીય અને વિદેશી બૅન્કો પણ છે.
ગિફ્ટ સિટીમાં મુંબઇના પ્રસિદ્ધ લીલાવતી ટ્રસ્ટની હૉસ્પિટલ સ્થપાશે
મુંબઇમાં લીલાવતી હૉસ્પિટલનું સંચાલન કરતા લીલાવતી કિરીટલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટ દ્વારા ગિફ્ટ સિટી ખાતે 300 પથારીની બેનમૂન હૉસ્પિટલ તૈયાર કરવામાં આવનાર છે. ટ્રસ્ટના કાયમી ટ્રસ્ટી પ્રશાંત મહેતાએ કહ્યું હતું કે, 13 મજલાનું અલાયદુ બિલ્ડિંગ ગિફ્ટ સિટીમાં તૈયાર કરાશે અને એમાં 5.50 લાખ સ્ક્વેર ફૂટની જગ્યા હશે. એ રીતે ગુજરાતમાં લીલાવતી હૉસ્પિટલનું આગમન થશે. 
ટ્રસ્ટ પોતાની રીતે જ સમગ્ર હૉસ્પિટલ બનાવીને સંચાલન કરશે અને એમાં 250 સેન્સસ બેડ અને 50 નોન સેન્સસ બેડ હશે. 2025ના અંત સુધીમાં હૉસ્પિટલ ખુલ્લી મૂકાશે. 400 જેટલા ઉચ્ચ શિક્ષણ પામેલા ડૉક્ટર્સ અને કન્સલ્ટન્ટની ટીમ એ માટે તૈયાર કરવામાં આવશે અને હૉસ્પિટલમાં આશરે અઢી હજારનો સ્ટાફ હશે. 
ગિફ્ટ સિટીની હૉસ્પિટલથી મેડિકલ ટુરિઝમ વિકસશે. કારણકે ત્યાં અનેક લોકો આવનારા દિવસોમાં વિઝીટ કરવાના છે. નવી હૉસ્પિટલનો લાભ અમદાવાદ, ગાંધીનગર અને આસપાસના વિસ્તારોના લોકો પણ લઇ શકશે.  મુંબઇની લીલાવતી હૉસ્પિટલ છેલ્લાં પચ્ચીસ વર્ષથી ભારતની ઉત્તમ હૉસ્પિટલમાં સ્થાન પામેલી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer