ખાદીના વેચાણમાં ભારે વૃદ્ધિ

ખાદીના વેચાણમાં ભારે વૃદ્ધિ
વિવિધ પક્ષોના નેતાઓએ ઝભ્ભા સહિત ખાદીની અનેક ચીજો ખરીદી
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, વડોદરા, તા. 22 નવે.
સામાન્ય રીતે ગાંધીજયંતીની આસપાસ ખાદીની યાદ આવતી હોય છે. પરંતુ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે અનેક રાજકીય પક્ષોએ ખાદી ભંડાર તરફે જાણે દોટ મૂકી હોય તેવું દેખાયું છે. જેના કારણે છેલ્લા એક મહિનામાં આશરે રૂા. 50 લાખથી વધુની ખાદીની બનાવટોનું વેચાણ થયું છે. આમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ નેતાઓને ખાદીની યાદ આવી છે.  
વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ અમદાવાદમાં આવેલી ખાદીની વિવિધ દુકાનમાંથી લાખો રૂપિયાની સફેદ-રંગીન ખાદી, પોલીવસ્ત્ર, રેશમ ખાદી સહિત ગાંધી ટોપી ખરીદી કરવામાં આવી છે. ચૂંટણી નજીક આવશે તેમ ખાદીના વેચાણમાં હજુ વધારો થાય તેમ મનાઇ રહ્યું છે.  
આ વખતે સફેદ ખાદી, ખાદીના તૈયાર ઝભ્ભા, કોટી, ખેસ, મિનિસ્ટર ખાદીની ખરીદી પુષ્કળ જોવા મળી રહી છે. આગામી 31 ડિસેમ્બર સુધી પર પ્રાંતની ખાદી પર 15 ટકા, ગુજરાતની ખાદી પર 30 ટકા વળતર રહેશે. જેના કારણે પાર્ટીના ઉમેદવારો, સમર્થકોમાં ખાદી ખરીદવાનો ઉત્સાહ બેવડાયો છે.  
ખાદી સરિતાના દીપેશ બક્ષીએ જણાવ્યું હતુ કે, દિવાળી બાદ ખાદીના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. ગત નવેમ્બર માસની સરખામણીએ ખાદીનું વેચાણ વધી ગયું છે. અમારે ત્યાંથી છેલ્લા એક મહિનામાં આશરે રૂા. એક લાખનું વેચાણ થયું છે. તાજેતરમાં એક પક્ષના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અમારી પાસેથી ખાદીના ઝભ્ભા કરવા માટે આવ્યા હતા. આ ઉપરાંત ગાંધી ટોપીનું વેચાણ પણ ચૂંટણી જાહેર થતાં વધી ગયું છે. હજુ ચૂંટણી આડેના 10 દિવસ બાકી છે ત્યારે ખાદીના વેચાણમાં હજુ પણ વધારો થવાની ધારણા છે. 
સામાન્ય રીતે રાજકારણીઓ ખાદીનાં વસ્ત્રો પહેરતાં અચકાય છે પરંતુ હવે ચૂંટણી આવી હોવાથી ન છૂટકે ખાદી પહેરીને પરાણે ગાંધીવાદી બનવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. વિવિધ રાજકીય પક્ષો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે જનતાની વચ્ચે ખાદી પહેરીને જતા અલગ પ્રકારની છાપ પડે છે. આપના સૂત્રોના અનુસાર આમ બધો જ ભાર કન્યાની કેડે હોય છે. હાલમાં જે ઉમેદવાર ઊભો હોય છે તેના ખર્ચમાં હવે ખાદીના ઝભ્ભા અને ટોપીનો ખર્ચ પણ આવરી લેવો પડે છે. 
વડોદરા જિલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ સરકારી સંઘના મેનેજર રાકેશ પટેલનું કહેવું છે. અલગ અલગ જિલ્લાઓમાં આવેલાં બધાં જ ખાદી સંગઠનોમાં વેચાણ વધ્યાનું બહાર આવ્યું છે. રૂપિયા 25ની એક એવી 300 સૂતરની આંટીનું  રોજ વેચાણ થવાની ગણતરી છે. તદુપરાંત  તિરંગા આંટીનું વેચાણ પણ વધશે. છેલ્લા 15 દિવસ દરમિયાન વડોદરા જિલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ સહકારી સંઘમાંથી રૂા. 36 લાખની સફેદ રંગીન ખાદી પોલીવસ્ત્ર રેશમ ખાદી સહિતની ગાંધી ટોપીની ખરીદી થઈ છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer