મંડપ સર્વિસના ધંધામાં તીવ્ર ઉછાળો

મંડપ સર્વિસના ધંધામાં તીવ્ર ઉછાળો
ખુરશીઓ અને સોફાસેટ બહારથી લાવવા પડે એવી સ્થિતિ : કોરોના પછી પ્રથમ વર્ષ સારું નીવડશે 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ,તા. 22 નવે. 
લગ્નગાળા પછી હવે એમાં ચૂંટણી પ્રચારની ધમાધમ વધતાં મંડપ-ડેકોરેશનના વ્યવસાયમાં ફાટફાટ તેજી આવી છે. મંડપ ડેકોરેશન ક્ષેત્રે એટલી બધી માગ વધી છે કે ધંધાર્થીઓ કોરોના પછી પ્રથમ વખત ફિલગૂડ અનુભવી રહ્યા છે. પેટ્રોલિયમ પેદાશો અને તમામ ક્ષેત્રોમાં પેસેલી મોંઘવારીને લીધે મંડપ-ડેકોરેશનમાં પણ 30 ટકાનો ભાવવધારો આવી ગયો છે. 
રાજકોટ મંડપ સર્વિસ ઍસોસિએશનના પ્રમુખ જીતુભાઇ સાકરીયા કહે છે કે, લગ્નગાળો હવે 12 ડિસેમ્બર સુધી ચાલવાનો છે એના એડવાન્સ બાકિંગ સારાં હતાં. ચૂંટણીઓ જાહેર થયા પછી ધંધામાં રોનક વધી ગઇ છે. કોરોના સાવ હળવો થઇ જતાં ગણેશ ઉત્સવ પછી નવરાત્રિની છૂટ મળી હતી. હવે ચૂંટણી અને લગ્નની સિઝન મંડપવાળાને ફળી છે. કોરોનાનાં બે વર્ષ પછી સૌથી સારું વર્ષ કમાણી માટે રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતુ. 
અત્યારે લગ્નો માટે મંડપ, ખુરશી, પાથરણાં, ગાદલાં, વાસણો, થીમ ડેકોરેશન, ટેબલ વગેરે ઓનડિમાન્ડ છે. પાર્ટીપ્લોટના કોન્ટ્રાક્ટ પણ કેટલાક મંડપવાળા રાખતા હોય છે એ બધાને ફૂલ બાકિંગ થઇ ગયા છે. લગ્નની સિઝન આ વખતે ઘણી સારી છે. જોકે એક તારીખોમાં વધુ લગ્નો હોય છે એટલે પૂરતો લાભ મળી શકે નહીં છતાં અત્યારે કમાણીની સિઝન છે તેમ તેમણે ઉમેર્યું હતું. 
લગ્નો સાથે હવે ચૂંટણી આવતાં ધંધામાં સુગંધ ભળી છે. પહેલી તારીખે ગુજરાતમાં મતદાન છે એટલે હજુ એક અઠવાડિયાં સુધી ઠેકઠેકાણે સભા, રૅલી વગેરે નીકળી રહ્યાં છે એનો લાભ ધંધાર્થીઓને મળે છે. ખુરશી, મંડપ,ડોમ, સ્ટેજ, પાથરણાં, ગાદલાં, કમાન, બફેટ ટેબલ વગેરે બધામાં ખૂબ બાકિંગ છે. 
તેમણે ઉમેર્યું કે, રાજકીય સભાઓને લીધે ખુરશીની ખૂબ જ માગ છે. લગ્નો અને સભાઓ બન્નેમાં ખુરશી અને સોફાની માગ રહે છે. રાજકોટના તમામ મંડપવાળા પણ માગને પૂરી કરી શકતા નથી એટલે બહારગામથી લાવવામાં આવે છે. અનેક ધાર્મિક પ્રસંગ આવનારા દિવસોમાં યોજાનાર છે એમાં સોફાની ખૂબ જ માગ છે એટલે રાજકોટ બહારથી લાવવામાં આવશે. એવું જ ડોમમાં છે. રાજકોટના મોટાં ચારથી પાંચ મંડપવાળા ડોમ ધરાવે છે પણ અત્યારે માગ વધારે છે એટલે અમદાવાદથી ભાડે લાવવા પડે છે. 
જીતુભાઇ કહે છે કે, મંડપ ફિટીંગ માટે મજૂરોની અછત પણ વ્યાપક બની ગઇ છે. મજૂરોનું રોજ પહેલાં ઓછું હતું પણ અત્યારે રૂા. 600-700 આપવા પડે છે. ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં બમણો વધારો થઇ ગયો છે. મજૂરોને ટિફીનના અગાઉ રૂા. 60 ચૂકવવાના થતાં તે રૂા. 80 કરવા પડ્યા છે. મોટી રકમ મજૂરોને ચૂકવાય છે છતાં મળવા મુશ્કેલ છે. રાજકોટ અને આસપાસમાં ગોધરા, રાજસ્થાન અને કલકત્તા તરફના મજૂરો આવી રહ્યા છે. મંડપ-ડેકોરેશનની સાથે સાઉન્ડ, રોશની માટેની લાઇટોની પણ માગ રહે છે. ચૂંટણી જમણવારોને લીધે કેટરીંગ તરફ પણ થોડો બિઝનેસ ખેંચાયો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer