ચૂંટણીમાં ઉમેદવારોને અણિયાળો સવાલ : હીરાના કારીગરોના પ્રશ્નોનું સમાધાન ક્યારે ?

ચૂંટણીમાં ઉમેદવારોને અણિયાળો સવાલ : હીરાના કારીગરોના પ્રશ્નોનું સમાધાન ક્યારે ?
સુરતની છ પાટીદાર મતદારોવાળી બેઠકો પર હીરાના કારીગરોનું પ્રભુત્વ  
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 22 નવે.  
સુરતને અનેક ઉપનામોથી ઓળખવામાં આવે છે. કોઇ પ્રવાસી શહેર કહે છે તો કોઇ હીરાનગરી, તો કોઇ ટેક્સટાઇલ સિટી તો કોઇ ફ્લાયઓવર શહેર તરીકે પણ ઓળખે છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે પ્રવાસી શહેર સુરત તમામ રીતે વિશેષ બની રહે છે. એવામાં સુરતની છ બેઠકો પરનાં પરિણામો પર અસર પાડતાં હીરાના કારીગરોના મોટા જનસમુદાયના પડતર પ્રશ્નોનું સમાધાન ક્યારે થશે તેવો અણિયારો સવાલ દરેક રાજકીય પક્ષના ઉમેદવારોને હીરાના કારીગરોનાં સંગઠનોએ કર્યો છે.  
દાયકાઓ અગાઉથી દેશભરમાંથી રોજગારી અર્થે સુરતમાં ઠલવાયેલા લોકો હવે સુરતના મતદારો બન્યા છે. મતદારોના કિંમતી મતને મેળવવા દરેક રાજકીય પક્ષો તેના ક્ષેત્રના ટોચના નેતાને સભાઓ ગજવવા માટે મોકલી રહ્યા છે. જ્યાં સુધી સુરત અને સૌરાષ્ટ્ર સાથેના સીધા સંબંધની વાત છે તો સુરત જિલ્લા અને શહેરની કુલ 16 બેઠકોમાંથી અડધો ડઝન જેટલી બેઠકો પર સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, વેરાવળ-સોમનાથનો જનસમૂહ મોટો મતદાર છે. પાટીદારોના પ્રભુત્વવાળી બેઠક પર હીરાઉદ્યોગમાં કામ કરતા લાખો કારીગરો આ બેઠકોની મતદાર યાદીમાં આવે છે. જેના કારણે એવું કહી શકાય કે સુરતની કામરેજ, કરંજ, કતારગામ, વરાછા, ઓલપાડ અને સુરત ઉત્તરની બેઠકનું પરિણામ ફેરવવા માટે હીરાના કારીગરો ભારે સક્ષમ છે. 
હીરાઉદ્યોગમાં 15થી 17 લાખ કારીગરો છે જેમાંથી સાડા આઠ લાખની આસપાસ કારીગરો એકલા સુરતમાં વસે છે. આ કારીગરો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, રાજકોટ જેવા વિસ્તારોમાંથી આવીને સુરતમાં વસ્યા છે. દાયકા અગાઉ સુરત આવીને વસેલા કારીગરોના પરિવારો હવે સુરતના કાયમી બન્યા છે. જેના કારણે આ બેઠકોના ઉમેદવારો નક્કી કરતા પૂર્વે તમામ રાજકીય પક્ષોએ હીરાઉદ્યોગના માલિકોથી લઇને કારીગરો સહિતના લોકોનો રસ અને ઉત્સાહને જાણવો પડે છે.  
શાસકપક્ષ ભાજપ હોય કે પછી જૂનો રાજકીય પક્ષ કૉંગ્રેસ કે પછી તાજો નવો ઉગેલો રાજકીય પક્ષ આમ આદમી પાર્ટી હોય. ત્રણેય પાર્ટીઓએ વરાછા, કામરેજ, કરંજ, ઓલપાડ, સુરત ઉત્તર, કતારગામ બેઠક માટે કોઇ જાતનું જોખમ લીધા વિના પાટીદાર સમાજમાંથી ઉમેદવારોને પસંદ કરવાનું મુનાસિબ માન્યું છે. 
અહીં એ પણ કહેવાનું કે, પાટીદાર અનામત આંદોલનથી પ્રકાશમાં આવેલા ચર્ચિત યુવા ચહેરાઓને પોત-પોતાના રાજકીય પક્ષમાં સામેલ કરવાનો પ્રયાસ દરેક રાજકીય પક્ષે કર્યો છે. જેમાં સૌ પહેલાં ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ પોતાનામાં જોડ્યા બાદ કૉંગ્રેસે હાર્દિક પટેલને જોડી તેને મુખ્ય સત્તા આપી હતી. જો કે એ વાત અલગ છે કે હાર્દિક પટેલનું કૉંગ્રેસ સાથે બહુ જામ્યું નહિ એટલે તે કૉંગ્રેસને રામ-રામ કરીને ભાજપ સાથે જોડાણ કરી વિધાનસભાની ટિકિટ મેળવવામાં સફળ થયા છે. તો આ તરફ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનીને સુરતની અડધો ડઝન બેઠક અંકે કરવાના દાવા કરવા લાગ્યા છે.  
આ બધામાં હીરાના કારીગરોનો સવાલ આવે તો કારીગરોના પડતર પ્રશ્નો મામલે શાસકપક્ષ ભાજપે કોઇ ઉત્સાહ દાખવ્યો નથી કે પછી કૉંગ્રેસે ઉગ્ર વિરોધ કરી કારીગરોના પડખે ઊભી રહી હોય. આમ છતાં હીરાના કારીગરોના સંગઠનોએ તમામ બેઠકો પરના તમામ ઉમેદવારો કારીગરોને કનડતા પ્રશ્નોને લઇને રજૂઆતો કરી છે. હીરાના કારીગરોને નડતો પ્રોફેકશન ટેક્સના પ્રશ્નનું ઝડપથી નિરાકારણ લાવવા અને હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાના અમલીકરણની માગ કરી છે. 
સુરતમાં આપ પક્ષ મહત્તમ બેઠકો જીતવાના દાવા કરી રહ્યું છે. અત્યાર સુધીનો ઇતિહાસ તો એવું કહે છે કે રાજ્યમાં કદીયે ત્રીજા પક્ષને મતદારોએ સ્વીકાર્યો નથી. અગાઉ કેશુભાઇની જીપીપી સહિતના ઉદાહરણો લોકો સામે છે. આપના દાવાઓને બાજુએ રાખીએ તો પણ હાલ તો શાસકપક્ષ ભાજપ સામે અસહ્ય મોંઘવારી અને બેરોજગારીનો મુખ્ય પ્રશ્ન  અવગણવો ભાજપ માટે પણ મુશ્કેલ છે.  
સુરતમાં વરાછા રોડ, કતારગામ, કરંજ, કામરેજ અને સુરત (ઉત્તર) વિધાનસભા બેઠકોનાં પરિણામો હીરા કાટિંગ અને પોલિશ્ડ ઉદ્યોગ તેમ જ એમ્બ્રોઇડરીના ધંધા સાથે સંકળાયેલા લોકોના ફેરવી શકે તેમ છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer