હીરાની હરાજીમાં બે ટકા ડ્યૂટીમાંથી મુક્તિ આપવાની માગ

હીરાની હરાજીમાં બે ટકા ડ્યૂટીમાંથી મુક્તિ આપવાની માગ
સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓએ દુનિયાનો વિશ્વાસ જીત્યો છે : પીયૂષ ગોયલ 
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 22 નવે.  
સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઍસોસિયેશન દ્વારા શહેરમાં સમસ્ત પાટીદાર ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે ઉપસ્થિત હીરા અને જ્વેલરીનો ઉત્સાહ વધારતાં કહ્યું હતું કે, સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓએ દુનિયાનો વિશ્વાસ જીત્યો છે. સુરત બ્રાન્ડ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ચૂંટણી આચાર સંહિતાને લીધે કેટલીક હીરા અને જ્વેલરી ઉદ્યોગ સંબંધિત પ્રોત્સાહિત જાહેરાતો થઇ શકી નથી પરંતુ ઝડપથી ઉદ્યોગને સ્પર્શિત પ્રોત્સાહિત જાહેરાતો કરી ઉદ્યોગના પ્રશ્નોનું નિરાકરણ લાવીશું.  
તેમણે ઉમેર્યું હતું કે, ગયા વર્ષે ભારતે 50 લાખ કરોડના નિકાસના ટાર્ગેટને હાંસલ કર્યો છે. હવે આ વર્ષ 750 બિલિયન ડોલરના નિકાસના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આગળ વધવાનું છે. આ ટાર્ગેટને હાંસલ કરવાની સાથે આપણે નવો રેકોર્ડ બનાવીશું. નિકાસના નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવામાં હીરા-ઝવેરાત ઉદ્યોગનો સિંહફાળો છે. હીરા-ઝવેરાતના વેપારી અને ઉદ્યોગકારોએ દુનિયાનો વિશ્વાસ જીત્યો છે.  
અહીંના ઉદ્યોગકારો હીરાના કટીંગ અને પોલિશ્ડમાં આગળ વધ્યા હવે જ્વેલરી ઉત્પાદનમાં ઝડપથી હરણફાળ ભરી રહ્યા છે. જે અહીંના વેપારીઓમાં ઉમેરાયેલા ઉત્સાહના દર્શન કરાવે છે. દુનિયામાં આર્થિક સંકટ છે પરંતુ આપણે ત્યાં મોંઘવારી છથી સાત ટકા જ આવી છે અને હવે મોંઘવારી ઘટવા તરફ છે. તેમણે લોનના વ્યાજદર મામલે કહ્યું હતું કે, વર્ષ 2014 પહેલાના લોનના વ્યાજદર અને અત્યારે હવે કેવા છે તે લોન લેનાર સારી રીતે જાણે છે.  
કતારગામ ખાતે સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઍસોસિયેશનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હીરા અને ઝવેરાત ક્ષેત્રના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઍસોસિયેશન દ્વારા ડિસેમ્બરમાં આયોજિત જ્વેલરી શોની કર્ટન રેઝર કાર્યક્રમમાં જ્વેલરી ઉત્પાદકોએ ડ્યૂટી ફ્રી ગોલ્ડ મળે તો નિકાસના લક્ષ્યાંકો પૂરા થઇ શકે તેવી વાત કેન્દ્રીય મંત્રી સમક્ષ રાખી હતી. નિકાસના લક્ષ્યાંકો હાંસલ કરવા હોય તો સરકારે પણ ડ્યૂટી ફ્રી જેવા પ્રોત્સાહક પગલાં ભરવાં પડશે.  
જીજેઇપીસીના ગુજરાત રીજનના પૂર્વ ચેરમેન અને આઇડીઆઇના ચેરમેન દિનેશભાઇ નાવડિયાએ કહ્યું હતું કે, હીરાઉદ્યોગકારોને હીરાની હરાજીમાં ખરીદી વખતે બે ટકા ડ્યૂટી ચૂકવવી પડે છે. જેના કારણે અનેક સમસ્યાઓ ઊભી થઇ છે. હીરાઉદ્યોગમાં હીરાના વ્યવહારોના આંકડા મોટા છે એટલે આ બે ટકા ડ્યૂટીનો આંકડો મોટો થાય છે. નાના અને મધ્યમ કદના વેપારીઓ આ બે ટકા ડ્યૂટીના લીધે હરાજીમાં ઉપસ્થિત રહેતા નથી. અમારી માગ છે કે દરેકને સમાન તક મળે અને સરકાર બે ટકા ડયુટીની મુક્તિ આપે તેવી માગ છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer