ઘઉંના વાવેતરમાં ખેડૂતોનો જબરો ઉત્સાહ

ઘઉંના વાવેતરમાં ખેડૂતોનો જબરો ઉત્સાહ
રાજ્યમાં આરંભિક તબક્કે જ શિયાળુ વાવેતરમાં જબરદસ્ત વધારો નોંધાયો 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા.22 નવે. 
ગુજરાતમાં શિયાળાનો મોડેમોડે પણ હવે આરંભ થઇ ગયો છે ને બીજી તરફ રવી પાકોની વાવણીની ગતિ તેજ બની ગઇ છે. ખેડૂતો અતિ ઉત્સાહમાં હોઇ પાછલા વર્ષના સમાનગાળાની તુલનાએ વાવેતર બમણાં કરતાં વધારે આગળ ચાલી રહ્યું છે. અલબત્ત હજુ આખો ડિસેમ્બર વાવેતર થશે. પાણીની કોઇ તકલીફ નથી અને બજાર ભાવ પોસાણક્ષમ ચાલી રહ્યા છે એટલે હોબેશ વાવેતર થશે. 
ગુજરાત સરકારે 21 નવેમ્બર સુધીના વાવેતરના આંકડાઓ રજૂ કર્યા છે એ પ્રમાણે 16.46 લાખ હેક્ટરમાં વાવણી થઇ ચૂકી છે. પાછલા વર્ષમાં આ ગાળામાં 7.06 લાખ હેક્ટર વિસ્તાર જ વાવેતર હેઠળ હતો. મોસમની અનુકૂળતા, પાણીની સગવડ અને કિસાનોનો ઉત્સાહ વાવેતર વૃધ્ધિ માટે કારણરૂપ છે. 
ઘઉંના ભાવમાં વિક્રમી તેજી જોવા મળી છે એટલે વાવેતર ફટાફટ થવા લાગ્યું છે. રાજ્યમાં 2.82 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે પાછલા વર્ષના 49,791 કરતાં ખાસ્સું વધારે છે. ઘઉં વાવવા માટે ખેડૂતો આતુર છે. સામાન્ય રીતે 13-14 લાખ હેક્ટરનો વિસ્તાર રહેતો હોય છે. આ વખતે એનાથી થોડું વધી જાય એમ છે.  
ધાન્ય પાકોમાં જુવાર અને મકાઇમાં નોંધપાત્ર વાવેતર છે. જુવારનું 4311 સામે 10,121 હેક્ટર, મકાઇનું  18,835 સામે 52,332 હેક્ટર અને અન્ય ધાન્યોનું 5724 હેકટરમાં વાવેતર છે.  શિયાળુ કઠોળમાં ચણા મોખરે રહેતા હોય છે. આ વખતે ભાવ નીચા હોવા છતાં વાવેતર સારું રહ્યું છે. પાછલા વર્ષે આ ગાળામાં 1,32,977 હેક્ટરમાં વાવેતર થયું હતું તેની સામે 3,31,100 હેક્ટરમાં વાવેતર શક્ય બન્યું છે. જ્યારે તેલિબિયામાં રાયડાનું વાવેતર 1.71 સામે 2.47 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. મસાલા પાકોમાં જીરુંનું વાવેતર ગયા વર્ષમાં ફક્ત 8637 હેકટરમાં હતું તેના સ્થાને 77,037 હેક્ટર સુધી પહોંચી ગયું છે. સામાન્ય રીતે સવા ચાર લાખ હેક્ટરમાં વાવેતર થતું હોય છે. ધાણાનું 1.18 લાખ હેક્ટર સામાન્ય વાવેતર થતું હોય છે તેની સામે 95,633 હેક્ટરમાં સંપન્ન થયું છે. એ જોતાં ધાણામાં 80 ટકા વાવણી પૂરી થઇ ગઇ છે. લસણમાં 17,900 હેક્ટરમાં વાવેતર રહેતું હોય છે તેની સામે 12,448 હેક્ટરમાં ખેડૂતોએ વાવી દીધું છે. 
સવાનું વાવેતર વધીને 4350 હેક્ટર, ઇસબગુલનું, 1512 હેક્ટર અને વરિયાળીનું 3652 સામે 13,955 હેક્ટરમાં વાવેતર થયું છે.  
બટાટાનો વાવેતર વિસ્તાર 27,018 હેક્ટર સામે 48,790 હેક્ટર રહ્યો છે. બટાટાના ભાવ સારા રહેવાથી ખેડૂતો પાછલા વર્ષ જેટલું જ વાવેતર કરશે તેવો વેપારી અંદાજ છે. ડુંગળીમાં પીળી પત્તીનું વાવેતર 9122 સામે 31,779 હેક્ટરમાં થયું છે. સરેરાશ કરતાં 40 ટકા જેટલી વાવણી થઇ ચૂકી છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer