ચીનના કોવિડ પ્રતિબંધોથી માગ અવરોધાતાં તેલના ભાવ ગગડ્યા

ચીનના કોવિડ પ્રતિબંધોથી માગ અવરોધાતાં તેલના ભાવ ગગડ્યા
ત્રિમાસિકના આરંભે ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલો વધારો ધોવાઈ ગયો 
મુંબઈ, તા. 22 નવે. 
ચીને કોવિડ અંગેના પ્રતિબંધો વધુ કડક બનાવતાં માગનું ભાવિ ધૂંધળું બન્યું છે અને તેના કારણે ક્રૂડ તેલના ભાવમાં અૉગસ્ટ પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટના ભાવ ગયા સપ્તાહે નવ ટકા વધ્યા પછી ઘટીને પ્રતિ બેરલ 87 ડોલર નજીક પહોંચ્યા છે. શનિવારે ચીનમાં છ મહિના બાદ કોવિડને કારણે પ્રથમ મૃત્યુ નોંધાયું હતું અને રવિવારે બીજાં બે વ્યક્તિ કોરોનાનો ભોગ બન્યા હતા. આને પગલે વિશ્વનો સૌથી મોટો આયાતકાર ચીન નિયંત્રણો વધુ કડક બનાવે તેવો ભય ફેલાયો હતો, કેમકે ચીનની રાજધાની નજીકના શહેરમાં સરકારે 1.1 કરોડ લોકોને ઘરની અંદર રહેવાનો આદેશ આપ્યો છે. 
ગોલ્ડમાન સાક્સ ગ્રુપે ચીનના વાયરસને નાથવાના સંભવિત પગલાંને ધ્યાન ઉપર લઈને બ્રેન્ટ ક્રૂડ માટે ચોથા ત્રિમાસિકનું અનુમાન પ્રતિ બેરલ 10 ડોલર ઘટાડીને 100 ડોલર કર્યું છે. ત્રિમાસિકના આરંભે ક્રૂડ તેલના ભાવમાં થયેલો વધારો ધોવાઈ ગયો છે. એ સમયે ઓપેક અને રશિયા સહિતના સાથી દેશોએ ઉત્પાદન પ્રતિ દિન 20 લાખ બેરલ ઘટાડવા સહમતિ સાધી હોવાથી ક્રૂડ તેલનો ભાવ વધ્યો હતો. યુરોપિયન યુનિયન રશિયાથી પાઈપલાઈન દ્વારા મોકલાતા પુરવઠા ઉપર પ્રતિબંધ લાદે તેમજ ગ્રુપ ઓફ સેવન દેશો ભાવ ઉપર ટોચમર્યાદા લાદે તેવી સંભાવનાને કારણે ક્રૂડ તેલનું ભાવિ ધૂંધળું છે. યુક્રેનમાં રશિયાના અતિક્રમણના પ્રતિસાદરૂપે ભાવ ઉપર ટોચમર્યાદાનો નિર્ણય બુધવારે જાહેર થવાની શક્યતા છે. 
ચીનમાં નોંધપાત્ર પ્રમાણમાં કોવિડ કેસોને કારણે તેમજ ભાવ મર્યાદાના અમલીકરણ બાબતે સ્પષ્ટતાના અભાવે બજાર ભાવિ ફંડામેન્ટલ્સ બાબતે મૂંઝવણમાં જણાય છે. આમ છતાં, લાંબા ગાળાના રોકાણકારો ઘટાડે રોકાણની તક ઝડપી શકે છે, એમ ગોલ્ડમાન સાક્સના વિશ્લેષકો જણાવે છે. 
કોમોડિટીના રોકાણકારોને એ વાતની પણ ચિંતા છે કે જો નાણાં નીતિને હજુ વધુ આક્રમક રીતે કડક બનાવાઈ તો વૌશ્વિક આર્થિક મંદી જોવા મળશે, જે ઉર્જા વપરાશ માટે અવરોધરૂપ બનશે. ટ્રેડરો ફેડરલ રિઝર્વ પોલિસીની તાજેતરની બેઠકની મિનિટ્સની પ્રતીક્ષા કરી રહ્યા છે, જેથી તેલની કિંમતો બાબતે વધુ સંકેતો મળી શકશે. 
વનિર ગ્લોબલ માર્કેટ્સના મેનાજિંગ ડિરેક્ટર જેમ્સ વ્હીસલરે જણાવ્યું કે ચીનમાં વિક્રમી કોવિડ કેસો સાથે આવનજાવન સતત ઘટી રહી હોવાથી બજારમાંથી તેજીનો વરતારો શોધવો મુશ્કેલ છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer