માગ અને પોસાણના અભાવે કૉટન-ટેક્સ્ટાઈલ ક્ષેત્રે ચિંતાની લાગણી

માગ અને પોસાણના અભાવે કૉટન-ટેક્સ્ટાઈલ ક્ષેત્રે ચિંતાની લાગણી
  • વૈશ્વિક ભાવની તુલનામાં ભારતીય રૂના ભાવ હજી દસેક ટકા ઊંચા
  • ખેડૂતોની પકડને કારણે ભરસિઝનમાં પણ આવકોનું પ્રમાણ ઓછું
  • ચાલુ વર્ષે રૂનો સ્થાનિક વપરાશ અને નિકાસ ઘટવાની ધારણા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 નવે.
ડિમાન્ડનો સખત અભાવ અને સ્થાનિક સ્તરે ઊંચા ભાવને કારણે ભારતીય રૂ બજાર અત્યારે અવઢવની સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. વૈશ્વિક ભાવની તુલનામાં ભારતીય રૂના ભાવ આશરે 10 ટકા એટલે કે રૂા. 6000થી રૂા. 7000 ખાંડી દીઠ ઊંચા હોવાથી પડતરને અભાવે ન કેવળ રૂ બલ્કે મૂલ્યવર્ધિત ઉપાડનો યાર્ન, કાપડ, ગાર્મેન્ટસની નિકાસ પણ અટકી ગઈ હોવાથી રૂ બજારમાં ચિંતાની લાગણી વ્યક્ત કરાઈ રહી છે.
કોટન એસો. અૉફ ઇન્ડિયા (સીએઆઈ)ના પ્રમુખ અતુલ ગણાત્રાએ જણાવ્યું હતું કે આ વર્ષે 22-23 સિઝનમાં વાવેતર વિસ્તાર દસેક ટકા વધ્યો હોવાથી રૂનું ઉત્પાદન પણ વધીને 344 લાખ ગાંસડી (ગયા વર્ષે 307 લાખ ગાંસડી) થવાનો અંદાજ છે, પણ ડિમાન્ડનો અભાવ, ઊંચા ભાવ અને ડિસ્પેઝિરીને કારણે વપરાશ અપેક્ષાકૃત રહ્યો ન હોવાથી સિઝનનો પ્રથમ ત્રિમાસિક ગાળો નબળો રહેવાની ભીતિ છે.
ભારતીય રૂના 110 એકરના ભાવની તુલનામાં પાકિસ્તાનનું રૂ 90/92 સેન્ટ, ચીનનું રૂા. 86/87 સેન્ટના ભાવ હોવાથી સ્પિનિંગ મિલો ખપપૂરતા કામકાજ ઉપર ભાર આપી રહી છે. સિઝનના પ્રથમ ત્રણ-ચાર મહિના એટલે કે અૉક્ટોબરથી જાન્યુઆરી સુધીમાં સૌથી વધુ સ્થાનિક વપરાશ અને નિકાસ કામકાજ થતા હોય છે, પણ આ વર્ષે પ્રથમ ત્રણ માસમાં મિલોનો વપરાશ 80 લાખ ગાંસડીની અપેક્ષા  કરતા ઘણો ઓછો 50 લાખ ગાંસડી પૂરતો સિમિત રહેવાની આશા હોવાથી સ્થાનિક ભાવ પોસાણક્ષમ લેવલે હોવા જરૂરી છે, એમ અતુલ ગણાત્રાએ ઉમેર્યું હતું.
ભારતના સરેરાશ 350 લાખ ગાંસડી રૂના ઉત્પાદનનો 70 ટકા હિસ્સો રૂ, યાર્ન, કાપડ, ગાર્મેન્ટસ સ્વરૂપે વિકાસ થાય છે, પણ અત્યારે ડિમાન્ડ ન હોવાથી સ્થાનિક સ્પિનિંગ મિલોનો રૂનો વપરાશ પણ ખૂબ ઓછો થઈ ગયો છે. પરિણામે રૂનો કુલ વાર્ષિક વપરાશ પણ 300 લાખ ગાંસડી (ગયા વર્ષે 318 લાખ ગાંસડી) અને નિકાસ પણ 30 (43) લાખ ગાંસડી રહેવાની ધારણા સીએમઆઈએ વ્યક્ત કરી છે.
જાણકારોના જણાવ્યા મુજબ ગયા વર્ષે ઊંચા ભાવ રૂા. 12થી રૂા. 14 હજારની આવક સામે ખેડૂતોને હાલમાં રૂા. 8થી 10 હજાર ક્વિન્ટલ મળતા હોવાથી તેઓ માલ વેચતા નથી, પકડી બેઠા છે. એટલે આવકોનું પ્રમાણ પણ ગયા વર્ષની તુલનામાં ઓછું છે. આ બાજુ સ્પિનિંગ મિલો પણ કમાણી ન હોય તો કામકાજ ઓછાં કરી નાખે છે. આમ રૂ બજાર અત્યારે બેતરફી વધઘટમાં અટવાયેલી જોવા મળે છે. એક લાખને આંબી ગયેલા રૂના ભાવ સિઝનના પ્રારંભમાં ઘટીને 60,000 થઈ અત્યારે 30,000 ખાંડી દીઠ બોલાય છે. ડિમાન્ડ અને પેરિટી ઉપર રૂ બજારનો મદાર રહેશે એ ચોક્કસપણે જણાઈ રહ્યું છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer