ઓછી ગુણવત્તા ધરાવતા ખનિજ લોખંડ ઉપરનો નિકાસ વેરો નાબૂદ

ઓછી ગુણવત્તા ધરાવતા ખનિજ લોખંડ ઉપરનો નિકાસ વેરો નાબૂદ
અગાઉના ફુગાવાને કાબૂમાં લેવા 50 ટકા વેરાનો આદેશ પાછો ખેંચાયો 
એજન્સીઝ 
નવી દિલ્હી, તા. 22 નવે. 
ભારતે ઓછી ગુણવત્તા એટલે કે લોખંડની 58 ટકાથી ઓછી માત્રા ધરાવતા કાચા લોખંડના ગઠ્ઠા (આયર્ન ઓર લમ્પ્સ) અને ચૂરા (ફાઇન્સ) ઉપરનો નિકાસ વેરો નાબૂદ કર્યો છે. વીતેલા સપ્તાહે એક નોટિફિકેશન દ્વારા સરકારે મે મહિનામાં ફુગાવાને નિયંત્રણમાં લેવા વેરામાં કરેલા 50 ટકાના જબરદસ્ત વધારાનો ઓર્ડર પાછો ખેંચ્યો છે.  
શનિવારથી જ અમલી બનેલા આ આદેશમાં કેટલાંક સ્ટીલ ઈન્ટરમીડિયેટ્સ ઉપર મે મહિનામાં લાગુ કરાયેલા 15 ટકાના નિકાસ વેરાને પણ હટાવાયો છે. સરકારે ખનિજ લોખંડઅને કોન્સન્ટ્રેટ્સ ઉપરાંત રોસ્ટેડ આયર્ન પાઇરાઇટ્સ ઉપરનો નિકાસ વેરો 50 ટકાથી ઘટાડીને 30 ટકા કર્યો છે. નોટિફિકેશનમાં જણાવાયું છે કે લોકહિતમાં જરૂરી હોવાથી સરકારે આ સુધારા કર્યા છે. 
અગાઉ ફેડરેશન ઓફ ઈન્ડિયન મિનરલ ઈન્ડસ્ટ્રીઝ (એફઆઈએમઆઈ)એ જણાવ્યું હતું કે ઊંચા નિકાસ વેરાને કારણે ભારતની કાચા લોખંડની નિકાસો અૉક્ટોબરમાં ઘટીને લગભગ શૂન્ય નોંધાઈ હતી અને ચીનની નબળી માગને કારણે હજુ વધુ કથળવાનું અનુમાન હતું. ઓછી ગુણવત્તાવાળા ખનિજના ઉત્પાદકો મુખ્યત્વે વિદેશનાં બજારો ઉપર નિર્ભર હોય છે, કેમકે ઘરઆંગણે મોટા ભાગના સ્ટીલ ઉત્પાદકો ઊંચી ગુણવત્તા ધરાવતું ખનિજ ઉપયોગમાં લે છે. ઈન્ટરમીડિયેટ સ્ટીલ પ્રોડક્ટ્સ ઉપરના ઊંચા વેરાને કારણે નિકાસો ઉપર નોંધપાત્ર અસર થઈ છે. આ નાણાં વર્ષના પ્રથમ સાત મહિનામાં ભારતની ફિનિશ્ડ સ્ટીલની નિકાસો 50 ટકા કરતાં વધુ ઘટી હોવાનું સરકારના છેલ્લા આંકડા દર્શાવે છે. 
થોડા દિવસો અગાઉ દેશની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક જેએસડબલ્યુ સ્ટીલે જણાવ્યું હતું કે વૈશ્વિક માગમાં ઘટાડા અને ઊંચા નિકાસ વેરાને કારણે આ વર્ષે તેની નિકાસો પાંચ વર્ષના તળિયે નોંધાશે તેવું અનુમાન છે. 
વેરાનાબૂદીને ઉદ્યોગનો આવકાર 
જેએસડબલ્યુ સ્ટીલના જોઇન્ટ એમડી અને ગ્રુપ સીએફઓ સેશાગિરી રાવે જણાવ્યું કે ખનિજ લોખંડઅને સ્ટીલનાં નિર્દિષ્ટ ઉત્પાદનો તેમજ આયર્ન ઓર પેલેટ્સને શૂન્ય નિકાસ વેરો લાગુ થશે એ સમાચાર, ખાસ કરીને જ્યારે સ્ટીલની વૈશ્વિક માગ ઝડપભેર ઘટી રહી છે, ત્યારે ઘરઆંગણે સ્ટીલની માગના પુનર્જીવિત કરવા માટે મહત્ત્વના બનશે.  
ઈન્ડિયન સ્ટીલ એસોસીએશનના સેક્રેટરી જનરલ આલોક સહાયે જણાવ્યું કે ફુગાવો થોડો ઘટ્યો કે તરત જ લીધેલો આ નિર્ણય સામાન્ય લોકો અને ઉદ્યોગ માટે સરકાર કેટલી ચિંતિત છે, તે દર્શાવે છે. 
આર્લેલરમિત્તલ નિપ્પોન સ્ટીલના સીઈઓ દિલીપ ઓમ્મેન કહે છે કે આ નિર્ણયથી ઉદ્યોગમાં પુન: ઉર્જાસંચાર થશે અને વધુ ઉત્સાહ જાગશે, જે સ્ટીલ ક્ષેત્રને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે સમાવેશક વિકાસના માર્ગે દોરી જશે. જિન્દાલ સ્ટેઇનલેસના એમડી અભ્યુદય જિન્દાલે સરકારના નિર્ણયને લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી, તેવું પગલું જણાવીને ઉમેર્યું કે ઘરઆંગણાના ઉત્પાદકોને વૈશ્વિક સ્પર્ધા માટે સક્ષમ બનાવવા આ વેરાનાબૂદીની તાતી જરૂર હતી. મને વિશ્વાસ છે કે એનાથી સરકારના મેઇક ઈન ઈન્ડિયા અને લોકલ ટુ ગ્લોબલના વિઝનને વધુ વેગ મળશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer