ભારતીય ચોખાનું ઉત્પાદન, નિકાસ ઘટશે

ભારતીય ચોખાનું ઉત્પાદન, નિકાસ ઘટશે
છતાં પાકિસ્તાન અને અમેરિકાના નિકાસ ઘટાડાને સરભર કરી શકશે 
નવી દિલ્હી, તા. 22 નવે. 
ભારતની ચોખાની નિકાસ આ વર્ષે 210 લાખ ટનથી ઘટીને 2023માં 195 લાખ ટન નોંધાશે, એવી સંભાવના અમેરિકાના કૃષિ વિભાગે જણાવી છે. અમેરિકાના કૃષિ વિભાગે માર્કાટિંગ વર્ષ 2022-23ના નવેમ્બરના રિપોર્ટમાં નાઈજીરીયા, શ્રીલંકા અને પાકિસ્તાનમાં ચોખાના ઉત્પાદનમાં પાછલા વર્ષની સરખામણીમાં ઘટાડો થવાની સંભાવના જણાવી છે. તેની સાથે જ ચોખાના વૈશ્વિક ક્લાઝિંગ સ્ટોકમાં ઘટાડો થશે, જે મુખ્યત્વે ભારત અને વિયેતનામમાં  જોવા મળશે. ભારત, પાકિસ્તાન અને શ્રીલંકામાં ચોખાના વપરાશમાં ઘટાડો થવાની ધારણા છે. ભારતની ચોખાની નિકાસ પાછલા વર્ષ કરતાં ઘટવા છતાં તે વૈશ્વિક બજારમાં પાકિસ્તાન અને અમેરિકામાંથી ઘટેલી નિકાસ સામે ભરપાઈ કરશે. ભારત ચોખાના વૈશ્વિક બજારમાં લગભગ 40 ટકા હિસ્સો ધરાવે છે અને 150 દેશોને નિકાસ કરે છે. 
યુએસડીએનું કહેવું છે કે ગયા મહિને અમેરિકાના ચોખાની કિંમત પાંચ ડોલર વધીને 730 ડોલર પ્રતિ ટન અને ઉરુગ્વે ચોખાની કિંમત 545 ડોલર પ્રતિ ટન થઈ છે. થાઈલેન્ડના ચોખા 12 ડોલર ઘટીને 418 ડોલર, જ્યારે વિયેતનામના ચોખા 19 ડોલર વધી 448 ડોલર પ્રતિ ટન ઓફર થઇ રહ્યા હતા. પાકિસ્તાનના ચોખા 23 ડોલર વધીને 418 ડોલર પ્રતિ ટન ઓફર થઇ રહ્યા હતા, જ્યારે ભારતીય ચોખા 5 ડોલર ઘટીને 385 ડોલર પ્રતિ ટન હતા, જે વિશ્વમાં સૌથી સસ્તા છે. 
યુએસડીએએ સમગ્ર વિશ્વમાં વર્ષ 2022-23માં 50.36 કરોડ ટન ચોખાના ઉત્પાદનનો અંદાજ મૂક્યો છે. ગયા મહિને આ અંદાજ 50.50 કરોડ ટન હતો. વર્ષ 2021-22માં ચોખાનું ઉત્પાદન 51.50 કરોડ ટન અને વર્ષ 2020-21માં આ ઉત્પાદન 50.92 કરોડટન હતું. 
વર્ષ 2022-23માં ભારતમાં ચોખાનું ઉત્પાદન 12.40 કરોડ ટન થવાનું અનુમાન છે, જે વર્ષ 2021-22માં 13.02 કરોડ ટન હતું. ભારતમાં ચોખાનું ઉત્પાદન વર્ષ 2020-21માં 12.43 કરોડ ટન હતું. વર્ષ 2022-23માં ભારતમાંથી ચોખાની નિકાસ 1.95 કરોડ ટન રહી શકે છે, જે વર્ષ 2021-22માં 2.10 કરોડ ટન તેમજ વર્ષ 2020-21માં 2.12 કરોડ ટન હતી. 
બાંગ્લાદેશમાં વર્ષ 2022-23માં ચોખાનું ઉત્પાદન 3.56 કરોડ ટન, બ્રાઝિલમાં 73 લાખ ટન, અમેરિકામાં 52.18 કરોડ ટન અને ચીનમાં 14.70 કરોડ ટન ચોખાનું ઉત્પાદન થવાનો અંદાજ છે. વર્ષ 2022-23માં ચોખાનો કુલ વૈશ્વિક વપરાશ 51.77 કરોડ ટન રહેવાનો અંદાજ છે જ્યારે વર્ષ 2021-22માં તે 51.99 કરોડ ટન હતો. વર્ષ 2022-23માં ચોખાનો વૈશ્વિક ક્લાઝિંગ સ્ટોક 16.90 કરોડ ટન રહેવાનો અંદાજ છે. વર્ષ 2021-22માં તે 18.31 કરોડ ટન થવાની સંભાવના છે. ભારતમાં વર્ષ 2022-23માં ચોખાનો ક્લાઝિંગ સ્ટોક 2.95 કરોડ ટન રહેવાની સંભાવના છે. વર્ષ 2021-22માં આ સ્ટોક 3.40 કરોડ ટન હતો. 
વર્ષ 2022-23માં ચીન 50 લાખ ટન, યુરોપિયન દેશો 25 લાખ ટન, ઈરાન 12 લાખ ટન, ઈરાક 15 લાખ ટન, મલેશિયા 12 લાખ ટન, સાઉદી અરેબિયા 13 લાખ ટન, ફિલિપાઈન્સ 33 લાખ ટન ચોખાની આયાત કરી શકે છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer