સોયાબીનની આયાત 64 ટકા ઘટશે : સોપા

સોયાબીનની આયાત 64 ટકા ઘટશે : સોપા
પીટીઆઈ 
નવી દિલ્હી, તા. 22 નવે. 
સોયાબીન પ્રોસેસર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા (સોપા)એ જણાવ્યું છે કે વર્ષ 2022-23ની સિઝનમાં ઘરઆંગણે વધુ ઉત્પાદનની સંભાવનાને પગલે સોયાબીનની આયાત 64 ટકા ઘટીને બે લાખ ટન રહેવાની ધારણા છે. ભારતે અૉક્ટોબર, 2021થી સપ્ટેમ્બર, 2022ની સિઝન દરમ્યાન 5.55 લાખ ટન સોયાબીન આયાત કર્યાં હતાં. 
સોપાના જણાવ્યા મુજબ, ઘરઆંગણાનું ઉત્પાદન પાછલી સિઝનમાં 118.89 લાખ ટનની સામે આ સિઝનમાં વધીને 120.40 લાખ ટન થવાનું અનુમાન છે. કેરી ઓવર સ્ટોક પણ પાછલા વર્ષના 1.83 લાખ ટન સામે 25.15 લાખ ટન રહેવાની ધારણા છે. 
વીતેલી સિઝનના 126.27 લાખ ટન સામે આ સિઝનમાં કુલ 147.55 લાખ ટન સોયાબીન ઉપલબ્ધ રહેશે. સોયાબીનના કુલ પાકમાંથી આશરે 100 લાખ ટન પાક આ સિઝનમાં પિલાણ માટે ઉપલબ્ધ હશે, જ્યારે પાછલી 2021-22 સિઝનમાં 84 લાખ ટન સોયાબીન પિલાણ માટે ઉપલબ્ધ હતા. આશરે 13 લાખ ટન સોયાબીન વાવેતર માટે રાખવામાં આવશે, ચાર લાખ ટનનો સીધો વપરાશ થશે તેમજ એક લાખ ટન નિકાસ કરાશે, તેવું અનુમાન છે. પહેલી નવેમ્બરના રોજ ખેડૂતો, વેપારીઓ અને પ્લાન્ટ્સ પાસે સોયાબીનનો સ્ટોક 124.05 લાખ ટન હતો. 
સોયાબીન ખોળની 
આયાત 2021-22ની સિઝનમાં 6.45 લાખ ટન હતી, પરંતુ આ સિઝનમાં આયાત કરવી નહીં પડે. નિકાસ 73 લાખ ટનની સામે વધીને 82 લાખ ટન થવાનું અનુમાન છે. સોયાખોળનું કુલ ઉત્પાદન 67.05 લાખ ટનથી વધીને 79.82 લાખ ટન થશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer