તેલીબિયાંનું વૈશ્વિક ઉત્પાદન વધીને 64.50 કરોડ ટન થવાનો અંદાજ

તેલીબિયાંનું વૈશ્વિક ઉત્પાદન વધીને 64.50 કરોડ ટન થવાનો અંદાજ
યુક્રેન-રશિયા યુદ્ધને કારણે સૂર્યમુખીનું ઉત્પાદન ઘટશે
મુંબઈ, તા. 22 નવે. 
અમેરિકાના કૃષિ વિભાગ (યુએસડીએ)એ વર્તમાન માર્કાટિંગ વર્ષથી 2022-23 માટે ઊંચા વૈશ્વિક તેલીબિયાં ઉત્પાદનની આગાહી કરી હતી, પરંતુ યુક્રેન યુદ્ધને પગલે સૂર્યમુખીના ઉત્પાદનમાં 10.5 ટકાનો ઘટાડો થઈ શકે છે. 
યુએસડીએએ 2021-22માં 60.46 કરોડ ટનની સામે વૈશ્વિક ઉત્પાદન 64.56 કરોડ ટન રહેવાનો અંદાજ મૂક્યો છે. વનસ્પતિ તેલનું વૈશ્વિક ઉત્પાદન 2021-22માં 21.14 કરોડ ટનની સામે 2022-23 માટે 21.89 કરોડ ટન રહેવાનો અંદાજ પણ મૂક્યો છે. સોયાબીન અને સરસવનું ઉત્પાદન અનુક્રમે 9.82 ટકા અને 14.84 ટકા વધવાની ધારણા છે. 
યુએસડીએ એફએએસ (ફોરેન એગ્રિકલ્ચર સર્વિસ)ના અહેવાલ 'તેલીબિયાં: વિશ્વ બજારો અને વેપાર' અનુસાર, 2022-23 માટે વૈશ્વિક સોયાબીનનું ઉત્પાદન 39.05 કરોડ ટન (2021-22 માટે 35.56 કરોડ ટન) અને સરસવનું ઉત્પાદન 8.48 કરોડ ટન (7.3 કરોડ ટન) અંદાજવામાં આવ્યું છે. 
સૂર્યમુખી : સૂર્યમુખીનું વૈશ્વિક ઉત્પાદન 5.13 કરોડ ટન (5.73 કરોડ ટન) થવાની સંભાવના છે. યુક્રેન પર રશિયાના આક્રમણની વૈશ્વિક તેલીબિયાં બજાર પર મોટી અસર પડી હતી. સંઘર્ષ પહેલાં, યુક્રેન સૂર્યમુખીનો મુખ્ય ઉત્પાદક હતો અને 2020-21માં લગભગ અડધા વૈશ્વિક વેપારનું પ્રતિનિધિત્વ કરતા સૂર્યમુખીના ઉત્પાદનોનો અગ્રણી નિકાસકાર હતો.  
યુક્રેનના સૂર્યમુખીના બિયારણ અને પેદાશો માટે વર્તમાન વર્ષના વેપારી પૂર્વાનુમાન ઓછા ઉત્પાદનની અપેક્ષાઓ સાથે સાથે સતત નબળી વેપાર પેટર્ન અને મર્યાદિત પિલાણની ધારણાઓને દર્શાવે છે. જ્યારે યુક્રેનમાં સૂર્યમુખીના બિયારણનું ઉત્પાદન વર્ષ 2022-23ની માટે 1.01 કરોડ ટન (2021-22 માટે 1.75 કરોડ ટન) હોવાનો અંદાજ છે. રશિયાનું સૂર્યમુખીનો ઉત્પાદન અંદાજ 2022-23 (1.56  કરોડ ટન)ની માટે 1.70 કરોડ ટન છે. 
સૂર્યમુખી તેલનું વૈશ્વિક ઉત્પાદન 2022-23 દરમિયાન 2.01 કરોડ ટન રહેવાનો અંદાજ છે, જે 2021-22માં 1.99 કરોડ ટન હતું. તેમાંથી સૂર્યમુખી તેલના ઉત્પાદનમાં રશિયા અને તુર્કીનો હિસ્સો અનુક્રમે 61.9 લાખ ટન (58.2 લાખ ટન) અને 12.1 લાખ ટન (9.2 લાખ ટન) સુધી પહોંચવાનો અંદાજ છે. દરમિયાન, યુક્રેનનું સૂર્યમુખી તેલનું ઉત્પાદન 2022-23માં 40.8 લાખ ટન રહેવાનો અંદાજ છે, જે 2021-22માં 46.1 લાખ ટન હતો. 
સોયાબીન : સોયાબીનનું વૈશ્વિક ઉત્પાદન 2021-22 માટેના 35.56 કરોડ ટનની સામે 2022-23 માટે 39.05 કરોડ ટન રહેવાનો અંદાજ છે, જે 9.82 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે અહેવાલમાં બ્રાઝિલમાં સોયાબીનના ઉત્પાદનમાં 15.20 કરોડ ટન (12.70 કરોડ ટન) અને આર્જેન્ટિનામાં 4.95 કરોડ ટન (4.39 કરોડ ટન)નો વધારો થવાનો અંદાજ છે, અમેરિકામાં ઉત્પાદન ઘટીને 11.82 કરોડ ટન (12.15 કરોડ ટન) થશે. 
સોયાબીન તેલનું વૈશ્વિક ઉત્પાદન 2021-22માં 5.93 કરોડ ટનની સામે 2022-23ની માટે 6.18 કરોડ ટન રહેવાનો અંદાજ છે. રિપોર્ટમાં એવો અંદાજ છે કે 2022-23માં ભારતની સોયાબીન તેલની આયાતમાં 33.5 લાખ ટન (41 લાખ ટન)નો ઘટાડો થવાની ધારણા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન ચીનની આયાતમાં 10  લાખ ટન (2.9 લાખ ટન)ની વૃદ્ધિ થઇ છે. 
સરસવ : રિપોર્ટમાં 2022-23 માટે સરસવનું વૈશ્વિક ઉત્પાદન 14.84 ટકા વધીને 8.48 કરોડ ટન રહેવાનો અંદાજ છે જે 2021-22 માટે 7.38 કરોડ ટન હતો. યુરોપિયન યુનિયનમાં 2022-23 (1.72 કરોડ ટન) માટે સરસવનું ઉત્પાદન 1.95 કરોડ ટન અને કેનેડામાં પણ 1.95 કરોડ ટન (1.37 કરોડ ટન) સુધી પહોંચવાનું અનુમાન છે. ભારતમાં ઉત્પાદન અંદાજમાં કોઈ ફેરફાર થયો નથી અને તે 1.10 કરોડ ટન પર યથાવત્ છે. 
સરસવ તેલનું વૈશ્વિક ઉત્પાદન 2021-22માં 2.90 કરોડ ટનની સામે 2022-23ની માટે 3.17 કરોડ ટન રહેવાનો અંદાજ છે. જેમાં ભારતનો હિસ્સો 38 લાખ ટન (37.4 લાખ ટન) અને કેનેડાનો હિસ્સો 44.3 લાખ ટન (35.7 લાખ ટન) હોવાનો અંદાજ છે. યુરોપિયન યુનિયનમાં સરસવ તેલનું ઉત્પાદન 2021-22ના 91.5 લાખ ટનથી વધીને 2022-23માં 99.1 લાખ ટન થવાનો અંદાજ છે. 
પામ તેલ : પામ તેલનું વૈશ્વિક ઉત્પાદન 2022-23ની માટે 7.82 કરોડ ટન સુધી પહોંચવાનો અંદાજ છે, જે 2021-22માં 7.59 કરોડ ટનની તુલનાએ 3.01 ટકાનો વધારો દર્શાવે છે. આમાંથી, ઈન્ડોનેશિયન પામ તેલનું ઉત્પાદન વધીને 6.65 કરોડ ટન (4.53 કરોડ ટન) અને મલેશિયાનું ઉત્પાદન 1.88 કરોડ ટન (1.81 કરોડ ટન) થવાનો અંદાજ છે. 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2021-22માં વૈશ્વિક પામ તેલના વેપારમાં મંદીનું દબાણ હોવા છતાં, મલેશિયાએ વૈશ્વિક બજાર હિસ્સામાં વધારો હાંસલ કર્યો છે. ઇન્ડોનેશિયાએ નિકાસ વેરો દૂર કર્યો, જેનાથી 2022-23માં તેની નિકાસમાં વધારો થવાની ધારણા છે, જ્યારે ઇન્ડોનેશિયાથી વધતી સ્પર્ધામાં મલેશિયાના બજાર હિસ્સામાં ઘટાડો થવાની ધારણા છે. 
ભારત 2021-22માં 78 લાખ ટન પામ તેલની આયાત સાથે મુખ્ય આયાતકાર રહ્યો છે અને 2022-23માં ભારતીય આયાત 87.3 લાખ ટન સુધી પહોંચવાનો અંદાજ છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer