શૅરબજારમાં ઘટાડો અટક્યો : સેન્સેક્ષમાં 274 પૉઈન્ટનો સુધારો

શૅરબજારમાં ઘટાડો અટક્યો : સેન્સેક્ષમાં 274 પૉઈન્ટનો સુધારો
પીએસયુ, કૅપિટલ ગુડ્સ, ઔદ્યોગિક શૅરોમાં ખરીદી
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 22 નવે.
શૅરબજાર છેલ્લા ત્રણ દિવસ ઘટયા પછી આજે સુધરીને બંધ રહ્યું હતું. ક્રૂડતેલના વૈશ્વિક ભાવમાં નબળાઈને લીધે વિકાસ વધશે એવી આશાથી સ્થાનિક બજારમાં ઔદ્યોગિક, નાણાસેવા, પીએસયુ બૅન્ક અને કૅપિટલ ગુડ્સ શૅરોમાં લેવાલી આવી હતી. બીએસઈ સેન્સેક્ષ 274 પૉઈન્ટ વધીને 61,419 બંધ રહ્યો હતો, જ્યારે નિફટી 89 પૉઈન્ટના સુધારે 18,249 બંધ રહ્યો હતો. આજના સુધરતા બજારમાં બીએસઈ મિડકૅપ ઈન્ડેક્સમાં 0.48 ટકા સુધારા સામે સ્મોલકૅપ ઈન્ડેક્સ 0.10 ટકા ઘટાડે હતો. નિફટી રિયલ્ટી ઈન્ડેકસ સુધારે રહેવા સાથે પીએસયુ બૅન્કેક્સ 1.66 ટકા સુધર્યો હતો.
ઈન્ડસઈન્ડ બૅન્ક, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઈટન, એલઍન્ડટી, ઈન્ફોસીસ, આઈટીસી, ટેક મહિન્દ્રા, તાતા સ્ટીલ, એચસીએલ ટેક, સનફાર્મા અને રિલાયન્સ જેવા શૅરોમાં સંગીન લેવાલીથી સુધારો થયો હતો, જ્યારે નેસ્લે, પાવરગ્રીડ, ભારતી ઍરટેલ અને કોટક બૅન્ક સહિતના શૅરો ઘટાડે બંધ રહ્યા હતા.
વ્યક્તિગત શૅરોમાં ભેલ, ડેલ્ટા કૉર્પોરેશન અને બલરામપુર ચીનીમાં વૉલ્યુમમાં 700 ટકા (સાત ગણો) વધારો હતો, જ્યારે એસ્કોર્ટ, પ્રણય સ્નેક, યુકો બૅન્ક, એસકેએફ, કૅનેરા બૅન્ક સહિતના 100 શૅર વર્ષની ઊંચાઈએ ગયા હતા, જ્યારે બંધન બૅન્ક, જેટ ઍરવેઝ, ઈન્ડિગો પેઈન્ટ, પેટીએમ પેટેન્ટ જેવા શૅર વર્ષના તળિયે પહોંચ્યા હતા. પેટીએમનો શૅર 11 ટકા ઘટયો હતો. નવો લિસ્ટિંગ થયેલ કેનફો ટેક્નૉલૉજીનો શૅર 33 ટકા પ્રીમિયમ સાથે રૂા. 773ના ભાવે ખૂલ્યો હતો. જે સત્રના અંતે રૂા. 685ના ભાવે બંધ હતો.
જિઓજીત ફાઈનાન્સિયલના વડા વિનોદ નાયરે જણાવ્યું હતું કે જોખમ ખેડવાની વૃત્તિને કારણે આજે સ્થાનિક બજારમાં થોડી લેવાલીથી બજારમાં સુધારો આવ્યો છે. જોકે, ચીનમાં કોરોના અને ફેડ રિઝર્વના કડક વલણની નકારાત્મક અસર આવી શકે છે.
શેરખાનના ટેક્નિકલ એનલિસ્ટ ગૌરવ રત્ના પરીખે જણાવ્યું હતું કે અત્યારના કન્સોલિડેશન સમયકાળને જોતાં બજારમાં હજુ એક-બે અઠવાડિયાં સુધી આ વલણ ચાલુ રહેવાની સંભાવના છે.
એલકેપી સિક્યુરિટીઝના રૂપક ડેએ જણાવ્યું હતું કે નિફટી ટ્રેડ અંતે તેજીનો સંકેત આપે છે. જેથી આગામી દિવસમાં બજાર થોડું તેજીતરફી રહેવા છતાં સાંકડી વધઘટે ચાલશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer