દિલ્હી હાઈ કોર્ટે ફ્યુચર ગ્રુપની એસઆઈએસી સમક્ષ આર્બિટ્રેશન સમાપ્ત કરવાની અરજીને નકારી કાઢી

દિલ્હી હાઈ કોર્ટે ફ્યુચર ગ્રુપની એસઆઈએસી સમક્ષ આર્બિટ્રેશન સમાપ્ત કરવાની અરજીને નકારી કાઢી
સદ્ધર પક્ષકારો દ્વારા લવાદની કાર્યવાહી વિલંબિત કરવાનું આ કાવતરું : ખંડપીઠ
નવી દિલ્હી, તા. 22 નવે. 
દિલ્હી હાઈ કોર્ટે મંગળવારે ફ્યુચર ગ્રુપની સિંગાપોર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન કોર્ટ (એસઆઈએસી) સમક્ષ એમેઝોન દ્વારા શરૂ કરવામાં આવેલી આર્બિટ્રેશન કાર્યવાહીને સમાપ્ત કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી, એમ બાર ઍન્ડ બેન્ચે જણાવ્યું છે. જસ્ટિસ સી. હરિ શંકરે કહ્યું કે તેમણે પક્ષકારો દ્વારા ઉઠાવવામાં આવેલી દલીલોની યોગ્યતા પર કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી અને એસઆઈએસી સમક્ષ આર્બિટ્રેશન ચાલુ રહેશે. 17 નવેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે એસઆઈએસી સમક્ષ મનસ્વી કાર્યવાહીને રોકવાની મંજૂરી આપશે નહીં. 
દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ હિમા કોહલી અને જે.બી. પારડીવાલાની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે, `તમે (ફ્યુચર ગ્રુપ અને અન્યો) આર્બિટ્રલ ટ્રિબ્યુનલ સમક્ષ કાર્યવાહીને અટકાવવાના પ્રયાસ કરી શકો નહીં અને આ માત્ર કાર્યવાહીમાં વિલંબ કરવાનું એક ષડયંત્ર છે. આ લવાદની કાર્યવાહીમાં વિલંબ કરવા માટે સદ્ધર પક્ષકારો દ્વારા કરવામાં આવતા કાવતરાં છે. તમારા ક્લાયન્ટ પણ હોંશિયારીથી પ્રયાસ કરી રહ્યા છે.'  
એમેઝોન કથિત રીતે આર્બિટ્રલ કાર્યવાહીને રોકવાની તરફેણમાં નથી. ફ્યુચર ગ્રુપે અૉક્ટોબરમાં દિલ્હી હાઈ કોર્ટમાં આર્બિટ્રલ ટ્રિબ્યુનલના અંતિમ સુનાવણી પર સ્ટે મૂકવાના નિર્ણયને પડકારવા માટે અરજી દાખલ કરી હતી. 
ફ્યુચર ગ્રુપે એવી દલીલ કરી હતી કે ટ્રિબ્યુનલનો આદેશ `અધિકારક્ષેત્રનો સંપૂર્ણ ત્યાગ' હતો, કારણ કે સુપ્રિમ કોર્ટે પહેલાથી જ આદેશો પસાર કરવાના આદેશ આપ્યા હતા. 
એમેઝોને પાછળથી ટ્રિબ્યુનલ સમક્ષ આર્બિટ્રેશનની કાર્યવાહી પુન: શરૂ કરાવવાની પરવાનગી માંગીને સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડે કહ્યું હતું કે આ કેસમાં જ ફ્યુચર ગ્રુપ કાર્યવાહીને અટકાવવા માગે છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer