ગ્રામીણ વિસ્તારની યોજનાઓ માટે 18 ટકા વધુ નાણાં ફાળવાશે

ગ્રામીણ વિસ્તારની યોજનાઓ માટે 18 ટકા વધુ નાણાં ફાળવાશે
નવી દિલ્હી, તા. 22 નવે.
કેન્દ્ર સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રામીણ રોજગાર યોજનાઓને પ્રોત્સાહન આપવા ગ્રામ્ય વિકાસ મંત્રાલયને વધારાના 18 ટકા નાણાં એટલે કે રૂા. 1.60 લાખ કરોડ (14.19 અબજ ડૉલર)ની ફાળવણી કરશે એમ એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું.
બજેટમાં આ વર્ષે દેશના અંતરિયાળ વિસ્તારોમાં વિવિધ યોજનાઓ માટે રૂા. 1.36 લાખ કરોડ ફાળવ્યા છે. આમ છતાં ગ્રામ્ય વિસ્તારોનું સંકટ ઘેરું બનતાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ અથવા મનરેગાની માગ વધી છે. નોકરીની ગેરંટી વાળી દેશની એકમાત્ર યોજના મનરેગામાં વેતન પેટે રોજના રૂા. 163થી રૂા. 245 ચૂકવવામાં આવે છે.
સરકાર ગ્રામ્ય વિસ્તારો માટે જે વધારાનાં નાણાં ફાળવશે તેનાથી રોજગારીના સર્જનને પ્રોત્સાહન આપવા ઉપરાંત પોસાણક્ષમ રહેઠાણની સુવિધા પૂરી પાડવામાં આવશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
સરકારે શરૂઆતમાં રૂા. 73,000 કરોડ રોજગારીની યોજનાઓ માટે અને રૂા. 20,000 કરોડ વ્યાજબી ભાવનાં રહેઠાણની સુવિધા માટે ફાળવ્યા હતા. ગ્રામ વિકાસ મંત્રાલયની વેબસાઇટ મુજબ સરકારે રોજગારીના સર્જન માટે અત્યાર સુધીમાં રૂા. 63,260 કરોડ વાપર્યા છે.
કોરોનામાંથી બહાર આવ્યા બાદ એશિયન દેશોના ગ્રામ્ય વિસ્તારો આર્થિક દબાણ નીચે હતા. વધતો જતો ફુગાવો અને કૃષિક્ષેત્ર બહાર નોકરીની મર્યાદિત તકોને કારણે વધુને વધુ લોકો સરકારની રોજગારી ગેરંટી યોજનામાં જોડાવા લાગ્યા. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઈ)ના આંકડા મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રામ્ય વિસ્તારોમાં બેરોજગારીનો દર મોટા ભાગે સાત ટકાથી વધુ રહ્યો હતો. સાત ડિસેમ્બરથી શરૂ થતાં સંસદના આગામી સત્રમાં સરકાર ગ્રામ્ય વિસ્તારોને વધારાનાં નાણાંની ફાળવણીની મંજૂરી મેળવશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer