ભારત-અૉસ્ટ્રેલિયા વચ્ચે મુક્ત વેપાર કરારને અૉસ્ટ્રેલિયાની સંસદની બહાલી

ભારત-અૉસ્ટ્રેલિયા વચ્ચે મુક્ત વેપાર કરારને અૉસ્ટ્રેલિયાની સંસદની બહાલી
ભારતની 6000થી વધુ ચીજોને અૉસ્ટ્રેલિયામાં જકાતમુક્ત પ્રવેશ મળશે : ટેક્સ્ટાઈલ્સ, ચર્મપેદાશ, ફર્નિચર, જ્વેલરી, મશીનરીની નિકાસ વધશે
કેનબેરા, તા. 22 નવે.
ભારત-અૉસ્ટ્રેલિયા વચ્ચેના સૂચિત મુક્ત વેપાર કરાર (એફટીએ)ને અૉસ્ટ્રેલિયાની સંસદે મંજૂરી આપી દીધી છે. હવે બન્ને દેશોને મંજૂર હોય એવી તારીખથી આ કરારનો અમલ કરાશે.
ઇન્ડિયા-અૉસ્ટ્રેલિયા ઈકોનોમિક કો-અૉપરેશન ઍન્ડ ટ્રેડ એગ્રિમેન્ટનો અમલ કરતા પૂર્વે અૉસ્ટ્રેલિયન સંસદની મંજૂરી જરૂરી હતી, જે હવે મળી ગઈ છે. ભારતમાં કેન્દ્રીય કૅબિનેટની મંજૂરી અગાઉથી જ મળી ગઈ હતી.
ભારતના વેપારપ્રધાન પીયૂષ ગોયલે ટવીટ કરી ખુશાલી વ્યક્ત કરી હતી. મંજૂરી બાદ હવે બન્ને દેશો કરારના અમલની તારીખ નક્કી કરશે. અમલના આગલા દિવસે કસ્ટમ સત્તાવાળા નોટિફિકેશન બહાર પાડશે.
હવે ભારતની 6000થી વધુ આઈટમોને અૉસ્ટ્રેલિયન બજારમાં જકાતમુક્ત પ્રવેશ મળશે. આમાં ટેક્સ્ટાઈલ્સ, ચર્મ ઉત્પાદનો, ફર્નિચર, આભૂષણ, મશીનરી વગેરેનો સમાવેશ થાય છે.
આ કરાર હેઠળ અમલની તારીખથી ભારતીય નિકાસ (કિંમતની દૃષ્ટિએ)ના 96.4 ટકા હિસ્સાને અૉસ્ટ્રેલિયામાં જકાતમુક્ત પ્રવેશ મળશે. અત્યારે ભારતનાં ઘણાં ઉત્પાદનોને અૉસ્ટ્રેલિયામાં ચારથી પાંચ ટકા કસ્ટમ ડયૂટી લાગુ પડે છે.
રોજગારલક્ષી ક્ષેત્રો જેવાં કે ટેક્સ્ટાઈલ્સ અને એપરલ, અમુક કૃષિપેદાશો અને મત્સ્યપેદાશ, ચર્મપેદાશ, પગરખાં, ફર્નિચર, સ્પોર્ટ્સ ગુડ્સ, જ્વેલરી, મશીનરી, ઈલેક્ટ્રિકલ ગુડ્સ, રેલવે વેગન વગેરેની નિકાસને ઘણો ફાયદો થશે.
2021-22માં ભારતની અૉસ્ટ્રેલિયા ખાતે નિકાસ 8.3 અબજ યુએસ ડૉલરની થઈ હતી અને આયાત 16.75 અબજ ડૉલરની થઈ હતી. પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે દ્વિપક્ષી વેપાર અત્યારે જે 27.5 અબજ ડૉલરનો છે તે આગામી પાંચ વર્ષમાં વધી 45થી 50 અબજ ડૉલરનો થઈ જવાની શક્યતા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer