નવી દિલ્હી, તા. 6 જૂન
સાઉદી અરેબિયાએ આગામી મહિનાથી ક્રૂડતેલનાં ઉત્પાદનમાં વધુ કાપ મૂકવાનું નક્કી કરતાં બળતણના ભાવ નીચા આવવાની ભારતીય ગ્રાહકોની આશા પર ઠંડુ પાણી રેડાઈ ગયું છે. છેલ્લા 11 મહિનાઓમાં ક્રૂડતેલના સરેરાશ ભાવ 35 ટકા ઘટયા છે. ઉત્પાદન કાપને પગલે સાઉદી આરામ્કોએ જુલાઈમાં એશિયા, યુરોપ અને અમેરિકા જનારાં શિપમેન્ટની સત્તાવાર વેચાણ કિંમત વધારી દીધી છે. ઓપેક અને સાથી દેશોના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશ સાઉદી અરેબિયાએ ભાવ વધારવાની શરૂઆત કરી દીધી છે.
રવિવારે ઓપેક અને સાથી દેશોની બેઠક અનિર્ણિત રહી તે પછી તરત જ સાઉદીએ ભાવ વધારાનો અને ઉત્પાદન કાપનો નિર્ણય જાહેર કરતાં બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડતેલનો ભાવ પ્રતિ બેરલ 78 ડૉલર સુધી જઈ સોમવારે છેલ્લે 1 ટકાના વધારા સાથે 77 ડૉલર પર સ્થિર થયો હતો.
3 એપ્રિલના રોજ સાઉદીએ સ્વૈચ્છિક રીતે પ્રતિ દિન 10 લાખ બેરલ (બીપીડી) ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય કર્યો તેના પગલે ઓપેકના અન્ય દેશોએ પ્રતિદિન 6 લાખ બેરલ તેલનું ઉત્પાદન ઘટાડવાનું નક્કી કર્યું હતું તેના કારણે બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ પ્રતિબેરલ 9 ડૉલર વધીને 87 ડૉલર ઉપર પહોંચી ગયા હતા. પરંતુ ફરીથી ઘટીને થોડા દિવસ પહેલાં 70 ડૉલર સુધી ઉતરી ગયા હતા. ઉત્પાદન ઘટાડો હાલના ઉત્પાદન કાપ ઉપરાંતનો હશે. અગાઉનો 20 લાખ બેરલ પ્રતિદિનના કાપમાં એપ્રિલમાં 16 લાખ બેરલનો કાપ ઉમેરાયો હતો. હવે કુલ કાપ રોજના 46 લાખ બેરલનો થશે.
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના અંદાજ મુજબ વિશ્વમાં ક્રૂડતેલની માગ વધીને રોજના 10.3 કરોડ બેરલની થશે. જે હાલના સ્તરથી 22 લાખ બેરલ વધુ છે. જોકે અન્ય નિષ્ણાતો વૈશ્વિક અર્થતંત્ર વિશેની વધતી જતી ચિંતા અને ક્રૂડતેલની માગ ઘટવાની શક્યતા જોઈને સાવચેત વલણ અપનાવી રહ્યા છે.
ભારત તેની ક્રૂડતેલની કુલ જરૂરિયાતોના 85 ટકા જેટલું તેલ આયાત કરે છે એટલે ક્રૂડતેલના ભાવની વધઘટ ભારતને સીધી અસર કરે છે. સાઉદી અરેબિયાનું ઉત્પાદન ઘટાડવાનું અને ભાવ વધારવાનું પગલું તેમ જ ઓપેકના અન્ય દેશોની અનિર્ણાયક સ્થિતિ અને આંતરિક સંઘર્ષના કારણે તેલના ભાવ ઉકળતા ચરુ જેવા થશે અને તેમાં તીવ્ર વધઘટ જોવાશે.આ સંજોગોમાં દેશની સરકારી તેલ કંપનીઓ તેલના ઘટેલા ભાવનો ફાયદો છૂટક ગ્રાહકોને પહોંચાડવાને બદલે બળતણના હાલના ભાવ જાળવી રાખશે.
ગત વર્ષે યુક્રેન યુદ્ધને કારણે જ્યારે ક્રૂડતેલના ભાવ વધી ગયા હતા ત્યારે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડયૂટી ઘટાડી હતી ત્યારે મે 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.
રિલાયન્સ જિઓ-બીપી અને રોઝનેફટ દ્વારા પ્રાયોજિત નાયરા જેવા ખાનગી છૂટક વેચાણકર્તાઓએ પેટ્રોલ ડીઝલના છૂટક ભાવ ઘટાડયા છે, પરંતુ સરકારી કંપનીઓએ ભાવ ઘટાડયા નથી. તેઓ અગાઉની ખોટ સરભર કરવા માગે છે. સાઉદી અરેબિયાના હાલના પગલાંને કારણે હવે તેમને ભાવ જાળવી રાખવાનું મજબૂત કારણ મળશે.