રૂા. 10 લાખ કે તેથી મોટી ડિપૉઝિટ માટે આવકનો પુરાવો આપવો પડશે
નવી દિલ્હી, તા. 6 જૂન
પોસ્ટ અૉફિસની કિસાન વિકાસ પત્ર અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ જેવી નાની બચત યોજનાઓમાં સગીર બાળકો અથવા ઘરકામ કરતા માણસોને નામે રૂા. 50 લાખ અને તેનાથી વધુ રકમની બેનામી ડિપોઝિટો આવકવેરા વિભાગના ધ્યાનમાં આવી છે. હાલમાં રૂા. 1 કરોડ અથવા તેનાથી વધુ રકમની ડિપોઝિટ ધરાવતા લોકોને આવકવેરા વિભાગે નોટિસો મોકલાવવાનું શરૂ કર્યું છે.
કેન્દ્ર સરકારે દેશની તમામ પોસ્ટ અૉફિસોને રૂા. 10 લાખ અને તેનાથી વધુ ડિપોઝિટ ધરાવતા વર્તમાન ખાતાધારકો માટે નો યોર કસ્ટમર (કેવાયસી)ની પ્રક્રિયા ફરીથી કરવાનું જણાવ્યું છે. ગ્રાહકોના કેવાયસીના આધારે પોસ્ટ અૉફિસોએ તેમના ગ્રાહકોનું ઓછા જોખમી, વધુ જોખમી અને સૌથી વધુ જોખમી (લો રિસ્ક, હાઈ રિસ્ક અને વેરી હાઈ રિસ્ક) એમ ત્રણ કક્ષામાં વર્ગીકરણ કરવું પડશે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગના ધ્યાનમાં કેટલાક બેનામી કેસ આવ્યા છે. જેમાં રૂા. 50 લાખથી વધુની ડિપોઝિટ હોવા છતાં કોઈ પણ રિટર્ન ફાઈલ કરવામાં આવતા નથી. કેટલાક કિસ્સામાં વધુ તપાસ કરતાં જણાયું કે જે લોકોના નામ પર મોટી ડિપોઝિટ છે તેઓની આવક સામાન્ય છે. આટલી મોટી ડિપોઝિટો ઊભી કરવાની તેમની હેસિયત નથી. તેથી આવકવેરા વિભાગે હાલમાં રૂા. 1 કરોડથી વધુ રકમની ડિપોઝિટ ધરાવતા લગભગ 150 લોકોને નોટિસ મોકલાવી છે. જોકે આ પ્રકારની બેનામી ડિપોઝિટ ધરાવતા લોકોની સંખ્યા ઘણી વધુ છે અને આવકવેરા વિભાગ વધુને વધુ નોટિસો મોકલી રહ્યો છે. લોકોના ડેટાનું વિશ્લેષણ કરતા ઍનાલિસ્ટો આ પ્રકારના કેસમાં સરકારને મદદરૂપ બની રહ્યા છે.
ઓછી અને મધ્યમ આવક ધરાવતા લોકો માટે નાની બચત યોજનાઓના નિયમો સરળ છે. જેથી તેઓને તકલીફ થાય નહીં આમ છતાં આ પ્રકારની સરળ યોજનાઓનો નૉન રેસિડેન્ટ ઈન્ડિયન (એનઆરઆઈ), હાઈ નેટવર્થ ઈન્ડિયન (એચએનઆઈ), કેટલાંક ટ્રસ્ટ વગેરે ગેરલાભ લેતાં હોય છે. હાલમાં એનઆરઆઈ અને હિંદુ અનડિવાઈડેડ ફેમિલી (એચયુએફ)ને નાની બચત યોજનાઓમાં ભાગ લેવાની છૂટ નથી.
ડિપાર્ટમેન્ટ અૉફ પોસ્ટે 25 મેના એક માસ્ટર સર્ક્યુલરમાં દેશની પોસ્ટ અૉફિસોને નિર્દેશ આપ્યો છે કે, જે લોકોના ઍકાઉન્ટમાં કેવાયસી અપડેટ થયા ન હોય તેમના ઍકાઉન્ટ સ્થગિત કરી દેવા. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પ્રિવેન્શન અૉફ મની લૉન્ડરિંગ (પીએમએલએ)ના કાયદા અંતર્ગત પોસ્ટ અૉફિસોમાં થતા કોઈ પણ રોકાણ માટેના નિયમો વધુ કડક બનાવ્યા છે એટલે હવે કોઈ પણ પ્રકારની વિસંગતિઓ ચાલશે નહીં.
હવે રૂા. 10 લાખ અને તેનાથી વધુ રકમની ડિપોઝિટનું ખાતું ખોલાવવા માટે ગ્રાહકે તેની આવકનો પુરાવો, પર્મનન્ટ ઍકાઉન્ટ નંબર (પૅન), આધાર અને અન્ય જરૂરી દસ્તાવેજો આપવા પડશે.
આ ઉપરાંત પોસ્ટ વિભાગના 25 મેના માસ્ટર સર્ક્યુલર મુજબ રૂા. 10 લાખ અને તેનાથી વધુ ડિપોઝિટવાળા ગ્રાહકો અને ભારતની બહાર રહેતા રાજકીય પ્રભાવવાળા લોકોના ઍકાઉન્ટ હાઈરિસ્ક કૅટેગરીમાં આવશે. આ પ્રકારના ખાતેદારોએ દર બે વર્ષે તેમની કેવાયસીની પ્રક્રિયા કરવી પડશે. કોઈ પણ ગ્રાહકનું નવું ખાતું ખોલતાં પહેલાં પોસ્ટ અૉફિસે તે ગ્રાહકોની જરૂરી વિગતો મેળવીને તેઓનું ઓછા જોખમી, વધુ જોખમી કે ખૂબ જ વધુ જોખમી એમ ત્રણ પ્રકારે વર્ગીકરણ કરવું પડશે. આમ છતાં આ બાબતમાં પોસ્ટ અૉફિસોને શાંતિથી કાર્ય કરવાની અને ગ્રાહકોને નહીં ગભરાવવાની સૂચના આપવામાં આવી છે.
ગ્રાહકોને તકલીફ થાય તેવું વર્તન નહીં કરવાનું સર્ક્યુલરમાં જણાવ્યું છે. આ ઉપરાંત કોઈ સંજોગોમાં ગ્રાહકનું ઍકાઉન્ટ બંધ કરવાની ફરજ પડે ત્યારે પોસ્ટલ ડિવિઝનના વડા તે ગ્રાહકને જરૂરી નોટિસ આપશે એમ પોસ્ટ ડિપાર્ટમેન્ટના સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું હતું.