• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

ચીનની કંપનીઓને ભારતીય ટેલિકૉમ ક્ષેત્રમાં ફરી પ્રવેશવા નહીં દેવાય  

નવી દિલ્હી, તા. 6 જૂન 

હુવાવી અને ઝેડટીઈ જેવી ચાઈનીઝ ટેલિકોમ ઇક્વિપમેન્ટ ઉત્પાદક કંપનીઓને વિશ્વાસપાત્ર સ્ત્રોતનું પ્રમાણપત્ર આપવાની સરકારની કોઈ યોજની નથી, જેથી તેઓ તેઓ ભારતના ટેલિકોમ ક્ષેત્રમાં ફરી પ્રવેશી શકે નહીં, એમ ડિપાર્ટમેન્ટ અૉફ ટેલિકોમ્યુનિકેશન્સ (ટીઓટી)ના અધિકારીઓનું જણાવવું છે. ટેલિકોમ ક્ષેત્રમાં ચીનની કંપનીઓને અટકાવવા પાછળ રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાનો મુદ્દો મુખ્ય છે, એમ અધિકારીઓએ કહ્યું હતું. 

ચીનની ફેશન બ્રાન્ડ શીનને ભારતમાં તેનો વ્યવસાયને બંધ કરવાની ફરજ પાડવામાં આવ્યાના ત્રણ વર્ષ પછી તે ફરીથી ભારતમાં પ્રવેશી તેને ધ્યાનમાં રાખતાં એવો અંદાજ મૂકાયો હતો કે ટેલિકોમ ક્ષેત્રમાં ચાઈનીઝ વિક્રેતાઓને મંજૂરી આપવામાં આવશે. શીન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથેના સંયુક્ત સાહસ દ્વારા ભારતમાં પ્રવેશી રહી છે.  

વાસ્તવમાં ચાઈનીઝ વિક્રેતાઓ સાથેના ટેલિકોમ સાહસો પણ તાજેતરના ભૂતકાળમાં નોંધાયા છે. જોકે, તેને કોઈ મંજૂરી મળી હોવા વિશે કોઈ પુષ્ટિ થઈ નથી. એપ્રિલની શરૂઆતમાં એવા અહેવાલ વહેતા થયા હતા કે વોડાફોન આઈડિયાએ અમુક સર્કલ્સમાં તેના ફોર-જી નેટવર્કના વિસ્તરણ માટે ઝેડટીઈને ઓર્ડર આપ્યો છે. જોકે, કંપનીએ આજ સુધી આ અહેવાલોની સત્તાવાર પુષ્ટિ કરી નથી.  

ડીઓટીના અધિકારીઓએ જણાવ્યું કે કોઈપણ મોટા ખાનગી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સે અત્યાર સુધી `અનધિકૃત' ઉપકરણો મેળવ્યા નથી. 

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, `િવશ્વસપાત્ર સ્ત્રોત'ના થપ્પા વગર કંપનીઓ ભારતીય બજારમાં નેટવર્ક સાધનોની સપ્લાય કરી શકતી નથી. ચીની કંપનીઓ દ્વારા ઉત્પાદિત પ્રોડક્ટ્સને પણ વિશ્વાસપાત્ર ઉત્પાદન હોવાની મંજૂરીઓ મળી નથી, એમ જણાવતા તેમણે કહ્યું કે, સંવેદનશીલ ક્ષેત્ર હોવા ઉપરાંત ફાઈવ-જી શરૂ થવાને કારણે ભારતમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્ર નિર્ણાયક તબક્કે છે. જે ઉપકરણો મોટા પાયે આર્થિક અને ઔદ્યોગિક પરિવર્તન તરફ દોરી રહ્યા છે તે માત્ર તકનીકી રીતે ફૂલપ્રૂફ હોવા જરૂરી નથી, પરંતુ એવા સ્ત્રોતો તરફથી ઉપલબ્ધ થયા હોવા જોઈએ જે પ્રતિબંધિત હોય નહીં. આ મુદ્દે બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે, પરંતુ હાલમાં પોલિસીમાં કોઈ ફેરફાર થયો નથી.   

અમેરિકાએ મે 2019માં રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ગણાતી ચાઈનીઝ ટેલિકોમ કંપનીઓ પર સૌ પ્રથમ પ્રતિબંધ મૂક્યો હતો. નવેમ્બર 2022માં જ્યારે ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશને ચાઈનીઝ ટેક્નૉલૉજી ખાસ કરીને ટેલિકોમ અને વીડિયો સર્વેલન્સ સાધનોના વેચાણ અને આયાત પરના પ્રતિબંધ વિસ્તાર્યા ત્યારે હુવાવી અને ઝેડટીઈ સહિતની કંપનીઓ પર વધારાના નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા. ચાઈનીઝ ઉત્પાદકોએ હમણાં સુધી તેમની સ્પર્ધાત્મક કિંમતો અને ભારતીય ગ્રાહકો માટે અનુરૂપ ઉકેલોને કારણે ટેલિકોમ સેક્ટરમાં પ્રભુત્વ જમાવ્યું હતું.

·        વર્ષ 2020માં સીમા ઉપર ઘર્ષણ થયા પછી ચીની કંપનીઓ ઉપર પ્રતિબંધો મૂકાયા 

·        ડિસેમ્બર 2020માં ટેલિકોમ ક્ષેત્રે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઈને સ્થાનિક પુરવઠાને પ્રાથમિકતાના નિર્દેશ અપાયા 

·        જૂન 2021થી ટેલિકોમ ક્ષેત્રની કંપનીઓએ નવા ઉપકરણો માત્ર વિશ્વાસપાત્ર સ્ત્રોત તરફથી મેળવવાનું ફરજિયાત કરાયું 

·        હુવાવી અને ઝેડટીઈ જેવી ચીનની કંપનીઓને સરકારે રાષ્ટ્ર સામે જોખમ ગણાવી 

·        ચીનની કંપનીઓનો હિસ્સો સિમેન્સ, સિસ્કો અને સેમસંગ જેવા પ્રતિસ્પર્ધી સામે ઘટી ગયો

અગ્રલેખ
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.