• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

કાપડ ઉદ્યોગમાં મંદી : સાડી-ડ્રેસ પાકિંગનાં બૉક્સનું ઉત્પાદન અડધું થઈ ગયું   

બૉક્સની દૈનિક માગ ઘટીને 30થી 35 હજાર થઈ  

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 6 જૂન  

લોકોની ખરીદશક્તિ ઘટતા સુરતનો કાપડ ઉદ્યોગ મંદીમાં ગરકાવ થયો છે. વિવર્સથી લઈને વેપારી સુધી બધાની આર્થિક હાલત નબળી બની છે. કાપડ ઉદ્યોગના પેકાજિંગ મટિરિયલ્સની ચેનલમાં સાડી-ડ્રેસ પાકિંગ માટેના બોક્સનું ઉત્પાદન કરતા ઉદ્યોગકારોનો ધંધો ઘટીને તળિયે પહોંચ્યો છે. લોકોની ખરીદશક્તિ ઘટતા સાડી-ડ્રેસનું ઉત્પાદન ઓછું થયું છે. સરવાળે પેકાજિંગના ધંધાર્થીઓ પ0 ટકા ઉત્પાદન સાથે જેમ-તેમ કામકાજ ચલાવી રહ્યા છે.  

સાડી-ડ્રેસના પેકિંગ કરવા માટે વિવિધ પ્રકારના બોક્સનું ઉત્પાદન શહેરમાં થાય છે. વિવિધ ડિઝાઈનના બોક્સ માટે ડુપ્લેક્ષ પેપર, ગમ, ફિલમ, ફોઈલનો ઉપયોગ થાય છે. શહેરમાં લગભગ 35 જેટલા મોટા ધંધાર્થીઓ વિવિધ પ્રકારના નાના-મોટા બોક્સના ઉત્પાદનના કામકાજ સાથે સંકળાયેલા છે. જેની સાથે શહેરમાં 400 જેટલા વિવિધ સપ્લાયર જોડાયેલા છે. સાડી-ડ્રેસની વિવિધ વેરાયટીનું આકર્ષક પાકિંગ કરવા માટે બોક્સ ઉત્પાદકોએ વેપારીઓ સામે રૂા. 15થી શરૂ કરીને રૂા. 50 સુધીની કિંમતના વિવિધ શ્રેણીના બોક્સનું ઉત્પાદન કરે છે. જેમાં બે પીસ બોક્સ અને ત્રણ પીસ બોક્સનો સમાવેશ થાય છે.  

શહેરના જાણીતા બોક્સ ઉત્પાદક આઈડેલ ગ્રાફિક્સના સંજીવભાઈ ઝા કહે છે કે, શહેરમાં એક દિવસમાં 25 લાખથી વધુ બોક્સનું ઉત્પાદન થાય છે. આ બોક્સ સાડી, ડ્રેસ ઉત્પાદન કાપડની વેરાયટીઓના પાકિંગમાં વપરાશમાં લેવાય છે સાથે ડેરી ઉત્પાદકોના પાકિંગ માટે અને બીજા અન્ય ક્ષેત્રે બોક્સનો મોટો વપરાશ થાય છે. કાપડ ઉદ્યોગમાં તેજીનો સમયગાળો હોય તો શહેરમાં રોજના એક લાખ આજુબાજુ બોક્સની જરૂર રહે છે. હાલ મંદીનો સમય ચાલી રહ્યો છે. છેલ્લા છ માસથી સ્થિતિ વધુ બગડી છે. હાલમાં સાડી, ડ્રેસ અને લહેંગાના પાકિંગ માટે સરેરાશ 30થી 35 હજાર બોક્સની જરૂર રહે છે.  કોરોના બાદથી દરેક ઉત્પાદકોને કાચામાલના ભાવવધારોનો સામનો કરવો પડ્યો છે. બે વર્ષમાં તૈયાર બોક્સની કિંમતમાં 40 ટકાનો વધારો થયો છે. સામે ઉત્પાદન પણ ઘટ્યું છે. અગાઉ કરતા અડધા કરતા વધુ ઉત્પાદન ઘટ્યું છે.  

કાપડ માર્કેટના બોક્સ સપ્લાયર અને ઉત્પાદક મનિષભાઈ કુમાવત કહે છે કે, બોક્સ ઉત્પાદનો ખર્ચ રૂા. 15 થી 30નો થાય છે. જેમાં રૂા. 5 મજૂરી ખર્ચ આવે છે. જેમાં બોક્સ ફોલ્ડિંગનો સમાવેશ થાય છે. પાછલા બે વર્ષમાં બોક્સ બનાવટની મજૂરીના ખર્ચમાં પણ વધારો થયો છે. જેના લીધે પણ તૈયાર ઉત્પાદન મોંઘું બન્યું છે. બે વર્ષમાં 40 ટકા જેટલો ભાવવધારો ઝીંકાયો છે. કાચામાલમાં ભાવવધારાને કારણે નાછૂટકે ઉત્પાદકોએ પણ ભાવવધારો કરવો પડ્યો છે. હાલ તો બજારમાં ભારે મંદીના કારણે મોટાભાગના ઉત્પાદકોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી ઉત્પાદન કાપ અમલમાં મૂક્યો છે. 

અગામી મહિને શરૂ થતી તહેવારોની સિઝનમાં માર્કેટમાં બહારગામની ગ્રાહકી નીકળે તો સ્થિતિ સુધરે અન્યથા આખુ વર્ષ સ્થિતિ જૈસે થે રહે તેમ છે. કાપડ માર્કેટમાં સાડીનો વેપાર કરતા પુરૂષોત્તમ બયાની કહે છે કે, એક સમયે અમે વર્ષના દોઢ લાખ બોક્સનો ઓર્ડર આપતા હતા. ચાલુ વર્ષે ધંધો ઘટીને અડધો-અડધો થયો છે. આ વર્ષે અમે 70 હજાર બોક્સનો જ ઓર્ડર આપ્યો છે. એમાંય વળી તહેવારોમાં સારી ઘરાકી નીકળે તો બોક્સની ખપત થશે અન્યથા આગળના ઓર્ડરમાં તેનો ઉપયોગ કરીશું.  

તેઓ ઉમેરે છે કે, બોક્સ પાકિંગના કારણે તૈયાર માલની કિંમત વધે છે. માલનું વેચાણ વધે તે માટે ઘણા ગ્રાહકો બોક્સના બદલે પ્લાસ્ટિક કે કાપડની થેલીમાં પાકિંગની માગ કરતા થયા છે. આ સિવાય સૌથી મોટો પ્રશ્ન કાપડ માર્કેટમાં બહારગામના પેમેન્ટની મોટી સમસ્યા છે. પેમેન્ટ મોડા પડવાને લીધે વેપારીઓની આર્થિક ભીંસ વધી છે. આગામી મહિનાથી શરૂ થતા તહેવારોમાં આ મામલે સ્થિતિ સુધરે તેવી આશા છે.  

અગ્રલેખ
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.