• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

ગુજરાત-મહારાષ્ટ્રમાં ચક્રવાત સાથે વરસાદની ચેતવણી  

અમારા પ્રતિનિધિ તરફથી  

અમદાવાદ, તા. 6 જૂન  

બિપોરજોય વાવાઝોડાની શક્યતાઓના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં વાતાવરણ બદલાશે. જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે. અરબી સમુદ્રમાં હળવા દબાણનો પટ્ટો તૈયાર થયો હોવાથી આગામી બે દિવસમાં તે ચક્રવાતમાં ફેરવાઈ જશે. 

ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ આ ચક્રવાતી તોફાનની અસર જોવા મળશે. જેમાં આજે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન રચાયું હતું. જે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર તરફ આગળ વધવાથી તીવ્ર થવાની સંભાવના છે.  વાવાઝોડાની અસરના પગલે અમદાવાદમાં બે દિવસ 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાઇ શકે છે. જોકે, આગામી પાંચ દિવસ અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે. ત્યારે 12થી 17 જૂન વરસાદની 70 ટકા સંભાવના છે. 

હવામાન વિભાગે જણાવ્યું કે 7 જૂન સુધી ચક્રવાત બિપોરજોયના કારણે ભારે વાવાઝોડા સાથે વરસાદ પડશે. પવનની ઝડપ 50 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે. ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારે પવનની જેમ વરસાદ પડી શકે છે. આ સાથે પાટણ, મોડાસા, મહેસાણા સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 

ઉપરાંત 10 જૂને ગુજરાત પાસેથી વાવાઝોડું પસાર થશે. ગુજરાતનાં દરિયા કિનારાનાં ગામોને થોડી અસર થવાની સંભાવનાં છે. જેમાં ઉના, વેરાવળ, માંગરોળ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા તેમ જ કચ્છના નલિયા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.  ભારે વરસાદના ઍલર્ટને પગલે એસડીઆરએફની ટીમોને પણ ઍલર્ટ કરી દેવામાં આવી છે. રાજ્ય પ્રશાસને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. સ્થાનિક સ્તરે અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. ગુજરાતનાં તમામ બંદરોએ વાવાઝોડાની ચેતવણી દર્શાવતી નિશાનીઓ મૂકવાની સલાહ હવામાન વિભાગે આપી છે.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ અૉથોરિટીએ આપેલી માહિતી મુજબ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેમાં છેલ્લા બે મહિનામાં 52 વ્યક્તિનાં મૃત્યુ થયાં છે અને 61 લોકોને ઇજા પહોંચી છે તેમ જ 428 પશુનાં મૃત્યુ થયાં છે. જ્યારે 3825 મકાનને નુકસાન થયું છે.

અગ્રલેખ
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.