નિકાસ અને સ્થાનિક માગમાં ઘટાડો
બ્રાસનું સ્થાન સ્ટીલ અને લોખંડની ચીજો લેવા લાગી
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 6 જૂન
બ્રાસ ક્રેપના ભાવમાં ભારેખમ વધઘટને લીધે વેપાર અસ્તવ્યસ્ત થઈ ગયો છે. એકતરફ વૈશ્વિક મંદીની અસર નિકાસ બજારની સાથે સ્થાનિક બજારમાં પણ વર્તાવા લાગી છે અને બીજું ક્રેપના ભાવ અસ્થિર બની જતા ખરીદ વેચાણમાં મુશ્કેલી સર્જાય છે, એમ બ્રાસ પાર્ટસના ઉત્પાદકોએ કહ્યું હતું.
જામનગર ફેક્ટરી ઓનર્સ ઍસોસિયેશનના લાખાભાઈ કેશવાલા કહે છે કે, બ્રાસપાર્ટસમાં માગની મંદી વ્યાપક છે. નિકાસ બજાર ખાસ્સી પ્રભાવિત થઈ છે. ચીન સહિતના દેશોમાંથી માગ ઓછી થઇ ગઈ છે. લોકલ બજારમાં પણ મોંઘવારી અને બ્રાસપાર્ટસના વિકલ્પો થઈ જતા માગ પર અસર પડી છે. તેમણે કહ્યું કે, ક્રેપના ભાવમાં ભારે ઉથલપાથલ થઈ રહી છે. સપ્તાહમાં કિલોએ રૂા. 30-40ની વધઘટ સામાન્ય બની ગઈ છે. બ્રાસ ક્રેપનો ભાવ રૂા. 480-485 તાજેતરમાં હતો તે ઘટીને રૂા. 440-445 સુધી આવી ગયો છે. વધઘટ પણ ઝડપથી થતી હોવાથી વેપારમાં મુશ્કેલી પડે છે. ભારતમાં બ્રાસક્રેપની માગના 85 ટકા જથ્થાની આયાત કરતો હોય છે એટલે વિદેશી બજારની હલચલ ત્વરિત અસર કરે છે. બ્રાસ ક્રેપમાં ચીન અને ભારત મોટા આયાતકાર છે અને બન્નેની આયાતમાં મોટો ઘટાડો પણ થયો છે.
તેમના કહેવા પ્રમાણે બ્રાસક્રેપ મોંઘો થયો છે અને ઉત્પાદન પડતર પણ વધી જવાને લીધે પાર્ટસના ભાવ ઊંચા ગયા છે, પરિણામે હવે સ્ટીલ અને લોખંડમાંથી પણ અલગ અલગ પાર્ટસનું ઉત્પાદન શરૂ થઇ ગયું છે એ પણ નડી રહ્યું છે. બ્રાસ કરતા વધારે મજબૂતી સ્ટીલમાં મળે છે એટલે ઘણાબધા ઓટોપાર્ટસ અને હાર્ડવેરમાં પણ હવે સ્ટીલનો પેસારો વધી ગયો છે.
હાર્ડવેરમાં દરવાજાના હેન્ડલ, મજાગરા, અલ્ડ્રાફ અને નળમાં માત્ર અંદરના પાર્ટ સિવાય આખામાં સ્ટીલનો વપરાશ થવા લાગ્યો છે. એ બ્રાસપાર્ટસની માગને અવરોધે છે.
ચીનમાં બ્રાસપાર્ટસની બદલે બિલેટસની આયાત થાય છે અને એમાંથી રોડસ બનાવીને ચીન પોતાની રીતે પ્રોડક્ટ તૈયાર કરે છે. બિલેટસ જામનગરથી નિકાસ થતા હોય છે, પણ હાલ ત્યાંની માગ ઠંડી છે. ત્યાં ફેક્ટરી ઉત્પાદન નબળા પડી ગયા છે એની અસર વર્તાય છે. જામનગર અને આસપાસના વિસ્તારોમાં 7 હજાર કરતા વધારે એકમો બ્રાસપાર્ટસનું ઉત્પાદન કરે છે.