કાચા માલ અને મજૂરીને લીધે બધી ચીજોના ભાવ વધ્યા
અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા. 6 જૂન
નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઈ ગયો છે એ પૂર્વે વડોદરામાં મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્ટેશનરી તેમજ યુનિફોર્મ અને બુટ ચંપલ તેમજ સ્કૂલ બેગની ખરીદી માટે બજારમાં ઉમટી પાડ્યા હતા.જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાલીઓને ખરીદીમાં ભાવ વધારાનો કડવો ઘૂંટ પીવો પડ્યો છે. કારણકે તમામ ચીજો મોંઘી થઈ ગઈ છે. સ્ટેશનરી, સ્કૂલ બેગ અને યુનિફોર્મના ભાવમાં 15થી 20 ટકાનો વઘારો થઈ ગયો છે. આમ બાળકોના શેક્ષણિક બજેટ માટે વાલીઓને બીજા ખર્ચાઓમાં કાપ મૂકવો પડે તેવી સ્થિતિ છે. મળતી વિગતો પ્રમાણે 1500થી 1600 રૂપિયાની યુનિફોર્મની જોડ ભાવ 2000થી 2200 રૂપિયા થઈ ગયો છે. નોટબુકના ભાવમાં પણ ધરખમ વઘારો જોવા મળ્યો છે.
વેપારીઓનું કહેવું છે કે કાગળના ભાવ વધવાને કારણે સ્ટેશનરીના અને કાપડના ભાવ વધવાને યુનિફોર્મના ભાવ વધ્યા છે. આ ઉપરાંત મજૂરી પણ મોંઘી થઈ છે. અને તેની અસર સ્કૂલ પ્રોડક્ટ્સ પર પણ પડી રહી છે. વેપારીઓનું કહેવું છે કે ભાવવધારાની અસર ગ્રાહકો ને જ નહીં, પરંતુ વેપારીઓને પણ 10થી 15 ટકા વર્તાઈ છે. કોરોનાકાળથી અૉનલાઈન શિક્ષણના કારણે વેપારીઓને અસર થઈ હતી. ત્યારબાદ 2022માં પણ કોરોનાના કારણે વેપારીઓ પર અસર થઈ હતી. ત્યારે આ શૈક્ષણિક વર્ષમાં ભાવવઘારો થવાને કારણે નવી સ્ટેશનરી કિટની ખરીદી કરનારા વર્ગની સંખ્યા ઘટી છે.