• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

તુવેર રૂ. 10,000 પ્રતિ ક્વિન્ટલને પાર, આવક 23 ટકા ઘટી 

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 6 જૂન 

દેશમાં તુવેરની આવક ઓછી થવાને કારણે સપ્લાય ખૂબ જ તંગ થઈ ગઇ છે જેના કારણે ઘણી મંડીઓમાં તેના ભાવ 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલને પાર કરી ગયા છે. આ ભાવ વર્તમાન કેલેન્ડર વર્ષમાં સૌથી ઉંચા છે. આયાતી તુવેરની અછતને કારણે જૂનની શરૂઆતમાં આ ભાવ થવાની ધારણા હતી, પરંતુ તુવેર આ ભાવને સ્પર્શી ચૂકી છે. 

મધ્યપ્રદેશની ઈન્દોર મંડીમાં મહારાષ્ટ્રની તુવેર 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને કર્ણાટકની તુવેર 10,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે 

ઓફર કરવામાં આવી રહી છે. ચેન્નાઈમાં લેમન તુવેરની કિંમત 9450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને જુલાઈની ડિલિવરી 1190 ડોલર પ્રતિ ટન પર પહોંચી ગઈ છે. છેલ્લા ચાર-પાંચ દિવસમાં તુવેરની કિંમત 600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી વધી ગઈ છે. ભારત જે દેશોમાંથી તુવેરની આયાત કરે છે તેમને ખબર છે કે ભારતમાં તેની અછતને કારણે ભાવ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં આ ઉત્પાદક દેશોમાં પણ તુવેરના ભાવ વધી રહ્યા છે. બીજી તરફ કેન્દ્ર સરકાર તુવેરના વધતા ભાવને રોકવા માટે એક પછી એક પગલા લઈ રહી છે પરંતુ તેની કોઈ અસર જોવા મળી રહી નથી. 

કઠોળ ઉદ્યોગ સાથે સંકળાયેલા સંગઠનો સરકારને તુવેરને બદલે ચણા, મસૂર, વટાણાનો ઉપયોગ વધારવા પર ભાર આપવાનું કહી રહ્યા છે, પરંતુ સરકાર આ અંગે કોઈ પગલું ભરી રહી નથી. દેશમાં અત્યાર સુધીમાં લગભગ આઠ લાખ ટન તુવેરની આયાત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ આયાત વધવાની શક્યતા છે. 

કૃષિ મંત્રાલયના અંદાજ મુજબ, તુવેરનું ઉત્પાદન 2022-23 પાક વર્ષ (જુલાઈ-જૂન)માં 13.1 ટકા ઘટીને 36.7 લાખ ટન થવાનો અનુમાન છે. જોકે, બજારના સહભાગીઓનો અંદાજ છે કે આ વર્ષે તુવેરનું વાસ્તવિક ઉત્પાદન 30 લાખ ટન કરતાં ઓછું રહેશે. ખરીફ સિઝન દરમિયાન ભારતના કઠોળના ઉત્પાદનમાં તુવેરનો હિસ્સો લગભગ 50 ટકા છે. 

નિષ્ણાતો અલ-નીનોની સ્થિતિને કારણે ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા વિશે પણ ચિંતિત છે, જે ખરીફ કઠોળના ઉત્પાદનને અસર કરી શકે છે. જોકે, સ્થાનિક બજારમાં ઊંચા ભાવને કારણે આ વર્ષે તુવેર અને અડદના વાવેતરમાં વધારો થવાની ધારણા છે. જો ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેશે તો ઉત્પાદકતા પર અસર થવાની શક્યતા છે. ભારત તેની મોટાભાગની તુવેર દાળ મ્યાનમાર અને પૂર્વ આફ્રિકન દેશો જેવા કે માલાવી, મોઝામ્બિક અને તાંઝાનિયામાંથી આયાત કરે છે. 

દેશની વિવિધ મંડીઓમાં 1-29 મે 2023 દરમિયાન તુવેરની આવક 84529.98 ટન રહી છે, જે 1-29 મે 2022ની દરમિયાન 110254 ટન હતી, આવી રીતે તુવેરની આવકમાં 23.33 ટકા ઘટી છે.

અગ્રલેખ
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.