• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

અદાણી ગ્રુપે લોનની આગોતરી ચુકવણી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું  

નવી ખરીદીની ગતિ ધીમી કરી

મુંબઈ, તા. 6 જૂન 

અદાણી ગ્રુપે રોકડને જાળવવા અને લોનની આગોતરી ચૂકવણી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ કારણસર નવી અસ્કયામતો ખરીદવા ઉપરથી ધ્યાન હટાવ્યું છે, એમ જણાવતા બૅંકર્સે કહ્યું કે, આ વર્ષના જાન્યુઆરીથી ગ્રુપે મેક્વેરીની રોડ એસેટ્સ ખરીદવાનો સોદો રદ કરવા ઉપરાંત અનેક એક્વિઝિશન્સની તકોને પાછી ખેંચી લીધી છે. આમાં પાવર પ્લાન્ટ્સ, રિટેલ કંપની, પાવર ટ્રેડર અને રોડ પ્રોજેક્ટ્સનો સમાવેશ છે.  

એક ઇન્વેસ્ટમેન્ટ બૅન્કરે કહ્યું કે, આ વર્ષની શરૂઆત થઈ ત્યાં સુધી બૅન્કર્સ અદાણી ગ્રુપ સાથે દરેક અસ્કયામતના વેચાણ માટે પ્રસ્તાવ મૂકતા હતાં. પરંતુ હવે ગ્રુપ સ્ટ્રેસ્ડ એસેટ્સ હસ્તગત કરવાને બદલે તેમના વર્તમાન બિઝનેસને વિસ્તારવા ઉત્સુક છે. તેથી નવા એક્વિઝિશન્સની ગતિ ધીમી કરી છે.  

આ વર્ષે જાન્યુઆરીમાં અદાણી ગ્રુપ છત્તીસગઢમાંના દેવાગ્રસ્ત કોલસા આધારિત પાવર પ્લાન્ટ એસકેએસ પાવરને હસ્તગત કરવાની રેસમાંથી ખસી ગયું હતું. ફેબ્રુઆરીમાં ગ્રુપે રૂા. 7000 કરોડની એન્ટરપ્રાઈઝ વેલ્યુએશન ધરાવતી ડીબી પાવરની થર્મલ પાવર એસેટ્સ હસ્તગત કરવાની યોજનાને રદ કરી હતી. આ જ મહિનામાં પાવર ટ્રેડર પીટીસી ઇન્ડિયાને હસ્તગત કરવાની ઓફર પાછી ખેંચી લીધી હતી. ગ્રુપની સંયુક્ત સાહસ કંપનીએ ફ્યુચર રિટેલની અસ્કયામતો ખરીદવા માટેનો ઇરાદો જાહેર કર્યો હતો, પણ ગ્રુપે તે માટે ઓફર કરી ન હતી. ગયા સપ્તાહે અદાણી એન્ટરપ્રાઈઝે જણાવ્યું હતું કે તે રૂા. 3100 કરોડનું મૂલ્યાંકન ધરાવતી મેક્વેરી ગ્રુપની બે રોડ કંપનીઓને હસ્તગત નહીં કરે.  

બૅન્કર્સે જણાવ્યું કે એક્વિઝિશન રેસમાંથી ગ્રુપની ગેરહાજરીએ એવી વિદેશી ખાનગી ઇક્વિટી કંપનીઓને તક આપી છે, જેઓ ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ખરીદી કરવા ઉત્સુક છે. અમેરિકાની ખાનગી ઇક્વિટી કંપની બ્લેકસ્ટોન અને કેકેઆરના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ સારું વળતર આપતા ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા ઉત્સુક છે.  

આગામી મહિનાઓમાં ગ્રુપ અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જીમાં શૅર વેચીને રૂા. 29,000 કરોડ એકત્ર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેમાંથી મળેલી રકમનો ઉપયોગ દેવું ચૂકવવા અને તેની વર્તમાન ક્ષમતા વિસ્તરણ માટે ભંડોળ પૂરું પાડવા માટે કરશે. ગ્રુપ તેની ફાઈનાન્શિયલ સર્વિસીસ કંપની અદાણી કેપિટલને પણ લિસ્ટ કરવા પર વિચાર કરી શકે છે.

અગ્રલેખ
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.