• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

કાર ડીલર્સ પાસે વણવેચાયેલાં વાહનોના ઢગલા : ઉત્પાદન ઘટાડવા હિલચાલ

મુંબઈ, તા. 6 જૂન 

પેસેન્જર વાહનોના રિટેલ વેચાણમાં મે મહિનામાં વાર્ષિક ધોરણે ચાર ટકાની વૃદ્ધિ થઈ હોવા છતાં ડીલર્સ પાસે વણવેચાયેલાં વાહનોનું પ્રમાણ વધીને 40-45 દિવસનું થયું છે, એમ સૂત્રો જણાવે છે.  

ડીલર્સે વધુ માગ હોય તેવા મોડેલ મેળવવા માટે કાર નિર્માતાઓ સાથે ઉત્પાદન યોજનાઓમાં સુધારો કરવા માટે વાટાઘાટ શરૂ કરી છે. 

ફેડરેશન અૉફ અૉટોમોબાઈલ ડીલર્સ ઍસોસિયેશન (ફાડા)ના અધ્યક્ષ મનીષ રાજ સિંઘાનિયાએ કહ્યું કે, આનો અર્થ એ કે થોડા મહિનાઓ માટે ઓરિજિનલ ઈક્વિપમેન્ટ ઉત્પાદકો (ઓઈએમ) માટે વૉલ્યુમમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ અમે આ વિશે ઓઈએમ સાથે વાતચીત શરૂ કરી છે. વ્યાજદરો ઊંચા હોવાથી 21 દિવસથી વધુની કોઈપણ ઈન્વેન્ટરી ડીલરને ખૂંચે છે.  

ફાડાના આંકડા અનુસાર પેસેન્જર વાહન માટેની ઇન્વેન્ટરીના દિવસો ધીમે ધીમે વધી રહ્યા છે. માર્ચમાં તે 37-39 દિવસ હતા તે વધીને એપ્રિલમાં 39-41 દિવસ અને મેમાં 40-45 દિવસ થયા હતા. પેસેન્જર વાહનનું રિટેલ વેચાણ આઠ મહિના સુધી વધ્યા પછી એપ્રિલમાં વાર્ષિક ધોરણે એક ટકા ઘટ્યું હતું.  

સિંઘાનિયાએ જણાવ્યું કે ડીલરો પેસેન્જર વાહનના વધતા જથ્થાથી ચિંતિત છે. અહીં બે મુદ્દા પ્રવર્તે છે - ડીલર પાસે તંદુરસ્ત અૉર્ડર બુક્સ છે, જે માટે બે મહિનાથી એક વર્ષ સુધીનો રાહ જોવાનો સમયગાળો છે. બીજી તરફ ડીલરો પાસે કેટલાક મોડેલ્સના ઢગલા થઈ રહ્યા છે. ગ્રાહકોને યોગ્ય સમયે યોગ્ય વાહન નથી મળી રહ્યું. 

તેમણે ઉમેર્યું કે ઊંચી માગ ધરાવતા કેટલાક મોડેલ્સ (મુખ્યત્વે સ્પોર્ટ યુટિલિટી વેહિકલ્સ) સારી રીતે વેચાઈ રહ્યા છે. તેને કારણે ઓછાં વેચાતાં મોડલ્સ થોડા સરભર થાય છે, પરંતુ વધતી ઇન્વેન્ટરીઝને કારણે સપ્લાય ચેઇન અને ડીલરોની વધુ સંગ્રહની ક્ષમતા ઘટી શકે છે. દેશની સૌથી મોટી પેસેન્જર કાર નિર્માતા મારુતિ સુઝુકી ઈન્ડિયા એ વાતે સહમત છે કે ઈન્વેન્ટરીનું સ્તર વધી રહ્યું છે. માર્કાટિંગ અને સેલ્સના સિનિયર એક્ઝિક્યુટિવ અૉફિસર શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે તાજેતરના મહિનાઓમાં ઈન્વેન્ટરી 1 એપ્રિલના 2,04,000 યુનિટથી વધીને 1 મેના રોજ 2,50,000 યુનિટ્સ અને તે વધીને 1 જૂન સુધીમાં 2,62,000 યુનિટ્સ પર પહોંચી ગઈ છે. કારણ કે રિટેલ કરતાં હોલસેલ વેચાણ વધુ ઝડપથી વધ્યું છે.  

જોકે, તેમણે ઉમેર્યું હતું કે તમામ મોડેલ્સમાં ઈન્વેન્ટરી સ્તર 45 દિવસ જેટલું ઊંચું નથી. ઉદ્યોગની સરેરાશ 30 દિવસથી ઓછી હશે. કેટલાક મૉડલ્સમાં 40 દિવસથી વધુનું ઇન્વેન્ટરી લેવલ હોઈ શકે છે. આ એટલા માટે છે કારણ કે સરેરાશ રિટેલ વેચાણ દર મહિને આશરે 3,20,000 યુનિટ્સ છે. એમએસઆઈએલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની જૂનમાં 10 દિવસ માટે નિયમ મુજબ કામગીરી બંધ રાખે છે અને તે કારણોસર મે મહિનામાં વધારાની કાર સપ્લાય કરવી જરૂરી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે બજારની માગને આધારે કેટલાક એન્ટ્રી લેવલ મોડેલનું ઉત્પાદન ઘટાડ્યું છે. સોસાયટી અૉફ ઈન્ડિયન અૉટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિઆમ)ના આંકડા દર્શાવે છે કે એપ્રિલમાં મારુતિએ અલ્ટો અને પ્રેસોના 16,918 યુનિટ્સનું ઉત્પાદન કર્યું હતું, જે એપ્રિલ 2022માં 22,655 હતું. એપ્રિલમાં આ મોડલ્સના વેચાણમાં પણ 21.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

અગ્રલેખ
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.