• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

તુવેર, અડદ અને મસૂરદાળ ઉપરની 40 ટકા પ્રાપ્તિની ટોચમર્યાદા હટાવાઈ  

ખેડૂતોને કઠોળનો પાક વધુ લેવા માટે પ્રોત્સાહિત કરવા કેન્દ્ર સરકારનો નિર્ણય

એજન્સીસ

નવી દિલ્હી, તા. 6 જૂન

કેન્દ્ર સરકારે તુવેર, અડદ અને મસૂરની દાળ (કઠોળ)ની 40 ટકાની પ્રાપ્તિ (સરકારી ખરીદી)ની ટોચમર્યાદા વર્ષ 2023-24 માટે પ્રાઈસ સપોર્ટ સ્કીમ અૉપરેશન્સ હેઠળ દૂર કરી છે. ટોચમર્યાદા દૂર કરવાના નિર્ણયથી દેશમાં કઠોળનાં ઉત્પાદનને વેગ મળશે, એમ કેન્દ્ર સરકારે જણાવ્યું છે.આગામી ખરીફ અને રવી મોસમમાં તુવેર, અડદ અને મસૂરનું વધુ વાવેતર કરી ખેડૂતોને ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી તેની પ્રાપ્તિની ટોચમર્યાદા દૂર કરવામાં આવી હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું છે.

ભૂ-રાજકીય પરિબળો અને વિષમ આબોહવાના કારણે ઘઉં અને ચોખાનાં ઉત્પાદનને અસર થઈ છે અને આ બન્ને જણસો મોંઘી રહી છે. તેના પગલે તુવેરની દાળની આયાત કરવી પડે તેવા સંજોગો નિર્માણ થયા હોવાથી આગામી ખરીફ અને રવી મોસમમાં તુવેર સાથે અડદ અને મસૂરના વાવેતર અને ઊંચા પાકને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે પ્રાપ્તિની 40 ટકાની મર્યાદા દૂર કરી છે અને આગામી મોસમમાં ખેડૂતોને ટેકાના ઊંચા ભાવ આપવાનો સંકેત કર્યો છે.

આ ઉપરાંત દેશને કઠોળનો પુરતો પુરવઠો મળી રહે તથા આયાત ઉપર મદાર ઓછો રાખવો પડે તે ગણતરી સાથે સરકાર ખેડૂતોને કઠોળનાં વાવેતર માટે ઉત્સાહિત કરવા કઠોળનાં ટેકાનાં ભાવમાં છથી આઠ ટકાનો વધારો કરે તેવી સંભાવના છે. જો આ અનુમાન સાચું પડે તો તુવેર તથા અડદના ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ 7000 રૂપિયા થઇ શકે છે. જે હાલમાં 6600 રૂપિયાની સપાટીએ છે.  જ્યારે મગનાં ટેકાનાં ભાવ જે હાલમાં ક્વિન્ટલ દિઠ 7755 રૂપિયા છે તે હવે વધીને 8450 રૂપિયા થઇ શકે છે. આંકડા બોલે છે કે ગત જાન્યુઆરી-23થી દેશમાં કઠોળનાં ભાવ વધ્યા છે કારણ કે તાજેતરનાં માવઠાંના કારણે કઠોળને નુકસાન થયું હોવાના અને પાકના ઉતારા ઘટ્યા હોવાના અહેવાલો પ્રકાશિત થયા હતા. બીજીતરફ કઠોળના ભાવ વધ્યા હોવાથી સારા વળતરની આશાઐ આગામી સિઝનમાં ખેડૂતો કઠોળનાં વાવેતરમાં વધારો કરે તેવી પણ શક્યતા છે.

અગ્રલેખ
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.