• શુક્રવાર, 01 માર્ચ, 2024

કાશ્મીરનાં સફરજનના ભાવ દાયકાની ટોચ ઉપર

નવી દિલ્હી, તા. 28 નવે. 

કાશ્મીરમાં એ ગ્રેડના સફરજન ઉગાડનારાઓ હાલમાં અત્યંત ખુશ છે કારણ કે અત્યારે સારી ગુણવત્તાવાળા સફરજનના ભાવ આસમાને છે. આ સફરજનના છેલ્લાં દસ વર્ષના સૌથી ઊંચા ભાવ ચાલી રહ્યા છે. કાશ્મીર ઉત્તર ભારતનું ફ્રુટ બાઉલ કહેવાય છે અને હાલમાં ત્યાં ઉગેલા સફરજન ફળોની બજારમાં ધૂમ મચાવી રહ્યાં છે કારણ કે સફરજનની માગ કરતાં તેનું ઉત્પાદન ઘણું ઓછું છે.

કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષે સફરજનના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે તેના કારણે આ વર્ષે તેના ભાવ 50 ટકા વધુ છે. 2007-08 પછી સૌપ્રથમવાર કાશ્મીરના સફરજન સૌથી ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે. તેના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થતાં ભાવ ઊછળ્યા છે, એમ કાશ્મીરથી દક્ષિણમાં 52 કિ.મી. દૂર શોપિયાના જિલ્લાના સફરજનના ખેડૂત કેલ્લાર ગામના મોહમ્મદ અશરફ વાનીએ જણાવ્યું હતું.

હિમાચલ પ્રદેશમાં ગત ચોમાસામાં થયેલી તારાજીને કારણે સફરજનના પાકને અત્યંત માઠી અસર થઈ હતી. વિનાશક પૂરને કારણે હિમાચલના સફરજનના ઉત્પાદનમાં રૂા. 240 કરોડનું નુકસાન થયું હતું. દર વર્ષે ત્યાં 8 લાખ મેટ્રીક ટન સફરજનનું ઉત્પાદન થાય છે તેને બદલે આ વર્ષે 3 લાખ મેટ્રીક ટન એપલનું ઉત્પાદન થયું હતું. આ ઉપરાંત કાશ્મીરના હવામાનમાં થયેલા અસાધારણ પરિવર્તનને કારણે સફરજનનું ઉત્પાદન ઘટયું હતું.

કાશ્મીરમાં ભારતના સફરજનના કુલ ઉત્પાદનના 75 ટકા ઉત્પાદન થાય છે, અને લગભગ 18 લાખ મેટ્રીક ટન સફરજનની નિકાસ થાય છે. બાંગ્લાદેશ અને નેપાળમાં સફરજનની નિકાસ થાય છે.

સફરજનની કુલુ ડિલિશ્યસ વેરાઈટીનું 15 કિ.ગ્રા.નું બોક્સ હાલમાં રૂા. 1300-1600ના ભાવમાં વેચાય છે જે ગત વર્ષે રૂા. 700-800ના ભાવે વેચાતા હતા. સાદી ડિલિશ્યસ વેરાઈટીના સફરજન હાલમાં પ્રતિ 15 કિ.ગ્રા. રૂા. 1000-1300ના ભાવે વેચાય છે, જે ગત વર્ષે રૂા. 400-600ના ભાવે વેચાતા હતા.

શ્રીનગર નજીક સોપોરમાં એશિયાના બીજા ક્રમનું સૌથી મોટું સફરજનનું બજાર છે ત્યાં એ ગ્રેડના સફરજનના ભાવ ગત વર્ષ કરતાં બમણાં થઈ ગયા છે. 15 દિવસ પહેલા ત્યાં એ ગ્રેડના સફરજનના 15 કિલોના બોક્સનો રૂા. 1300-1400નો ભાવ ચાલતો હતો. 

જોકે ઈરાનથી સફરજનની આયાત શરૂ થતાં તેના ભાવ થોડા ઘટયા છે. આમ છતાં હાલમાં એ ગ્રેડના સફરજનના ભાવ પ્રતિ 15 કિલોના રૂા. 1000થી 1100 ચાલી રહ્યા છે જે ગત વર્ષે રૂા. 500-600 હતા, એમ સોપોર ફ્રુટ મંડીના પ્રમુખ ફયાઝ અહમદ મલિકે જણાવ્યું હતું.

આમ બજારમાં હાલમાં લોકપ્રિય ફળ સફરજનના ભાવ લગભગ વિક્રમ ઊંચાઈ પર છે. ગત વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં 21 લાખ મેટ્રિક ટન સફરજનનું ઉત્પાદન થયું હતું તેની સામે આ વર્ષે માંડ 9 લાખ મેટ્રિક ટન સફરજનનું ઉત્પાદન થયું હતું. એ ગ્રેડના સારી ગુણવત્તાવાળા સફરજનના ભાવ 50થી 100 ટકા સુધી વધ્યા છે, જ્યારે બી અને સી ગ્રેડના ભાવ તેના કરતાં ઓછા વધ્યા છે.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.