• શુક્રવાર, 01 માર્ચ, 2024

અદાણી ગ્રુપ કંપનીઓના શૅર્સ 20 ટકા સુધી ઊછળ્યા

હિન્ડનબર્ગના આક્ષેપો પાયાવિહોણા સાબિત થવાના સંકેત 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 નવે.

અદાણી ગ્રુપ વિરુદ્ધ અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ અને ઓસીસીઆરપીના અહેવાલોને `િવશ્વસનીય' ગણી શકાય નહીં અને હિન્ડનબર્ગ દ્વારા કરાયેલા આક્ષેપોને પણ `સત્ય' તરીકે સ્વીકારી શકાય નહીં, એવી ટકોર ગયા શુક્રવારે સુપ્રીમ કોર્ટે કર્યા બાદ ચુકાદો અનામત રાખતાં ત્રણ દિવસની જાહેર રજા બાદ આજે ખુલેલા શેરબજારમાં અદાણી ગ્રુપની કંપનીઓના શેર્સ 20 ટકા સુધી ઊછળ્યા હતા અને શૅરધારકોની મૂડીમાં રૂા. 1.2 લાખ કરોડનો વધારો થયો હતો.

આજના ઈન્ટ્રાડેમાં અદાણી ગ્રુપની વિવિધ કંપનીઓના  શેર ભાવમાં ઉછાળા બાદ બંદરોથી લઈને વીજળી નિર્માણ ધરાવતી કંપનીઓના સમૂહ અદાણી જૂથની માર્કેટ કેપમાં 15 અબજ ડૉલરનો વધારો થયો છે.

ગત 24 જાન્યુઆરીએ હિન્ડનબર્ગે અદાણી ગ્રુપની કંપનીઓના હિસાબમાં ગેરરીતિના આક્ષેપો કરતાં ગ્રુપ કંપનીઓની માર્કેટ કેપમાં મોટું ધોવાણ થયું હતું. ગ્રુપની તમામ 10 કંપનીઓના શેર્સ આજે સત્ર શરૂ થતાં જ ઊછળ્યા હતા. ઈન્ટ્રાડેમાં અદાણી ટોટલ ગૅસ આશરે 20 ટકા ઊછળ્યો હતો જ્યારે અદાણી એનર્જી સોલ્યુશન લિમિટેડ 19 ટકા વધ્યો હતો જ્યારે અદાણી એન્ટરપ્રાઈસીસ મે 2023 પછીના સૌથી મોટા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. અદાણી પાવરનો શેર બાવન સપ્તાહની ટોચે પહોંચ્યો હતો.  અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓમાં એનડીટીવી પાંચ ટકાથી વધુ, અંબુજા સિમેન્ટ્સ ત્રણ ટકાથી વધુ અને એસીસી બે ટકાથી અધિકના વધારા સાથે ટ્રેડમાં હતા.

અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યુ આજના ઉછાળા બાદ 138.48 અબજ ડૉલરની થઈ હતી જે હિન્ડનબર્ગના આક્ષેપો પૂર્વેની માર્કેટ કેપ કરતાં હજી 97 અબજ ડૉલર ઓછી છે. હિન્ડનબર્ગના આક્ષેપોને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ હીન કક્ષાના, બદઈરાદાપૂર્વક અને શેરધારકોને નુકસાન પહોંચાડવાના હેતુથી કરવામાં આવ્યા હોવાનું ભારપૂર્વક કહી હિન્ડનબર્ગ અને ઓસીસીઆરપીના અહેવાલોને નકારી કાઢ્યા હતા અને માર્કેટ નિયામક સેબી દ્વારા તપાસને સહકાર આપવાની તૈયારી દર્શાવી હતી.

સેબી વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી. વાય. ચંદ્રચુડને જણાવ્યું હતું કે સેબી હિન્ડનબર્ગ કેસની તપાસ માટે મુદત વધારો માગવા માગતી નથી.

ડી. આર. ચોકસી ફિનસર્વના સ્ટ્રેટેજિસ્ટ દેવેન ચોકસીએ આજની અદાણી શેર્સમાં રૅલી વિશે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓને અમુક રોકાણકારોએ એ રીતે સ્વીકારી છે કે હિન્ડનબર્ગના આક્ષેપોમાં સેબીને કોઈ તથ્ય જણાયું નહીં હોવાથી અદાણી સમૂહની કંપનીના શેર્સમાં ભારે ખરીદી કરી હતી.

સમીક્ષક અભય અગરવાલે જણાવ્યું કે મની મેનેજરોએ વેચાણ કાપી, લોન્ગ પોઝિશન લેતાં અદાણી ગ્રુપના શૅર્સમાં આજે આવેલી તેજીથી મને કોઈ આશ્ચર્ય થયું નથી.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.