• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

કેરીના રસ સાથે સુરતમાં ખવાય છે સરસિયા ખાજાં   

લોકલ તથા વિદેશમાં ભારે માગ : સુરતના મેંગો, ચોકલેટ, મીઠા ખાજાનું સ્વાદપ્રિય જનતાને આકર્ષણ 

અમારા પ્રતિનિધિ તરફથી  

સુરત, તા. 26 મે 

સુરત શહેરની ભોજનની દરેક આઇટમ ભારે લોકપ્રિય છે.  સુરતી લોચો, ખમણ, ઘારી, ભુસું, ઊંધિયુ હોય કે પછી સુરતી ખાજા. સુરતીઓ કેરીના રસ સાથે સરસિયા ખાજાને ભરપેટ આરોગે છે. આ વર્ષે તો લોકોને મનભરીને કેરી આરોગવા મળી નથી એ વાત અલગ છે. આમ છતાં મોટાભાગના કેરીના રસ સાથે સરસિયા ખાજાનો સ્વાદ માણવાનું ચૂક્યા નથી. એવું નથી કે સુરતના સરસિયા ખાજા માત્ર ઘરઆંગણે જ ખવાય છે. કેરીના રસ સાથે આરોગાતા સરસિયા ખાજાની વિદેશોમાં પણ ભારે માગ છે.  

આ વર્ષે ત્રણથી ચાર વખત કમોસમી વરસાદ પડતાં કેરીની મજા બગડી છે. લોકોને સારી ગુણવત્તાવાળી કેરી આરોગવા મળી નથી પરંતુ કેરીના રસ સાથે ખવાતા મરીવાળા સરસિયા ખાજા બનાવવાનું ફરસાણની દુકાનદારોએ શરૂ કરી દીધું છે. કેરીની સિઝનમાં સામાન્યત: એક દુકાનદાર સરસિયા ખાજાનું વેચાણ કરીને અંદાજે દસેક લાખથી વધુનો વેપાર કરતા હોય છે. 

કેરીની સિઝન શરૂ થતાં સ્વાદ રસિયા સુરતીઓની લાંબી કતારો સરસિયા ખાજાના પરંપરાગત વિક્રેતાઓને ત્યાં જોવા મળે છે. મેંગો, ચોકલેટ, મીઠા ખાજા લોકોની પહેલી પસંદ બન્યા હોય એમ કહી શકાય છે. ખાજા 25 દિવસ સુધી બગડતા નથી. જેના કારણે લોકો ઓનલાઇન ઓર્ડર આપીને સુરતમાંથી બનતા ખાજા મગાવતા હોય છે.  

શહેરના ભાગળ પાસે 40 વર્ષથી ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા જૂના અને જાણીતા સુરતી ખાજાના વિક્રેતા હરિશભાઈ જોશીએ જણાવ્યું હતું કે, કેરીની સિઝન શરૂ થતાંની સાથે જ અસ્સલ સુરતી પરિવારોએ ફરસાણની દુકાનવાળાઓને સ્પેશિયલ સરસીયા ખાજાના ઓર્ડર આપવાના શરૂ કરી દીધા છે. પહેલા અઠવાડિયામાં સારા ઓર્ડરો મળ્યા છે. સરસિયા ખાજા, મેંગો ખાજા, મીઠા ખાજા, ચોકલેટ ખાજા વગેરેની માગ છે. જેની કિંમત રૂપિયા 300થી 700 પ્રતિકિલો છે. ગત વર્ષે ખાજાનું રૂા. 270થી 600માં વેચાણ થયું હતું. 

ભવાની ખાજા વેચનાર કિશોરભાઈ પટેલ જણાવે છે કે, સરસિયા ખાજા સુરતીઓની પોતીકી ફરસાણ વાનગી ગણાય છે. લોકોને ખાજા ચટાકેદાર, તીખા તમતમતા જ ખાવાની મજા આવે, પણ હવે લોકો મીઠા ખાજાની પણ એટલી જ ડિમાન્ડ કરી રહ્યા છે. સુરતીઓ સરસીયા ખાજા ખાસ કરીને ઓર્ડર આપીને બનાવડાવે છે. આ વર્ષે શરૂઆતથી ખાજાની ડિમાન્ડ વધુ છે. પરંતુ તેના કારીગરો મર્યાદિત હોવાથી વધુ માત્રામાં ખાજા બનતા નથી. 

છેલ્લાં 30 વર્ષ ફરસાણના વેપાર સાથે સંકળાયેલા પ્રમુખ ફરસાણના વિક્રેતા નરેશભાઇ ચૌહાણ જણાવે છે કે, આજકાલ ભલે સરસિયા ખાજાના નામથી લોકો વાનગી ખરીદતા હોય પણ માંડ પાંચથી 10 ટકા લોકો જ સરસીયા ખાજા ખાસ ઓર્ડર આપીને બનાવે છે. મેંદો અને સરસિયા તેલની વાનગી પચાવવી અઘરી છે. એટલે આજકાલ મોટા ભાગના ફરસાણ વિક્રેતાઓ સિંગતેલમાંથી જ ખાજા બનાવીને વેચાણ કરે છે. અને તેને સરસિયા ખાજા તરીકે વેચાણ કરી રહ્યા છે. હકીકતમાં સરસિયા ખાજા વર્ષો પહેલાની પરંપરા પ્રમાણે ફક્ત સરસિયા તેલમાંથી જ બનતા હતા. અમે તે જ સ્ટાઈલથી બનાવીએ છીએ. 

અગ્રલેખ
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.