• બુધવાર, 17 એપ્રિલ, 2024

સોયાબીન વાયદામાં મંદીવાળાઓની મજબૂત પકડ    

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 જાન્યુ. 

દક્ષિણ અમેરિકામાં વરસાદના સમાચારને પગલે સોયાબીન વાયદામાં મંદીવાળાની બજાર પરની પકડ વધુ મજબૂત બની છે. બ્રાઝિલમાં અત્યાવશ્યક વરસાદ અને આગામી દિવસોમાં પણ હવામાન ભીનું રહેશે એવી આગાહીને પરિણામે ઉપજ (યીલ્ડ)ની ચિંતાઓ હળવી થતાં શુક્રવારે શિકાગો સોયાબીન વાયદો સતત ચોથા સપ્તાહમાં ઘટાડા તરફ આગળ વધ્યો હતો.  

સીબીઓટી સોયાબીન વાયદામાં કોમોડિટી ફંડો નેટ સેલર બન્યા હતા, પરિણામે માર્ચ વાયદો સાપ્તાહિક ધોરણે 3.2 ટકા ઘટ્યો હતો. સપ્ટેમ્બર 2023 પછીથી સૌથી મોટો ઘટાડો હતો. વિશ્વમાં સોયાબીનના સૌથી મોટા નિકાસકાર બ્રાઝીલના અસંખ્ય ઉત્પાદક રાજ્યોમાં છેલ્લા કેટલાંક દિવસથી વરસાદને પગલે શુક્રવારે અમેરિકન બજારમાં વાયદો 1.48 ટકા ઘટીને 12.50 ડોલર પ્રતિ બુશેલ (27.218 કિલો) બંધ થયો હતો.ગત મહિને વાયદો 5.3 ટકા ઘટ્યો હતો. પાંચ ડિસેમ્બરના 13.26 ડોલરથી ઘટીને 12.50 ડોલર સુધી આવી ગયો હતો. છેલ્લા બાવન સપ્તાહમાં સૌથી નીચો ભાવ 31 મે 2023ના રોજ 11.59 ડોલર નોંધાયો હતો.   

આખું જગત સ્પર્ધાત્મક ભાવે સોયાબીન વેચવાની રેસમાં ઉતાર્યું છે. એક ગ્રેન બ્રોકરે કહ્યું કે સોયાબીન બજારમાં હાલમાં સ્થિતિ છે અને તેથી ભાવ ઘટી રહ્યા છે. જો તમે ટ્રેડર કે ફંડ મેનેજર હો તો તમારે હવામાનની તમામ ગતિવિધિ પર નજર રાખવી પડશે, જે અત્યારે મંદીના સંકેત આપે છે. હવામાનનો આખો નકશો જોઈએ તો સોયાબીન વાવેતરની આખી સીઝન મંદીના સંયોગો દાખવે છે. 

ખાદ્ય તેલોના એક સૌથી મોટા આયાતકાર દેશ તરીકે ભારત પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખીને બેઠું છે. જો તે અન્ય તેલોને બદલે સોયા ઓઇલની આયાત વધારે તો આખી દુનિયાના વેપારની તરાહ બદલાઈ જશે. જાગતિક સોયા ઓઇલની ગતિવિધિ બદલાય તો, ભારત પણ નીચા ભાવનો લાભ લેવા સોયાતેલની ખરીદીમાં મોટાપાયે વૃધ્ધિ કરશે. પૂરતો સ્ટોક રાખવા સિઝનના પ્રારંભમાં ભારતીય રિફાઇનરો સોયાતેલ ખરીદવામાં ઝડપ કરી શકે છે. બજાર હાલમાં આજે રજૂ થનાર અમેરિકન કૃષિ મંત્રાલયના ત્રિમાસિક અમેરિકન ગ્રેન સ્ટોક તેમજ માસિક માગ-પુરવઠાના અહેવાલની રાહ જોઈ રહ્યું છે.   

ફંડામેન્ટલ્સ જોઈએ તો આર્જેન્ટિના પણ બજારનું પથદર્શક બની રહેશે. અમેરિકન કૃષિમંત્રાલયના વર્તમાન અનુમાન પ્રમાણે 2024માં તે 480 લાખ ટન પાક લઈને બજારમાં ઉતરશે. સીઝનના અંત સુધીમાં આંકડો વધી શકે છે. આર્જેન્ટિનાનાં સ્થાનિક સૂત્રો કહે છે કે 86 ટકા વાવણી પૂરી થઈ ગઈ છે. ગત વર્ષે સમયે 94 ટકા વાવેતર પૂર્ણ થયું હતુ. પાકની તંદુરસ્તી ગત સપ્તાહ કરતાં સુધરીને 42 ટકા ગુડ ટુ એક્સેલન્ટ છે. આર્જેન્ટિનામાં પરંપરાગત લણણી એપ્રિલ અને મેમાં થતી હોય છે. બ્રાઝીલના મુખ્ય વાવેતર વિસ્તાર મધ્ય પશ્ચિમના રાજ્યોમાં ખાસ કરીને અલ-નીનોની અસરને કારણે આખરી ઉત્પાદકતા અત્યારે હેક્ટર દીઠ 3.507 કિલો અંદાજીને 2023-24ના સોયાબીન પાકનો અંદાજ 1582.3 લાખ ટનના આગલા અંદાજથી ઘટાડીને 1513.6 લાખ ટન મૂકાય છે.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.