• બુધવાર, 17 એપ્રિલ, 2024

રૂના વધતા જતા ભાવથી મિલોને ચિંતા   

હાલના ભાવે રૂ ખરીદવું પરવડે તેમ નથી, વધુ મિલો બંધ થવાની સંભાવના 

ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં ઘરઆંગણે અને વિદેશમાં નબળાં વેચાણોનો પડકાર, વધતી જતી સ્પર્ધા 

કોઈમ્બતોર, તા.  20 ફેબ્રુ.

રૂના આંતરરાષ્ટ્રીય બજારમાં રૂના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા ઉપરાંત કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) દ્વારા ઘરઆંગણાના બજારમાં વેચવાલીને પગલે ખાસ કરીને નાનું કદ ધરાવતી ટૅક્સ્ટાઈલ મિલો ચિંતામાં મૂકાઈ છે. કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયા (સીએઆઈ)ના પ્રેસિડેન્ટ અતુલ ગણાત્રા કહે છે કે ભારતીય રૂના પ્રવર્તમાન ભાવ આંતરરાષ્ટ્રીય કિંમતો કરતાં લગભગ 4000 રૂપિયા પ્રતિ ગાંસડી ઓછા છે અને એસોસીએશનને આશા છે કે સિઝનમાં રૂની નિકાસ લગભગ 20 લાખ ગાંસડી થશે. 

ભારતીય રૂનો આશરે 65 ટકા (આશરે 200 લાખ ગાંસડી) પાક બજારમાં આવી ગયો છે અને સ્થાનિક માગ ખૂબ સારી છે. જોકે, એપી ટૅક્સ્ટાઈલ મિલ્સ એસોસીએશનના પ્રેસિડેન્ટ કોટી રાવ જણાવે છે કે મિલો માટે પરવડે તેવી કિંમત આશરે રૂા. 58,000 પ્રતિ ગાંસડી હોવી જોઈએ. પરંતુ સીસીઆઈ દ્વારા રૂા. 62,000 પ્રતિ ગાંસડીના ભાવે રૂ વેચાય છે.  તેમણે ઉમેર્યું કે સીસીઆઈએ જ્યારે રૂ વેચવા કાઢ્યું ત્યારે કેટલાક લોકોએ બિડ કરતી વખતે ભાવ વધારી દીધા હતા. ટૅક્સ્ટાઈલ ઉદ્યોગ માટે રિકવરીની સંભાવના ધૂંધળી છે અને જો હાલની સ્થિતિ ચાલુ રહેશે તો વધુ ટૅક્સ્ટાઈલ મિલો બંધ થશે. 

તામિલનાડુમાં એમએસએમઈ મિલ ચલાવતા એન. પ્રદીપ કહે છે કે સીસીઆઈ દ્વારા વેચાતા રૂના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં પ્રતિ ગાંસડી લગભગ 3500 રૂપિયાનો વધારો થતાં યાર્ન મેન્યુફેક્ચરર્સ માટે મોટો પડકાર સર્જાયો છે. 

પ્રદીપે જણાવ્યું કે ટૅક્સ્ટાઈલ ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય સ્તરે નબળી માગ અને ઘરઆંગણે ઓછાં વેચાણ ઉપરાંત તૈયાર વસ્ત્રોની આયાતનો સામનો કરી રહ્યો છે, ત્યારે રૂના વધતા ભાવને કારણે સ્પર્ધા વધુ તીવ્ર બની છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ટૅક્સ્ટાઈલ ઉદ્યોગને -રેડ- એટલે કે ચિંતાજનક દરજ્જાનું રાટિંગ આપ્યું છે, તે નોંધવું જોઈએ. આનાથી પરિસ્થિતિની ગંભીરતા જોવા મળે છે. સીસીઆઈએ પોતાની ભાવનિર્ધારણની વ્યૂહરચના ફરી તપાસવી જોઈએ અને તેની ભાવિ વ્યવસ્થાઓમાં બજારની હાલની વાસ્તવિકતાઓનું પ્રતાબિંબ હોવું જોઈએ.  

ઈન્ડિયન કોટન ફેડરેશનના પ્રેસિડેન્ટ જે. થુલસિધારને જણાવ્યું કે રૂના ભાવમાં હાલનો વધારો ભારતીય બજારમાં ટકે છે કે નહીં તે જોવાનું રહેશે.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.