• બુધવાર, 17 એપ્રિલ, 2024

ઈન્ડિયા અને ભારત વચ્ચેનું અંતર ઘટયું : ગરીબી ઘટીને પાંચ ટકા  

નવી દિલ્હી, તા. 27 ફેબ્રુ.

ગ્રાહકોના ખર્ચના થયેલા એક વિશ્લેષણમાં એવું જાણવા મળ્યું હતું કે દેશમાં ગરીબી ઘટીને પાંચ ટકા થઈ ગઈ હતી અને ગ્રામ્ય તેમ શહેરી વિસ્તારોમાં લોકો સમૃદ્ધ બની રહ્યા છે, એમ નીતિ આયોગના સીઈઓ બી. વી. આર. સુબ્રમણ્યમે જણાવ્યુ હતું.

સ્ટેટિસ્ટિક્સ મંત્રાલય અંતર્ગત નેશનલ સૅમ્પલ સર્વે અૉફિસ (એનએસએસઓ) જાહેર કરેલા 2022-23ના ઘરગથ્થુ ખર્ચના આંકડા અનુસાર 2011-12 કરતાં 2022-23માં માથાદીઠ માસિક ઘરગથ્થુ ખર્ચ બમણાં કરતાં પણ વધ્યો હતો. સર્વેક્ષણ મુજબ ભારતમાં ગરીબીનું પ્રમાણ પાંચ ટકાથી ઓછું થયું છે અને સર્વેક્ષણ પ્રતીતિકારક છે, એમ સુબ્રમણ્યમે જણાવ્યું હતું.

સર્વેક્ષણ માટે લોકોનું 20 શ્રેણીમાં વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. સર્વેક્ષણ મુજબ ગ્રામ્ય વિસ્તારની બધી શ્રેણીના લોકોનો માથાદીઠ સરેરાશ માસિક ખર્ચ રૂા. 3773નો હતો અને શહેરી વિસ્તારનો રૂા. 6459 હતો. ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોના સૌથી નીચેના પાંચ ટકા લોકોનો સરેરાશ માસિક ખર્ચ રૂા. 1373 હતો જ્યારે શહેરી લોકોનો રૂા. 2001 હતો.

એક અંદાજ છે અને અર્થશાત્રીઓ તેનું વિશ્લેષણ કરીને વાસ્તવિક આંકડાઓ રજૂ કરશે.

ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ખર્ચનું પ્રમાણ લગભગ અઢી ગણું વધ્યું હતું, જે દર્શાવે છે કે શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં પ્રગતિ થઈ રહી છે. ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોનો વપરાશી ખર્ચ શહેરી વિસ્તારો કરતાં વધુ ઝડપે વધી રહ્યો છે અને બંને વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. સર્વેક્ષણ મુજબ 2011-12માં શહેરી અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચે 84 ટકાનું અંતર હતું, જે 2022-23માં ઘટીને 71 ટકા થયું હતું. જ્યારે 2004-05માં તો બન્ને વચ્ચે 91 ટકાનો ગાળો હતો. હવે આગામી વર્ષોમાં વલણ ચાલુ રહેશે તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની આવક અને વપરાશી ખર્ચ લગભગ સમાન થઈ જશે, એમ સુબ્રમણ્યમે જણાવ્યું હતું.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.