• બુધવાર, 17 એપ્રિલ, 2024

હોળી પૂર્વે કપાસની આવક એકાએક વધી   

ગામડેથી કપાસના સોદા નહીંવત, યાર્ડ સિવાય જિનોને પુરવઠો મળવો મુશ્કેલ : ગાંસડી મજબૂત

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 12 માર્ચ 

કપાસ બે મહિના પહેલા ટેકાના ભાવથી વેચાતો હતો પણ ન્યૂયોર્કની બજારમાં વ્યાપક તેજી પછી હવે ખેડૂત સારાં દામ મેળવતો થયો છે. બજાર મંદીમાંથી બેઠી થતાં કપાસની આવક ફરી વધવા લાગી છે. જોકે ઉંચા ભાવને લીધે અત્યારે જિનોને સમસ્યા થઇ રહી છે. જિનોની ઉત્પાદન ક્ષમતા ઘટી ગઇ છે. કપાસમાં વૈશ્વિક પુરવઠા ખેંચને કારણે ભવિષ્ય સૌને સારું દેખાય છે ત્યારે આર્થિક રીતે સધ્ધર ખેડૂતો હજુ વેંચવા માટે અડગ છે. 

માર્કેટ યાર્ડમાં રૂ. 1425-1450માં વેચાતા કપાસના ભાવ અત્યારે રૂ. 1600 આસપાસ આવવા લાગ્યા છે. દોઢસોની તેજી પછી કિસાનોએ વેચવાલી કાઢતા એક સમયે 80 હજાર મણ સુધી પહોંચેલી આવક અત્યારે સવા લાખ મણના મથાળે આવી ગઇ છે. આવક વધવાને ખેડૂતોના હાથમાં માલ છે તેવો સંદેશ બજારને ગયો છે.  જિનોને સરળતાથી માલ મળતો થયો છે. જોકે કિસાનો કહે છે, પુરવઠાની ખેંચ ભારેખમ છે પણ અત્યારે હોળી પૂર્વે કિસાનોને ભાગીયાઓને ચૂકવવાના નાણાની જરુર છે. ભાગીયા વતનભણી જવા લાગ્યા છે એટલે પૈસા છૂટા થઇ રહ્યા છે. જોકેનબળો કપાસ પણ તેજીમાં નીકળી રહ્યો છે. આવક વધવાનું મોટું કારણ છે. 

કપાસની ચાલુ સીઝનમાં ધ્રોલમાં રૂ. 1751નો ટોપ ભાવ થયો હતો. ન્યૂયોર્ક બજારમાં ભારે અફડાતફડી છતાં સ્થાનિક યાર્ડમાં કપાસના ભાવ ટકેલા અને મક્કમ રહેતા ખેડૂતોને ધરપત છે. યાર્ડમાં આવક થાય છે પણ ગામડે ખેડૂતો મક્કમ થઇ ગયા છે એટલે રૂ. 1600માં પણ માંડ માંડ વેચવાલી આવે છે. ખેડૂત વર્ગ કહે છે, ગામડે પુરવઠો ઓછો છે એટલે જિનો હજુ થોડાં અઠવાડિયાઓ પસાર થાય પછી કપાસ ખરીદવા ખેડૂતોને શોધવા આવે એમ છે. 

તરફ રૂની ગાંસડીનો ભાવ પાછલા સપ્તાહે રૂ.61500-62000ની સપાટીએ પહોંચી ગયા પછી મજબૂતાઇથી ટકેલો છે. કપાસિયા અને ખોળના ભાવમાં વન વે તેજી થવાને લીધે જિનોને પડતર છે. જોકે કપાસના ભાવની ઉથલપાથલ અત્યારે જિનોને પરેશાન કરી રહી છે. ગુજરાતની મોટાંભાગની જિનીંગ ફેક્ટરીઓ ત્રીજા ભાગની ક્ષમતાથી ચાલી રહી છે. કપાસના ભાવ વધી જતા જિનરો અત્યારે મુંઝવણમાં છે, નવા ટ્રેડ કરવામાં સાવધાની છે. 

બ્રોકરો કહે છે, સ્પિનીંગ મિલોના માર્જિન પણ ઘટ્યા છે. કારણકે કાચો કપાસ અને રૂ બન્ને વધી ગયા છે. તેની સામે ટાર્નના ભાવમાં ઓછો વધારો થયો છે. ઘણી મિલો પાસે રૂની મર્યાદિત ઇન્વેન્ટરીઓ છે પણ ભાવની ભારે વધઘટ અને પુરવઠાની અનિશ્ચિતતાનો માહોલ અને નાણાકિય ખેંચને લીધે ખરીદી ધીમી પડે છે. 

બ્રોકરોના અંદાજ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં 235 લાખ ગાંસડીની આવક થઇ ગઇ છે. એમાંથી વપરાશણાં 145 લાખ ગાંસડી ગઇ હોવાનો અંદાજ છે. 18 લાખ ગાંસડી નિકાસમાં ગઇ છે. અને 3 લાખ ગાંસડી આયાત થઇ હોવાનું અનુમાન છે. બજારની ધારણા પ્રમાણે માર્ચના મધ્ય સુધીમાં 37 લાખ ગાંસડીનો સ્ટોક સ્પિનરો પાસે હોવાની સંભાવના છે. સીસીઆઇ પાસે આશરે 32 લાખ ગાંસડી, કંપનીઓ ટ્રેડરો અને જિનરો પાસે 32.50 લાખ ગાંસડી સ્ટોક હોવાનો અંદાજ છે.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.