• બુધવાર, 17 એપ્રિલ, 2024

અયોધ્યા તરફની ફ્લાઇટોમાં 70 ટકાથી વધુ ટ્રાફિક   

ગુજસેલ દ્વારા ગુજરાતનાં ધાર્મિક સ્થળોએ કનેક્ટિંગ ફ્લાઇટ શરૂ કરાશે  

અમારા પ્રતિનિધિ તરફથી  

અમદાવાદ, તા. 22 માર્ચ

અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ થઇ હતી તેને બે મહિના વીતી ગયા છે ત્યારે ગુજરાતમાંથી અયોધ્યા જનારા પ્રવાસીઓની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે. એટલુ નહી અયોધ્યા જતી મોટા ભાગની ફ્લાઇટોમાં છેલ્લા બે મહિનામાં 70થી 100 ટકા ઓક્યુપેન્સી જોવા મળી છે. મોટા ભાગના મુલાકાતીઓ વૃદ્ધ હોય છે, યુવાનોની સંખ્યા પણ ઓછી નથી.  

અમદાવાદ સ્થિત ટ્રાવેલ એજન્ટોના અનુસાર જ્યારથી અયોધ્યામાં શ્રી રામની પ્રતિષ્ઠા કરવામાં આવી છે ત્યારથી લોકોમાં આકર્ષણ વધ્યુ છે. તેની સાથે મંદિરની બાજુમાં આવેલા હનુમાનગઢી અને સરયુ નદીના ઘાટે પણ અસંખ્ય લોકો મુલાકાત લે છે. ઉપરાંત વારાણસી જેવા સ્થળોએ પણ મુલાકાતીઓનો ધસારો છે.  

ટ્રાવેલ એજન્ટના અનુસાર હાલમાં મોટા ભાગના પ્રવાસીઓ પાંચથી સાત દિવસનો પ્લાન લે છે જેમાં વારાણસી, છપૈયા, પ્રયાગરાજ અને અન્ય થોડા નજીકના સ્થળોનો સમાવેશ થાય છે. યુપીમાં પાંચથી સાત દિવસના પેકેજમાં ટ્રેઇનમાં જવાનો ખર્ચ રૂ. 25 હજાર અને ફ્લાઇટમાં રૂ. 40 હજાર સુધીનો થાય છે. આવા મુસાફરોમાં 60થી 70 ટકા વૃદ્ધો હોય છે અને 40 ટકા યુવાનોનો સમાવેશ થાય છે. પહેલા લોકો ટુરીસ્ટ ડેસ્ટીનેશને જવાનું પસંદ કરતા હતા પરંતુ ભગવાન શ્રી રામની મૂર્તિ સ્થાપના બાદ અયોધ્યા અગ્રિમતા તરીકે ઉભરી આવ્યુ છે.  

દરમિયાનમાં ગુજરાતમાં સોમનાથ, દ્વારકા અને અંબાજી જેવા મહત્ત્વના ધાર્મિક પ્રવાસન સ્થળોએ પહોંચવામા સુગમતા રહે તે માટે ગુજરાત સ્ટેટ એવિયેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમીટેડ (ગુજસેલ) ટૂંક સમયમાં ઉડાન સ્કીમ હેઠળ ઇન્ટર સ્ટેટ કનેક્ટીવિટી ફ્લાઇટ્સ હાથ ધરશે. ફ્લાઇટ્સ નવેમ્બર કે ડિસેમ્બરથી શરૂ થવાની શક્યતા સેવાય છે.  

ગુજરાતમાં ધાર્મિક સ્થળોએ ઘરેલુ તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનો ધસારો રહે છે ત્યારે અમદાવાદ તેમજ વડોદરાથી કનેક્ટિવીટી ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે. માટે ગુજસેલે અમદાવાદ અને વડોદરાથી કેશોદ, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભુજ, અંબાજી અને સ્ટેચ્યુ ઓફ યુનિટની સુધી ફ્લાઇટ શરૂ કરવા માટે ખાનગી એરલાઇન્સ પાસેથી દરખાસ્તો મંગાવી છે. નોંધનીય છે કે ટ્રુ જેટ એરલાઇન દ્વારા કેશોદ સુધીની કનેક્ટિવીટી પૂરી પાડવા માટેની દરખાસ્ત કેશોદ એરપોર્ટના નોન-ઓપરેશનલ એરપોર્ટના સ્ટેટસને કારણે સ્વીકારી શકાઇ હતી.  

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.