• બુધવાર, 17 એપ્રિલ, 2024

ફળ અને શાકભાજીની નિકાસમાં 16 ટકા વૃદ્ધિ   

નેધરલૅન્ડ્સ અને યુકે મુખ્ય આયાતકાર

ડી. કે. 

મુંબઈ, તા. 29 માર્ચ 

આયોજનબદ્ધ માર્કાટિંગ અને ગુણવત્તાસભર ખેતીના કારણે ભારતનાં ફળ અને શાકભાજીની વિશ્વભરમાં સતત વધી રહેલી માગના કારણે વર્તમાન નાણાકીય વર્ષ 2023-24માં ભારતની ફળ અને શાકભાજીની નિકાસમાં 16 ટકાનો વધારો જોવા મળ્યો છે. એપ્રિલ-23થી ફેબ્રુઆરી-24ના સમયગાળાના નિકાસના આંકડા દર્શાવે છે કે કેળાંની નિકાસમાં 50 ટકાનો વધારો જોવા મળ્યો છે. ફળોની નિકાસમાં નેધરલેન્ડ્સ અને અમેરિકા તથા શાકભાજીની નિકાસમાં યુકે ટોચના સ્થાને રહ્યું છે. 

વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ભારતે નાણાકીય વર્ષ 2023-24ના એપ્રિલથી ફેબ્રુઆરીના ગાળામાં 3.22 અબજ ડોલરનાં ફળો અને શાકભાજીની નિકાસ કરી હતી. અગાઉ, નાણાકીય વર્ષ 2022-23માં સમાન સમયગાળામાં 2.79 અબજ ડોલરની નિકાસ થઇ હતી. ભારતીય શાકભાજીના ખરીદદારોમાં યુકે, શ્રીલંકા, બાંગ્લાદેશ અને સાઉદી અરેબિયા ટોચ પર છે. જ્યારે સૌથી વધુ ફળ ખરીદનારા દેશોમાં અમેરિકા, નેધરલેન્ડ, ઈરાન, ઈરાક અને યુએઈનો સમાવેશ થાય છે. ઉપરાંત કેન્દ્ર સરકાર યુરોપ અને ઓસ્ટ્રેલિયાના અન્ય દેશોમાં ભારતનાં ફળ અને શાકભાજીની નિકાસ વધારવા પર ધ્યાન આપી રહી છે. અગાઉ અખાતી દેશો અને એશિયાનાં દેશોમાં ભારતનાં ફળ અને શાકભાજીની નિકાસ થતી હતી. 

ફળો અને શાકભાજીના વૈશ્વિક બજારમાં ભારતનો હિસ્સો લગભગ એક ટકા જેટલો છે, જેનો અર્થ છે કે ભારત પાસે હજુ પણ તેની નિકાસના આંકડા વધારવાનો ઘણો અવકાશ છે. આંકડા જોઇએ તો ભારતીય ફળો અને શાકભાજીની નિકાસમાં લીલાં મરચા અને કેળાનું પ્રમાણ વધ્યું છે. ઉપરાંત હવે ભારતે બટાકાની નિકાસ પણ શરૂ કરી દીધી છે. બાકી હોય તો મહારાષ્ટ્રની સાથે સાથે હવે યુપીમાંથી પણ કેરીની નિકાસ ધીમે ધીમે રશિયા સહિત અન્ય દેશોમાં વધી રહી છે. 

કેળાં ઉપરાંત હવે સરકાર કેરીની નિકાસ વધારવા માટે ખેડૂતો અને પ્રોસેસરોને વિશેષ તાલિમ પણ આપી રહી છે.  અને પાકિંગ, વેરહાઉસિંગ તથા કોલ્ડ સ્ટોરેજ જેવી જરૂરી માળખાકિય સુવિધાઓ પણ ઉભી કરી રહી છે. કેરીની નિકાસ કરવા માટે તેની સારી ગુણવત્તા તેમજ ફળનું યોગ્ય વજન જરૂરી છે. માટે કેરી ઉત્પાદકોની બાગિંગ જરૂરી છે. બાગિંગની સાચી પદ્ધતિ અપનાવવા માટે, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સબટ્રોપિકલ હોર્ટિકલ્ચર (ઈઈંજઇં), લખનઉ ખાતે તાલીમ આપવામાં આવે છે. ભારતનું સૌથી મોટું પેક હાઉસ અહીં બનાવવામાં આવ્યું છે, જ્યાં કેરીનું ટેસ્ટિગ અને ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે. એક કિલો કેરીના ફળની બાગિંગની કિંમત લગભગ બે રૂપિયા છે. જો ખાતર અને જંતુનાશકો વગેરે ઉમેરવામાં આવે તો એક કિલોની કિંમત 10 રૂપિયા જેટલી થતી હોય છે. જ્યારે નફો 20 રૂપિયાથી વધુ થઈ શકે છે. પરિણામે ખેડૂતોમાં તાલીમ લોકપ્રિય થઇ રહી છે.  

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.