એજન્સીસ
નવી દિલ્હી, તા. 26 મે
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે કરાવવાનો આદેશ લોકસભા સેક્રેટરીએટને આપવાની માગણી કરતી યાચિકા દાખલ કરવાનો સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઈન્કાર કર્યો હતો. ન્યાયમૂર્તિ જે. કે. મહેશ્વરી અને પી. એસ. નરસિંહાની બેન્ચે યાચિકાકર્તાને જણાવ્યું હતું કે બંધારણની કલમ-32 હેઠળ આ અરજી દાખલ કરી શકાશે નહીં.
અરજદારોના ધારાશાસ્ત્રી જયા સુકીને અરજી પાછી ખેંચી લેવાની માગણી કરી હતી. કોર્ટે જણાવ્યું કે શા માટે અને કેવી રીતે આ અરજી કરવામાં આવી છે તેની અમને જાણ છે.
સુકીને દલીલ કરી હતી કે કલમ-79 હેઠળ દેશના કાર્યકારી વડા તરીકે રાષ્ટ્રપતિને આ વાસ્તુના ઉદ્ઘાટન માટે આમંત્રિત કરવા જોઈએ. જો અદાલત આ અરજી સ્વીકારવા માગતી ન હોય તો તેને પાછી ખેંચવાની પરવાનગી આપવામાં આવે. આ દલીલ બાદ કેન્દ્ર તરફથી ઉપસ્થિત રહેલા સોલિસીટર-જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે જો યાચિકાકર્તાને અરજી પાછી ખેંચી લેવાની છૂટ અપાશે તો તે પાછી હાઈ કોર્ટમાં અરજી ફાઈલ કરશે. ત્યાર બાદ બેન્ચે આ અરજી ડિસમીસ કરી હતી. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન તા. 28 મેના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. 20 વિપક્ષોએ આ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કર્યો છે. નરેન્દ્ર મોદીએ 2020માં નવા સંસદ સભવનનું ભૂમિપૂજન કર્યું હતું અને ત્યારે પણ વિપક્ષો ગેરહાજર રહ્યા હતા.લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ તાજેતરમાં વડા પ્રધાનને મળી તેમને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનું આમંત્રણ આપ્યું હતું.