• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

મહારાષ્ટ્રમાં ખાંડ ઉદ્યોગનું ટર્નઅૉવર રૂા. 2.5 લાખ કરોડ થવાની સંભાવના     

ડી. કે. 

મુંબઈ, તા. 30 મે 

ભારતના કૃષિ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલો મહારાષ્ટ્રનો ખાંડ ઉદ્યોગ હવે સફળતાનાં નવા શિખરો સર કરીને વૈશ્વિક સ્તરે પ્રભુત્વ જમાવે તેવા સંજોગો બની રહ્યા છે. ઇન્ડસ્ટ્રીએ આ વર્ષે 108000 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યુ છે અને આગામી ત્રણ વર્ષમાં આ ટર્નઓવર રૂા. 250000 કરોડને આંબે તેવી આશા સેવાઇ રહી છે. 

મહારાષ્ટ્રના સુગર કમિશ્નર શેખર ગાયકવાડે જણાવ્યું હતું કે ખાંડનાં ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે ટોચનું સ્થાન પ્રાપ્ત કરી શકે એટલી ક્ષમતા મહારાષ્ટ્રની ખાંડ મિલોમાં રહેલી છે. હાલમાં જ વેસ્ટ ઇન્ડિયન સુગર મિલ્સ એસોસીએશન (ડબલ્યુ. આઇ. એસ. એમ.એ) દ્વારા આયોજિત એક સમારોહમાં `મહારાષ્ટ્રની ખાંડ મિલોના ભવિષ્ય' વિષય ઉપર પોતાનું પ્રવચન આપતા સમયે ગાયકવાડે રાજ્યની ખાંડ ઇન્ડસ્ટ્રી સામે રહેલા પડકારો અને સરકારે અપનાવેલી નીતિઓ અને સર્જનાત્મક પોલિસી બાબતે મહત્વની જાણકારી આપી હતી.  તેમણે જણાવ્યું હતું કે અમલદારશાહી છોડીને સરકારી અધિકારીઓઐ સક્રિય રીતે આધુનિક ટેકનોલોજીનો પ્રચાર કરવો પડશે, તેમણે શુગર મિલોને પણ અપીલ કરીને આ ઉદ્યોગ સાથે જોડાયેલા અને નવી ટેકનોલોજી સાથે અસ્તિત્વમાં આવેલા સેંકડો નુસખાઓનો ઉપયોગ કરવા હાકલ કરી હતી. 

શેખર ગાયકવાડ મે-23ના અંતે સેવા નિવૃત થઇ રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન મહારાષ્ટ્રના ખાંડ ઉદ્યોગે મોટા ફેરફારોનો અનુભવ કર્યો છે.  આ સમયગાળામાં તેમણે લીધેલા નિર્ણયોથી રાજ્યની શુગર મિલોની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે અને તેમની બેલેન્સશીટ સુધરી છે. છેલ્લા થોડા વર્ષોમાં મહારાષ્ટ્રનું ખાંડનું ઉત્પાદન વધવા ઉપરાંત ખેડૂતોના શેરડીનાં ભાવનાં ચુકવણામાં સુધારો થયો છે. આ ઉપરાંત ખાંડ મિલોએ ઇથેનોલના ઉત્પાદનનો પ્રારંભ કરીને સમયાંતરે વિકાસ હાંસલ કર્યો છે.  છેલ્લા થોડા વર્ષોથી નાણાભીડ ઘટવાનાં કારણે ખાંડ મિલોના માલિકો રાહતનો શ્વાસ લઇ રહ્યા છે.  હાલમાં સરકારે પેટ્રોલ-ડિઝલમાં 10 ટકા ઇથેનોલ ભેળવવાનું લક્ષ્યાંક સિધ્ધ કર્યું છે આગામી વર્ષમાં આ લક્ષ્યાંક 20ટકા સુધી  ઇથેનોલનું ઉત્પાદન 20 ટકા સુધી લઇ જવાના પ્રયાસો યથાવત્ છે. 

આજની સુગર ઇન્ડસ્ટ્રી પાસે ખાંડના ઉત્પાદન ઉપરાંત ઇથેનોલ, વીજળી, બાયોગેસ, તથા ગ્રીન હાઇડ્રોજનનાં ઉત્પાદન જેવા ઘણા વિકલ્પો મોજુદ છે. જે આ ઉદ્યોગનું ટર્ન ઓવર બમણાથી પણ વધારી શકે તેવી સૌને આશા છે. આ વખતે રાજ્યમાં થયેલા અનિયમિત વરસાદ છતાં રાજ્યના ખાંડ ઉદ્યોગે 105.27 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યુ છે. સાથે જ 130 કરોડ લિટર ઇથેનોલનું પણ ઉત્પાદન કર્યુ છે. હવે આગામી વર્ષોમાં રાજ્યમાં શેરડીનાં વાવેતરમાં વધારો થશે તેથી ખાંડ અને ઇથેનોલના ઉત્પાદનમાં પણ વધારો થશે. જેના કારણે વર્ષ 2025 સુધીમાં 20 ટકા ઇથેનોલનું કેન્દ્ર સરકારનું સપનું સાકાર થશે.

અગ્રલેખ
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.