મુંબઈ, તા. 30 મે
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે 2022-23માં રૂા. 500ની 91,110 બનાવટી નોટો પકડાઈ હતી. આ સાથે આરબીઆઈએ અમુક અન્ય ચલણી નોટોના આંકડા જાહેર કર્યા છે, જે સ્પષ્ટ કરે છે કે બજારમાં બનાવટી નોટોની સંખ્યા વધી રહી છે. 2022-23માં બૅન્કિંગ ક્ષેત્રમાં કુલ જે બનાવટી નોટો પકડાઈ હતી તેમાં 4.6 ટકા નોટો રિઝર્વ બૅન્કમાં અને 95.4 ટકા બનાવટી નોટો અન્ય બૅન્કોમાં પકડાઈ હતી.
2022-23માં રૂા. 100ની 78,699 બનાવટી નોટો અને રૂા. 200ની 27,258 બનાવટી નોટો પકડાઈ હતી. આગલા વર્ષના મુકાબલે રૂા. 20ની અને રૂા. 500 (નવી ડિઝાઈન)ની બનાવટી નોટ અનુક્રમે 8.4 ટકા અને 14.4 ટકા વધુ પકડાઈ છે. આની સામે રૂા. 10, રૂા. 100 અને રૂા. 2000ની બનાવટી નોટો જે પકડાઈ છે તેમાં અનુક્રમે 11.6 ટકા, 14.7 ટકા અને 27.9 ટકાનો ઘટાડો થયો છે.