• બુધવાર, 17 એપ્રિલ, 2024

અનાજ, કઠોળ, મસાલાઓમાં બેફામ ભાવવધારો રોકવા વાયદા ઉપર પ્રતિબંધની માગણી  

મુંબઈ ગ્રેન ડીલર્સ ઍસો.એ વડા પ્રધાનને લખ્યો પત્ર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 અૉગ.

મુંબઈના 3000થી વધુ અનાજ-કરિયાણાના રીટેલ દુકાનદારોનું પ્રતિનિધિત્વ કરતી 130 વર્ષ જૂની પ્રતિષ્ઠિત સંસ્થા મુંબઈ ગ્રેન ડીલર્સ ઍસોસિયેશને કોમોડિટી માર્કેટ (એસસીએક્સ)માં કૃષિ ઉત્પાદનો પર થતા વાયદાના વેપારને તત્કાળ બંધ કરવાની માગણી કરી છે.

એસોસિયેશનના પ્રમુખ રમણીકલાલ જાદવજી છેડાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને ઉપભોક્તા પ્રધાન પીયૂષ ગોયલને એક પત્ર લખીને જણાવ્યું છે કે અનાજ, ધાન્ય, મસાલા, સાકર, ખાદ્યતેલ વગેરે જીવનાવશ્યક ચીજોમાં થતી સટ્ટાખોરીને કારણે તેમના ભાવમાં અવાસ્તવિક અને કૃત્રિમ વધારો થાય છે જેના કારણે આમજનતાને ઊંચા ભાવ ચૂકવવા પડે છે. સટ્ટાખોરો કૃત્રિમ તેજી કરીને પોતાનો નફો બાંધી લે છે પણ ખેડૂતો, છૂટક દુકાનદારો અને આમજનતાને નુકસાન જ થાય છે અને આના લીધે વધતા ભાવ માટે ગ્રાહકો રીટેલરોને દોષિત ગણે છે.

છેડાએ કહ્યું છે કે, છેલ્લા કેટલાક દિવસથી અનાજના ભાવ વધારાથી જીરું, વરિયાળી, મરચાં સહિતના મસાલાઓમાં જબરજસ્ત તેજી આવી છે. અને આ ચીજો સામાન્ય માણસની પહોંચની બહાર થઈ ગઈ છે.

દેશના કરોડો સામાન્ય લોકોનાં હિતમાં કોમોડિટી માર્કેટમાં કૃષિ ઉત્પાદનોના વાયદાના વેપાર પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આમ આ અંગે યોગ્ય સકારાત્મક નિર્ણય લેશો, એમ પત્રમાં જણાવ્યું છે.

ઘઉંના રીટેલ ભાવવધારા માટે દુકાનદારો નહીં હોલસેલરો જવાબદાર : ગ્રેન ડીલર્સ ઍસો.નો આક્ષેપ

ઘઉંના રીટેલ ભાવમાં આવેલા ઉછાળા માટે રીટેલ દુકાનદારો બિલકુલ જવાબદાર નથી પણ હોલસેલ વેપારીઓ જ અછતના સમયમાં ઊંચા ભાવ લઈ રહ્યાનો આક્ષેપ મુંબઈ ગ્રેન ડીલર્સ ઍસોસિયેશનના પ્રમુખ રમણિકલાલ જાદવજી છેડાએ કર્યો છે.

તેમણે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે ભાવ વધારા માટે દોષનો ટોપલો રીટેલ દુકાનો પર હોલસેલરોએ ઢોળ્યો છે પણ રીટેલરોએ હોલસેલ બજારમાંથી ઘઉં-ચોખા જે ઊંચા ભાવે ખરીદ્યા છે તેનાં બિલ સાચવી રાખ્યાં છે, જે યોગ્ય સમયે સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને હોલસેલરો જનતા સમક્ષ ખુલ્લા પડી જશે. આજે રીટેલરો અૉનલાઇન બિઝનેસ, સુપર માર્કેટ, મૉલની ગળાકાપ સ્પર્ધાનો સામનો કરી રહ્યા છે જ્યારે પણ અનાજના ભાવ વધે ત્યારે હંમેશાં રીટેલરોને જવાબદાર ગણવામાં આવે છે. પણ હવે આ માટે જવાબદાર કોણ છે એ સાબિત કરી બતાવીશું.

રમણિકભાઈએ જણાવ્યું હતું કે અમે કેન્દ્રના ઉપભોક્તા પ્રધાન પીયૂષ ગોયલને પત્ર લખી જણાવ્યું છે કે અનાજના ભાવ વધારા માટે રીટેલરો જવાબદાર નથી. ભાવવધારાને કાબૂમાં લેવા સરકારે રીટેલરોને તેમની જરૂર મુજબ રાહતના દરે ઘઉં-ચોખા આપવા જોઈએ. ભૂતકાળમાં જ્યારે પણ ભાવ વધ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે એફસીઆઈના ગોદામોમાંથી રીટેલ બજારોમાં અનાજ મોકલાવતાં ભાવ ઘટયા છે. રીટેલરો ઓછા ભાવનો લાભ વપરાશકારોને આપતા હોય છે કારણ કે તેમને પણ બજારમાં ટકી રહેવાનું છે.

દરમિયાન સરકારે નોનબાસમતી ચોખા પર નિકાસબંધી લાદી તે આવકારદાયક છે પણ ભાવ અંકુશમાં લાવતાં સમય લાગશે એમ જણાવતાં છેડાએ કહ્યું હતું કે ભારતની ચોખાની વિવિધ જાતો સારી ગુણવત્તા અને વાજબી ભાવને કારણે વિશ્વભરમાં લોકપ્રિય છે. માગ સારી છે પણ ગત સિઝનમાં ચોખાનો પાક ઓછો આવતાં અને વિશ્વમાં પણ ઉત્પાદન ઘટતાં ચોખાની નવી સિઝન શરૂ થતાં સુધીમાં બજાર ઊંચી જ રહેવાનાં એંધાણ છે.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.